આજે કલેકટર સમક્ષ ઔપચારિક રીતે રિપોર્ટ અંગે ચર્ચા, રિપોર્ટ મળ્યા બાદ કલેકટર બન્ને પક્ષોને સાંભળશે બાદમાં નિર્ણય લેશે
બાલાજી મંદિર વિવાદ મુદ્દે પ્રાંતનો સ્ફોટક રિપોર્ટ તૈયાર થઈ ગયો છે. હવે કાલે તે રિપોર્ટ સત્તાવાર રીતે કલેકટરને સોપાશે. એ પૂર્વે આજે કલેકટર સમક્ષ ઔપચારિક રીતે રિપોર્ટ અંગે ચર્ચા થયાનું જાણવા મળ્યું છે. રિપોર્ટ મળ્યા બાદ કલેકટર બન્ને પક્ષોને સાંભળશે બાદમાં નિર્ણય લેશે તેવું જાણવા મળી રહ્યું છે.
શહેરીજનોની આસ્થાના પ્રતિક એવા બાલાજી મંદિરના ટ્રસ્ટ દ્વારા શહેરની ઐતિહાસિક એવી કરણસિંહજી હાઈસ્કુલના ગ્રાઉન્ડમાં અનઅધિકૃત રીતે બાંધકામની ઉઠેલી ફરીયાદ બાદ આ પ્રકરણ હાઈકોર્ટ સુધી પહોંચ્યું હતું. જેને પગલે હાઇકોર્ટે જિલ્લા કલેકટરને 4 અઠવાડિયામાં નિર્ણય લેવા આદેશ કર્યો હતો.
અગાઉ બન્ને પક્ષોના હિયરીંગ-નિવેદનો લેવાની કામગીરી સીટી-1 પ્રાંત અધિકારી ચૌધરી દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ હવે પ્રાંત અધિકારી દ્વારા રિપોર્ટ પણ તૈયાર કરી નાખવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ રિપોર્ટ સ્ફોટક હોવાનું માનવામાં આવી રહ્યું છે. હવે આ રિપોર્ટ અંગે પ્રાંત અધિકારી આજે જિલ્લા કલેકટર સાથે સાંજે ઔપચારિક ચર્ચા કરવાના છે. ત્યારબાદ પ્રાંત અધિકારી જિલ્લા કલેકટરને સત્તાવાર રીતે આ રિપોર્ટ સોંપવાના છે. ત્યારબાદ કલેકટર બન્ને પક્ષોને સાંભળવાના પણ છે.
ઉલ્લેખનિય છે કે બાલાજી મંદિર ટ્રસ્ટના આ બાંધકામના મુદ્દે તપાસ કરવા હાઈકોર્ટ દ્વારા જીલ્લા કલેકટરને આદેશ આપવામાં આવેલ હતો. જે બાદ કલેકટર પ્રભવ જોશી દ્વારા આ અંગે તાબડતોબ તપાસ કમીટીની રચના કરવામાં આવી હતી. જેમાં પ્રાંત અધિકારી ચૌધરી, સીટી સર્વે અધિકારી શિક્ષણ અધિકારી અને બે મામલતદારોનો સમાવેશ કરવામાં આવેલ હતો.
જે બાદ બાલાજી મંદિર ટ્રસ્ટના બાંધકામના મુદ્દે રચાયેલી ખાસ કમીટી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત જીલ્લા શિક્ષણાધિકારી પાસેથી પણ રીપોર્ટ મંગાવવામાં આવેલ હતો. જે બાદ હવે પ્રાંત અધિકારી ચૌધરી દ્વારા આ પ્રકરણમાં બન્ને પક્ષોના નિવેદનો અને હિયરીંગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.