વિસ્ફોટ થવાનું કારણ જાણવા પોલીસ તપાસનો ધમધમાટ
જસદણના કાળાસર ગામે ગત રાત્રીના બે વાગ્યે એક ખેડૂત પરિવારના રહેણાંક મકાનમાં અચાનક વિસ્ફોટ થતાં રસોડાની દિવાલ ધરાશાયી અને સ્લેબ પણ ટુટી જઈ આગ ભભૂકી ઉઠી હતી. સદ્નશીબે કોઈ જાનહાની થઈ નહોતી. આ અંગે પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ જસદણના કાળાસર ગામે રહેતા બાબુભાઈ પોપટભાઈ સાનેપરાનો પરિવાર મોડી રાત્રીના સુતો હતો.
ત્યારે અચાનક પ્રચંડ વિસ્ફોટ થતાં સ્લેબ, દિવાલો તૂટી ગયા હતા અને ત્યારબાદ આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવની જાણ થતાં જસદણ નગરપાલિકાનો ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગને ઓલવી હતી. વિસ્ફોટ રસોડામાં થયો બાજુના રૂમમાં ખેડૂત પરિવાર સુતો હતો તેથી તેમનો બચાવ થયો હતો. વિસ્ફોટમાં ગેસના બાટલા ફ્રિજ અકબંધ હતા. ત્યારે આ વિસ્ફોટ પછી આગનું કારણ શું ? તે અંગે નિષ્ણાંતોની મદદ લઈ જસદણ પોલીસે તપાસ હાથ ધરી છે.