ચેરમેનના પીએ સાથેની જુની અદાવતમાં ટેન્કર ચાલકે કચડી નાખવાનો કર્યા હિન પ્રયાસ
રાજકોટ જિલ્લા દુધ ઉત્પાદક સંઘના ચેરમેન અને ભાજપ અગ્રણી તથા ખેડૂત અગ્રણી વિઠ્ઠલભાઈ રાદડીયાના સાથીદાર ગોવિંદભાઈ રાણપરીયાની ઈનોવા કાર પર ટેન્કર ચડાવી હત્યાનો પ્રયાસ પ્રકાશમાં આવતા રાજકીય અને સરકારી ક્ષેત્રમાં હડકંપ મચી જવા પામી છે.
શહેરના દુધસાગર માર્ગ પર ડેરીના દૂધ વાહનના કોન્ટ્રાકટ બાબતે વિછીંયા પંથકના રબારી શખ્સે જૂના મન દુ:ખ બાબતે યાદ રાખી કૃત્ય આચરાયું પરંતુ ચેરમેન ગોવિંદભાઈ અને જામકંડોરણાના સરપંચની કારચાલક છગનભાઈની સમય સુચકતાથી ચમત્કારિક બચાવ થયો છે.
થોરાળા પોલીસ મથકના સ્ટાફે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી નાશી છૂટેલ શખ્સની શોધખોળ કરી છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામકંડોરણા તાલુકાના સાજડીયાળી ગામમાં રહેતા અને રાજકોટ જિલ્લા ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા જીજે૩એફકે-૧૦૭૬ નંબરની કારના ચાલક છગનભાઈ હરદાસભાઈ રાણપરીયા અને જામકંડોરણાના સરપંચ જસમતભાઈ કોયાણી સહિત ત્રણેય રાજકોટ ડેરી ખાતે આવી રહ્યાં હતા.
શહેરના દુધસાગર રોડ પર આવેલ એચ.જે.સ્ટીલથી ડેરીએ જતી વેળાએ સામેથી પુરપાટ ઝડપે આવતા નંબરના ટેન્કરના ચાલકે કારની સાઈહમાં દબાવી કાર પર ચડાવી દેવાનો પ્રયાસ કરતા કાર ચાલક છગનભાઈ રાણપરીયાએ સમય સુચકતા વાપરી કારને એક સાઈડમાં હટાવી દેતા કારમાં બેઠેલા તમામનો બચાવ થયો હતો.
આ બનાવની જાણ થોરાળા પોલીસ મથકના સ્ટાફ ઈનોવા કારના ચાલક છગનભાઈ રાણપરીયાની ફરિયાદ પરથી વિંછીયા પંથકના ગોવિંદ ભગા કટારા સામે ફરિયાદ નોંધી નાશી છૂટેલા ટેન્કર ચાલકની શોધખોળ આદરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં ટેન્કર ચાલકે અગાઉ બે માસ પૂર્વે ડેરીમાં ટેન્કર મુકવા બાબતે માથાકૂટ કરી ઓફિસમાં તોડફોડ કરી ચેરમેનના પીએ રમેશ સાગાણી સાથે માથાકૂટ કરી હતી ત્યારે ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયાએ મધ્યસ્થી થઈ સમાધાન કરાવી ટેન્કર ડેરીમાં મુકાયું હતું.
ઉપરાંત ગોવિંદ રબારી અગાઉ સ્ટાફ સાથે ઝઘડો કર્યો હોય તેમજ માથાકૂટ કરવાની ટેવ ધરાવતો હોય ત્યારે ચેરમેને ગોવિંદભાઈ આ મામલે અનેક વખત સમજાવતા તેનો ખાર રાખી મારી નાખવાના ઈરાદે કાર પર ટેન્કર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.
થોરાળા પોલીસ મથકના પી.આઈ આર.એલ.ખરાડી, સ્ટાફ જાવેદ હુસેન રિઝવીએ ફરિયાદ પરથી હત્યાના પ્રયાસનો ગુનો નોંધી નાશી છૂટેલા રબારીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.