ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરીમાં હિંસા દરમિયાન ચાર ખેડૂતો, ત્રણ ભાજપના કાર્યકરો અને એક પત્રકારનું મોત થયુ છે. આ હિંસાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષ તેમજ ખેડૂત સંગઠનો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હિંસામાં માર્યા ગયેલા ખેડૂતોના મૃતદેહોને રસ્તા પર મૂકીને પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે હાલ એવા અહેવાલ છે કે ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે સમજૂતી થઈ છે.
કહેવામાં આવી રહ્યું છે કે હિંસા દરમિયાન મૃત્યુ પામેલા તમામ મૃતકોને 45-45 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ સાથે મૃતકના પરિવારના સભ્યને નોકરી આપવામાં આવશે. આ સિવાય ઘાયલોને 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ મામલાની તપાસ હાઇકોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ કરવામાં આવશે.
ખેડૂત નેતા રાકેશ ટિકૈત અને ADG (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી. ચારેય મૃતક ખેડૂતોના પરિવારોને 45-45 લાખ રૂપિયાનું વળતર મળશે. પરિવારના એક સભ્યને પણ નોકરી આપવામાં આવશે અને સમગ્ર મામલાની ન્યાયિક રીતે નિવૃત્ત જજ દ્વારા તપાસ કરવામાં આવશે.
જો પગલા લેવામાં નહીં આવે તો પંચાયત કરીશું- ટિકૈત
રાકેશ ટિકૈતે કહ્યું, આ ઘટનામાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીનું નામ એફઆઈઆરમાં નોંધવામાં આવ્યું છે. જો આગામી 10-11 દિવસના સમયમાં કાર્યવાહી નહી કરવામાં આવે તો અમે પંચાયત કરીશું. અમે પીડિત ખેડૂતોની પડખે છીએ અને મૃતકોનું પોસ્ટમોર્ટમ પાંચ ડોક્ટરોની દેખરેખ હેઠળ કરવામાં આવશે અને તેનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે.
શું છે સમગ્ર મામલો..??
ખેડૂત નેતાઓનો આરોપ છે કે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાએ ખેડૂતો પર હુમલો કર્યો હતો. જેમાં ચાર ખેડૂતો માર્યા ગયા હતા, તેમજ ઘણા ખેડૂતો ઘાયલ થયા હતા.
લખીમપુર ખેરીમાં ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યની મુલાકાત હતી. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાનો પુત્ર તેમને રિસીવ કરવા જઇ રહ્યા હતા. આ દરમિયાન ખેડૂતોએ ભાજપ નેતાના પુત્ર આશીષ મિશ્રાનો વિરોધ કર્યો અને ત્યારે ઘર્ષણ થયું.પરંતુ આ દરમિયાન ખેડૂતોએ રસ્તો રોકી દીધો અને કાળા ઝંડા બતાવ્યા. અથડામણ દરમિયાન, કારની ટક્કરથી ખેડૂતોના મોત થયા હતા, ત્યારબાદ ખેડૂતોએ ભારે હંગામો મચાવ્યો હતો.
આ ઘટના સમયે મારો પુત્ર હાજર ન હતો- ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા
જોકે, ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાનો દાવો છે કે અકસ્માત સમયે તેમનો પુત્ર હાજર ન હતો. હાલ એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે લખીમપુર ખેરી મોકલવામાં આવ્યા છે. આ સાથે ઘણા સુરક્ષા દળોને પણ સ્થળ પર તૈનાત કરી દેવાયા છે.