- બાળકોને રંગોના પર્વ હોળી-ધુળેટીનું મહત્વ સમજાવો
- હોળી બ્રહ્માંડમાં તેજનો તહેવાર
હોળી પ્રકૃતિ સાથે સમકાલીન છે, જે વસંતઋતુના આરંભનો તહેવાર છે, તેને હુતાસણી અને ધુળેટીને પડવો પણ કહેવાય છે: હોળી આપણો પ્રાચીન તહેવાર છે: મથુરાની ‘લઠ્ઠમાર’ હોળી જોવા દેશ-વિદેશથી લોકો આવે છે
હોળીનો તહેવાર ભારત સાથે સુરીનામ, ગુયાના, ઓસ્ટ્રેલિયા, ટ્રિનિદાદ, યુ.કે., અમેરિકા, કેનેડા, જર્મની, સિંગાપુર, દક્ષિણ આફ્રિકા અને નેપાળમાં પણ ભારે લોકચાહના ધરાવતો હિન્દુ તહેવાર છે
ફાગણ માસની પૂનમ એટલે હિન્દુ ધર્મમાં ઉજવાતો હોળીનો દિવસ, બીજા દિવસે ઉજવાતા તહેવારને ધૂળેટી કહેવાય છે. આપણે રૂટીંગમાં હોળી-ધૂળેટી જ બોલીએ છીએ, આ રંગોનો તહેવાર છે. તેને અમુક પ્રાંતમાં દોલ યાત્રા કે વસંતોત્સવ તરીકે પણ ઓળખાય છે. આપણા ભારત સિવાય આ તહેવાર યુ.કે, નેપાળ, ગુયાના, ટ્રિનિદાદ અને સુરીનામા દેશમાં ભવ્ય રીતે ઉજવાય છે. માનવ જીવનમાં રંગોનું મહત્વ છે. તેથી આ રંગોત્સવ રંગેચંગે ઉજવે છે. આ તહેવારનું ધાર્મિક, સાંસ્કૃતિક અને વસંત તહેવારનું મહત્વ છે. ધુળેટના આગલા દિવસે હોલીકા દહન સાથે અન્યો પર રંગ છાટવો અને નાચગાન મિજબાની સમો તહેવાર છે.
હોળી બ્રહ્માંડમાં તેજ નો તહેવાર છે. આ તહેવાર દરમિયાન બ્રહ્માંડમાં વિવિધ તેજ કિરણો પ્રસરે છે, જે વાતાવરણમાં અલગ અલગ રંગો અને આભાઓ પ્રકાશિત કરે છે. નવા જન્મેલ બાળકને મામા તેડીને સાકરનો હારડો પહેરાવી હોળીની પ્રદક્ષિણા કરે છે. હોળી આપણો પ્રાચીન તહેવાર છે. રંગોનો તહેવાર હોળી ધૂળેટી ઉત્સવમાં હોળીની ઝાળ આગામી વર્ષનો વરતારો પણ બતાવતું હોવાની લોકવાયકા છે. અગ્નિ ખૂણા નો પવન જો હોય તો દુષ્કાળ અને ઈશાન ખૂણાનો પવન સોળ આની વર્ષ અને સારો વરસાદ દર્શાવે છે.
‘હોલી હે ભાઇ હોલી.. બૂરા ન માનો હોલી હૈ’ સાથે આપણી બોલીવુડની ફિલ્મોમાં પણ તેને સ્થાન અપાયું છે. ઘણી ફિલ્મોમાં હોળી ઉપરનાં સુંદર ગીતો પણ દ્રશ્યાંકન થયા છે. ગામના પાદરે કે શહેરોમાં મુખ્ય ચોકમાં હોળી પ્રગટાવવામાં આવે છે. છાણા, લાકડાની હોળી બનાવીને ઢોલ નગારા અને શરણાઇ સૂરે હોળી પ્રગટાવાય છે.
લોકો પ્રદક્ષિણા ફરે તેમજ શ્રીફળ વિગેરે પવિત્ર મનાતી વસ્તુનું પૂજન કરે છે. ભારતનાં વિવિધ પ્રાંતો અને સમુદાયની હોળી ઉજવણીની અલગ અલગ રીતો છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવીને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવીશકિતનું સન્માન કરવું, આપણા શાસ્ત્રોમાં હોલિકા અને પ્રહલાદની કથા પ્રચલિત છે. બીજા દિવસે ધૂળેટી મનાવાય છે. રંગોના તહેવારમાં સવારથી એક બીજા ઉપર રંગોનો છંટકાવ સાથે અબિલ, ગુલાલ તેમજ કેસુડાનો રંગ છાંટીને માનવી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યકત કરે છે. હાલ કોરોનાને કારણે સરકારની ગાઇડ લાઇન મુજબ આ તહેવાર ઉજવાશે, પણ એક વાત નકકી છે કે આંખોને કે ચામડીને નુકશાન થાય તેવા રાસાયણિક રંગોનો ઉપયોગ ટાળવો જોઇએ, આંધ્ર પ્રદેશમાં હોલિકા દહનને ‘કામ-દહન’ કહે છે. હોળી બ્રહ્માંડમાં તેજનો તહેવાર છે. દેશમાં ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ તહેવાર ને ‘હુતાસણી’ અને ધૂળેટીને ‘પડવો’ કહેવાય છે. આ દિવસે ઘોડા દોડ, આંધળો પાટો કે શ્રીફળ ફેંકવાની હરિફાઇ પણ યોજાય છે. છોકરાની ગોઠ ઉઘરાવવા નીકળે તેને ધૈરૈયાઓ કહેવાય છે. વર્ષમાં જન્મેલ બાળકોને હોળીની પ્રદક્ષિણા કરાવાય છે. પતાસા અને ખજુરની લાણ વહેંચે છે. હોળી પાસે બેસીને ગીતો દુહા ગવાય જેને હોળીના ફાગ કહેવાય છે. આ વસંતોત્સવનું પ્રતિક છે જેથી તેમાં શૃંગારીક ભાષા સાથે પ્રકૃતિનું રસિક વર્ણન કરાય છે.
‘રંગ બરસે ભિગે ચુનરવા’
‘હોલી કે દિન દિલ ખીલ જાતે હૈ’ સાથે ‘રંગ દે ચૂનરીયા’ જેવા ગીતો ગવાય છે.
આપણાં હિન્દુ તહેવારોમાં દિવાળી, નવરાત્રી અને હોળીનું અને હોળીનું અનેરૂ મહત્વ છે. આજના સમયમાં પ્રદુષણ ન થાય તેવી વૈદિક હોળીનો પ્રયોગ પણ લોકો કરે છે, જેમાં છાણા સાથે કપૂર અને હવન સામગ્રી સાથે વિવિધ જી બુટ્ટીઓ સાત પ્રકારના ધાન્ય, ગાયનું ઘી, જાયફળ, જાવંત્રી, લવિંગ, એલચી, કેસર વિગેરેનો ઉપયોગ કરીને વાતાવરણને શુઘ્ધ કરાય છે. આ ગાળા દરમ્યાન વાયરસની સંખ્યા વાતાવરણમાં વધુ હોવાથી પણ આ પ્રયોગ પ્રવર્તમાન સમયમાં થર્યાથ છે. જો આપણે ગોબર સ્ટીકનો ઉપયોગ કરીએ તો પણ કરોડો કિલો લાકડુ બચાવી શકીએ છીએ અને સાથે વૃક્ષો બચાવનું કામ પણ કરી શકીએ.
- બાળકોમાં આ તહેવાર માટે અનેક ગણો વધુ ઉત્સાહ હોય છે. પરંતુ ધૂળેટી પર બાળકોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે
આ ટીપ્સથી બાળકોને હોળી દરમ્યાન સુરક્ષિત રાખો
તેલ લગાવો
બાળકોને રંગો સાથે રમવાથી રોકી શકાતા નથી, પરંતુ સિન્થેટિક રંગો તેમની ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. તેથી તેમને હોળી રમવા જવા દેતા પહેલા તેમના શરીર પર સારી રીતે તેલ લગાવો. આના કારણે રંગ તેમની ત્વચા પર ચોંટશે નહીં અને સરળતાથી ઉતરી જશે. નારિયેળ તેલ અથવા બદામ તેલ આમાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે.
આંખોનું રક્ષણ કરો
બાળકોની આંખોને રંગોથી બચાવવા માટે સનગ્લાસનો ઉપયોગ કરો. આ રંગને તેમની આંખોમાં સરળતાથી પ્રવેશતા અટકાવશે અને આંખને ઇજા થવાનું જોખમ પણ ઘટાડશે. આંખોમાં રંગને કારણે બળતરા અને ચેપનું જોખમ રહેલું છે.
સંપૂર્ણ કપડા પહેરાવવા
હોળી રમવા માટે બાળકોને શક્ય તેટલું તેમના શરીરને ઢાંકે તેવા કપડાં પહેરાવો. આ રંગને તેમની સ્કિન પર સીધા પડતા અટકાવશે અને ઇરિટેશનનો ખતરો ઘટાડશે. વાળને બચાવવા માટે ટોપીનો ઉપયોગ કરી શકાય છે. જેનાથી તેમના માથા પર રંગ પડશે નહીં.
હાઇડ્રેટેડ રાખો
હોળી રમવાના ઉત્સાહમાં બાળકો ઘણીવાર ખાવા-પીવાનું ભૂલી જાય છે. તેના કારણે તેમનું એનર્જી લેવલ ઘટી શકે છે અને શરીર ડીહાઇડ્રેટેડ પણ થઇ શકે છે. બાળકો ડિહાઇડ્રેટ ન થાય તેની ખાતરી કરવા માટે તેમને નિયમિતપણે પાણી અથવા નાળિયેર પાણી જેવું થોડું પીણું આપતા રહો.
ઓર્ગેનિક રંગોનો ઉપયોગ કરો
તમારા બાળકોને હાનિકારક રંગોથી બચાવવા માટે ઓર્ગેનિક રંગોનો ઉપયોગ કરો અને તમારા સંબંધીઓ અને મિત્રોને પણ હર્બલ રંગોનો ઉપયોગ કરવા જણાવો. સિન્થેટિક રંગોમાં હેવી મેટલ હોઈ શકે છે, જે સ્વાસ્થ્ય માટે તદ્દન હાનિકારક હોઈ શકે છે. તેથી બાળકોને આ રંગોથી દૂર રાખો.
નખ ટૂંકા રાખો
બાળકોના વધતા નખને કારણે હોળી રમતી વખતે તેઓ પોતાને કે અન્ય કોઈને ઈજા પહોંચાડી શકે છે. તેથી, તેમના નખ કાપ્યા પછી જ તેમને રમવા માટે મોકલો.