Abtak Media Google News

ભારતીય સંસ્કૃતિ, કુટુમ્બ પ્રથા અને બાળ સંસ્કાર સંહિતામાં બાળકોને નાનપણથી જ સામાજીક, આર્થિક વાસ્તવિક પરિસ્થિતિ સાથે વણાઈ જવાની ઘડ આપતા રિવાજોની મોજુદગીના કારણે બાળપણથી જ યુવા સશક્તિકરણના પાયા નખાઈ જાય છે જે ભવિષ્યના મજબૂત ‘આદમી’નું નિર્માણ કરે છે, પણ હવે ‘ઈન્સ્ટન્ટ યુગ’માં બાળ ઘડતરના પાયાના સિદ્ધાંતો વિસરાઈ જતાં બાળ માનસમાં ‘આપઘાત’ જેવુ દુષણ આરોપાય જાય છે  

‘નન્હે મુન્હે બચ્ચે તેરી મુઠ્ઠી મેં ક્યાં હૈ… મુઠ્ઠી મેં હૈ તકદીર હમારી… હમને ‘કિસ્મત’ કો બસ મેં કિયા હૈ…’ બાળ ઘડતરના પાયામાં જીવન સંઘર્ષ માટેની શક્તિનું સિંચન થતું હોય છે. બાળકનું જેવી પરિસ્થિતિમાં અને જેવી રીતે ઘડતર કરવામાં આવે તેટલો જ યુવા વયે શક્તિશાળી અને જીવનના સંઘર્ષ સામે ટકનારો બની રહે છે. અત્યારે ઈન્સ્ટન્ટ યુગમાં બાળકોની કેળવણી પર પુરતું ધ્યાન દેવામાં આવે છે પરંતુ જીવનના ઘડતરમાં ભણતર અને માત્ર પુસ્તકીયા થોથાનું જ્ઞાન કામ આવતું નથી. વાસ્તવિક જીવનમાં તો બાળપણનું ઘડતર અને પરિવાર દ્વારા આપેલા વ્યવસ્થાપનના સંસ્કારો જ કામ આવે છે. જીવનમાં પ્રત્યેક વ્યક્તિ ભલે ડિગ્રી લઈને  માસ્ટર ઓફ બિઝનેશ એડમીનીસ્ટ્રેશનની યુનિવર્સિટીમાંથી એમબીએની ડિગ્રી ન લે પરંત બાળપણથી જ તરૂણ અવસ્થામાં અને યુવા અવસ્થામાં પગ મુકતા સંસ્થાઓને જો આર્થિક વ્યવસ્થાના પાયાના જ્ઞાનથી વાલીઓ સિંચીત કરે તો જીવનમાં આવતી કોઈપણ મુશ્કેલીઓમાં યુવાન થયેલુ બાળક સાંગોપાંગ ઉતરી જાય છે.

અત્યારે શિક્ષીત અને ઉચ્ચ લાયકાત ધરાવતા તરૂણો અને યુવાનો માનસિક તાણનો ભોગ બનીને આવેલી સમસ્યામાંથી તેનું સમાધાન શોધવાના બદલે નબળા વિચારોને હાવી કરીને આપઘાત જેવા આત્મઘાતિ પગલા ભરી લે છે. આપઘાતનું પ્રમાણ ઘટાડવા માટે બાળકોને નાનપણથી જ આર્થિક વ્યવસ્થાપન, આવકના સ્ત્રોતો, કમાવવાના આવડત, વાપરવાની કુનેહ અને બચત જેવા આર્થિક હથિયારોથી માહેર બનાવવાની જરૂર છે.

ભારતમાં જોવા જઈએ તો સરેરાશ તરૂણ અવસ્થામાં તમામ લોકો આર્થિક સ્વાયતતામાં સીમીત અધિકારો ભોગવતા હોય છે. માસીક ખિસ્સા ખર્ચીમાંથી પોતાની જરૂરીયાતો પૂરી કરવાની નોબત ધરાવતા યુવા અને ખાસ કરીને તરૂણોને કેવી રીતે પૈસાનું ખર્ચ કરવું, જરૂરીયાત મુજબ વાપરવા અને બચત કરતા શિખવવું જોઈએ.

અત્યારે બાળપણના આર્થિક સંસ્કારો અને આવડત મોટાપાયે તરૂણ અને યુવા અવસ્થામાં લોકોના કામ આવે છે. માત્ર ડિજીટલ અને નાણાકીય બચતની સાથે સાથે પોતાની મુડીમાંથી કેમ વધુને વધુ બચત કરવી, અગત્યના કામોને પ્રાધાન્યતાની સાથે સાથે વાલીઓએ પોતાના સંતાનોને બચત કરવાની સાથે સાથે પુખ્ત ન થાય તે પહેલા જ કમાવવાની આવડત કેળવતા શિખવવી પડશે. અહીં સફળ જીવનના પાંચ એવા રહસ્યો છે કે, જેનાથી બાળપણમાંથી જ સંતાનોને અવગત કરવામાં આવે તો તે મોટા થઈને માત્ર પગભર જ નહીં પરંતુ કોઈપણ પરિસ્થિતિમાં સાંગોપાંગ ઉતરી જાય.

(1) બાળકોને ઘરનું બજેટ કેવી રીતે ચાલે છે તેનાથી અવગત રાખવા જોઈએ: બાળ ઘડતર જીવનમાં પાયો બની રહે છે. બાળકોને જીવનની આર્થિક વાસ્તવિકતાનો સામનો કરવાનું બાળપણથી જ શિખવવું જોઈએ. બાળકોને દરેક પરિવારે પોતાનું ઘર કેમ ચાલે છે. કમાનારની આવક શું છે ? ક્યાં ક્યાં ખર્ચો થાય છે ? ક્યાં ક્યાં કરકસર કરવામાં આવે છે ? જીવનની જરૂરિયાત પૂરી કરવા માટે કેવી રીતે પૈસાની સગવડ કરવામાં આવે છે ? મકાનનું ભાડુ, લાઈટ બીલ, કરીયાણુ, મનોરંજન અને ઘરની તમામ જરૂરિયાતોથી બાળકોની વાકેફ કરવા જોઈએ. જેનાથી બાળકોમાં સ્વયંભુ આર્થિક વ્યવસ્થા અને આવક-જાવકની કોઠાસુઝ પોતાની આવકમાંથી ખર્ચ અને બચતના માપદંડ રાખવાની કુનેહ બાળપણથી જ મળી જાય છે. બાળકોને સીમીત આવકમાંથી બચત કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન આપવું જોઈએ. જેનાથી માત્ર ઘર ચલાવવાની આવડત નહીં પરંતુ આવા બાળકો યુવાન થઈને કમાણીનું મેનેજમેન્ટ, આવક-જાવકનું સંતુલન અને પોતાની મુડીમાંથી જરૂરિયાતોની સાથે સાથે બચત કેવી રીતે કરવી તેના માહેર બની જાય છે. બાળકોને બચપણમાંથી જ સમજાય છે કે નાની-નાની બચત મોટા પરિણામો આપે છે.

(2) બાળકોને બાળપણથી જ બેન્કિંગ વ્યવહારનો સામાન્ય અનુભવ કરાવો: અત્યારે મોટાભાગનો વ્યવહાર બેંક થ્રુ થાય છે. ડિજીટલ યુગમાં દરેક બાળકને બેંકના વ્યવહાર અને ગેજેટ ચલાવતા આવડવા જોઈએ, બેંકોની કામગીરીમાં અત્યારે ખાસ કરીને એટીએમમાંથી પૈસા ઉપાડવા, જમા કરવા, બેંકનું લોકરનો વહીવટ, ઈન્ટરનેટ બેન્કિંગની સાથે સાથે બાળકોને બેંકના વ્યાજદર, લોન પરનું ભારણ જેવી બેંક સેવાઓ અંગે બાળપણથી જ માહિતગાર કરવામાં આવે તો તે પોતાની રીતે 18 વર્ષની ઉંમરનો થાય તે પહેલા જ બેંક વ્યવહારમાં નિષ્ણાંત બની જાય તે ભવિષ્યમાં તેના માટે આશિર્વાદરૂપ બની જશે.

(3) બાળકોને બાળપણથી જ બચત અને બચતની શક્તિથી વાકેફ કરવા જોઈએ: બચતની સમજણ જો બાળકને બચપણમાંથી જ મળી જાય તો તેના માટે જીવનમાં ક્યારેય આર્થિક સમસ્યાના સામનાની નોબત ન આવે. બાળકને પોતાની આવક અને ખર્ચનું સંતુલન કરીને પોતાની જરૂરીયાતો પૂરી કર્યા બાદ બચત કરતા શિખવવું જોઈએ. પોતાની આવકમાંથી બચત કરાવવા માટે બાળકને નાનાપાયે ગલ્લામાં પૈસા મુકતા શીખવવામાં આવે છે. ત્યારબાદ બેંકની નાની બચત અને ફિક્સ ડિપોઝીટમાં પૈસાનું કેવી રીતે મુલ્યવર્ધન થાય, એક એક રૂપિયો કરી ભેગા કરેલા 100 રૂપિયા, 100-100 કરીને હજાર અને લાખની બચત ઉભી થાય તો જીવનમાં વિકાસની કેવી તકો ઉભી થાય તે માટે બાળકને બચપણથી જ સમજ આપવી જોઈએ.

(4) નાણા કમાવવા પ્રોત્સાહન આપવું જોઈએ: બાળપણથી જ બાળકને નાણા કમાવવાની આવડત પર ધ્યાન દેતા શિખવવું જોઈએ. સંયુક્ત કુટુમ્બમાં રહેનાર સ્ફૂર્તિલા બાળકને પોતાના ભાઈ-ભાડરણાઓના ભણતર માટે પૈસા આપી કમાતા શીખવવું જોઈએ. નાના નાના કામના બદલામાં કેવી રીતે પૈસા કમાવવા તેનું ઘડતર બાળપણથી જ કરવામાં આવે તો તેને નાણાની કદર થશે, કમાવવાની આવડત થશે અને જીવનમાં એકવાર કમાવવાની આવડત અને વાપરવાની કરકસર આવી જાય તો જીવનમાં ક્યારેય આર્થિક સંકણામણ ભોગવવી પડતી નથી. તરૂણોને પોતાના શોખ પુરા કરવા કોમ્પ્યુટર, મોટર બાઈક જેવી સવલતો વસાવવા માટે નાના ભાડરણાઓના ટ્યુશન અને તેડાગરની જવાબદારી આપીને પૈસા કમાતા શીખવવું જોઈએ. જીવનમાં પૈસા વાપરવા કરતા કમાવવાની આવડતની અગત્યતા બાળપણથી જ સમજાય જાય તો ત્યારે આર્થિક મુશ્કેલીઓ થતી નથી.

(5) કરજ ઉતારવાની આવડત શિખવો: નાના બાળક કે તરૂણને પોતાની રીતે પોતાની શોખની વસ્તુઓ લોનથી ખરીદતા શીખવાડો, તમે જ લોન આપો અને તમે આ લોનની ભરપાઈ તેને મળતા ખિસ્સા ખર્ચમાંથી કેવી રીતે ભરી શકાય, લોનનું વ્યાજ કેવું હોય, ઝડપથી લોન ભરવાથી શું ફાયદો થાય, સમયસર કરજ ભરવાની આદત અને નાદાર ન થવાય તે માટે નિયમીત વ્યવહાર સાચવવાની ધગશ બાળપણથી જ આપવી જોઈએ.જેનાથી બાળકોમાં બિનજરૂરી ખર્ચો અને મોજશોખ માટે કરજ કરવાની કુટેવ નહીં આવેે. યુવાનો બેજવાબદારીપૂર્વક પોતાના ક્રેડીટ, ડેબીટ કાર્ડ ખર્ચીને પાયમાલ થઈ જાય છે તે માટે બાળપણથી જ બાળકોને નાણાકીય વ્યવસ્થાપન શિખવવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.