શહેરના મોટાભાગના ધંધાર્થીઓ પોતાને થતી નુકશાની અટકાવવા અથવા વધુ નફો કમાવવાની લાલચમાં લોકોના આરોગ્ય સાથે ગુનાહીત છેડછાડ કરવામાં પણ મુંઝવણ અનુભવતા ન હોય તેવું લાગી રહ્યું છે. શહેરના એસ્ટ્રોન ચોકમાં સરદાર નગર વેસ્ટ શેરી નં.4માં આવેલી મોહીની સિઝન સ્ટોર્સમાં એક્સપાયર થયેલી શરબત અને સીરપની બોટલના લેવલ કાઢી નવા લેવલ ચોંટાડી એક્સપાયર થયેલી બોટલનું વેંચાણ કરવામાં આવતી હોવાનું પર્દાફાશ આજે કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલા ચેકીંગ દરમિયાન માલૂમ પડ્યું હતું. 343 લીટર શરબત સીરપનો નાશ કરવામાં આવ્યો હતો.
પેઢીના માલિકે સરબત બોટલના લેબલ સાથે છેડછાડ કરી એક્સપાયર બોટલ વેંચવામાં આવતી હોવાની કરી કબૂલાત: 343 લીટર સરબત-સિરપનો નાશ
આજે કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો.જયેશ વાંકાણી ફૂડ સેફ્ટી ઓફિસર કે.એમ.રાઠોડ, કે.જે. સરવૈયા દ્વારા શહેરના એસ્ટ્રોન ચોક પાસે સરદારનગર વેસ્ટ શેરી નં.4માં શિવમમાં આવેલી નરેશભાઇ લીલારામ ભંભલાણીની મોહિની સિઝન સ્ટોર્સ નામની પેઢીમાં ત્રાટક્યા હતા. અહિં વિવિધ પ્રકારની ચીકી, શરબત અને સીરપનું ઉત્પાદન કરી વેંચાણ કરવામાં આવે છે. તપાસ દરમિયાન શરબત અને વિવિધ ફ્લેવર્સની બોટલો ચેક કરવામાં આવતા 458 બોટલોમાં એક્સપાયરી ડેઇટ વિતી ગઇ હતી. લેવલ દૂર કરી છેડછાડ કરી નવું લેવલ લગાવીને વેંચાણ કરવામાં આવતું હોવાની કબૂલાત પેઢીના માલિક દ્વારા કરવામાં આવી હતી. 343 લીટર સીરપ અને શરબતનો નાશ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત સ્થળ પરથી ઓરેન્જ ફ્લેવરની ચીકી તથા કાળા તલની ચીકીના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકવામાં આવ્યા હતા.
હાશ, મનમોજી અને સંગમમાંથી ચીક્કીના નમૂના લેવાયા
કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખી ચીકીના નમૂના લેવામાં આવ્યા હતા. એસ્ટ્રોન ચોકમાં આવેલી મોહિની સિઝન સ્ટોર્સમાંથી મોહિની બ્રાન્ડ ચીકી જ્યારે ભગવતીનગર સ્ટેશન ચોકમાં કનેરીયા એન્જીનીંયરીંગ વર્ક્સમાં હાશ મગફળી ચીકી અને તલની ચીકી, તિરૂપતિ-5 કોર્નર પર આશિર્વાદ કોમ્પ્લેક્સમાં શ્યામ સિલેક્શન પાસે રૈયા રોડ પર આવેલી સ્વસ્તિક લાઇવ ચીકીમાંથી મનમોજી ચીકી, સદર બજાર મેઇન રોડ પર પંજવાણી મેડિકલ સ્ટોરની સામે આવેલી સંગમ વેરાયટી સ્ટોર્સમાંથી દાળીયાની ચીકી અને કાળા તલની ચીકીના નમૂના લઇને પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.