આઇસ્ક્રીમ, કોન, કેન્ડી, પનીર, ફ્રોઝન, વટાણા, મકાઇ, ફ્રાઇમ્સ સહિત 37 કિલો એક્સપાયર ખાદ્ય-સામગ્રીનો કરાયો નાશ: મિક્સ દૂધ, લૂઝ મેથી અને આઇસગોલાના સિરપનો નમૂનો લેવાયો
વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે શહેરના રૈયા રોડ પર આરોગ્ય શાખા દ્વારા ખાણીપીણીની 28 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. 9 વેપારીઓને ફૂડ લાઇસન્સ અને હાઇજીનીંક કન્ડિશન સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી. જ્યારે 37 કિલો એક્સપાયર થયેલી ખાદ્ય સામગ્રીનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.
રૈયા રોડ પર ચેકીંગ દરમિયાન તુલસી સુપર માર્કેટમાંથી એક્સપાયર થયેલ પેક્ડ ખાદ્ય ચીજોમાં આઇસ્ક્રીમ, કોન, કેન્ડી અને પનીરનો આઠ કિલો જથ્થો ફ્રોઝન વટાણા અને મકાઇનો 19 કિલોનો જથ્થો ફ્રાઇમ્સનો 10 કિલોનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. સ્ટોરેજ બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત બાલાજી ફરસાણ એન્ડ સ્વીટ્સ માર્ટ, ગુજરાત બેકરી, આરવી એજન્સી, ગ્રીન પાન, મધુરમ પાન, હરસિધ્ધી મોગલ પાન અને પટેલ પાન એન્ડ કોલ્ડ્રિંક્સને નોટિસ આપવામાં આવી હતી.
ફૂડ શાખા દ્વારા શહેરના મોરબી રોડ પર પુષ્કરધામ એવન્યૂની બાજુમાં આવેલ અક્ષર હેબીટેડ સ્થિત શ્રી ગેલ ર્માં ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ, 150 રીંગ રોડ પર જાસલ કોમ્પ્લેક્સની બાજુમાં આવેલી શ્રી ખોડિયાર મસાલા માર્કેટમાં જય ગુરૂદેવ મસાલા ભંડારમાંથી લૂઝ મેથી અને પેડક રોડ મેઇન રોડ રણછોડનગર-25ના કોર્નરમાં કેશવ આર્કેડ સ્થિત પટેલ ગોલામાંથી આઇસગોલાનું ગુલાબ ફ્લેવર સરબતનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે.
રૈયા રોડ પર 6 સ્થળે માર્જીન-પાર્કિંગમાં ખડકાયેલા દબાણો હટાવાયા
ટીપી શાખાએ 71 ચો.મીટર જગ્યા ખૂલ્લી કરાવી
વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં હનુમાન મઢી ચોકથી રૈયા સ્મશાન સુધીના રૈયા રોડ વિસ્તારમાં ઓપરેશન ઓટલા તોડ હાથ ધર્યું હતું. જેમાં અલગ-અલગ 6 સ્થળોએ માર્જીનની જગ્યામાં ખડકાયેલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને 71 મીટર જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.
રૈયા રોડ પર હાથ ધરવામાં આવેલા ડિમોલીશન અંતર્ગત શિવમ કોમ્પ્લેક્સમાં નિકુંજભાઇ ગઢીયાની માલિકીની રાધે ડેરીમાં છાપરૂં, રિધ્ધી-સિધ્ધી કોમ્પ્લેક્સમાં હાર્દિક પ્રજાપતીના મોમાઇ ઓટો ગેરેજનું છાપરૂં, ભીમભાઇ રબારીના જય ખોડિયાર ફૂડ ઝોનમાં છાપરું, સંજયભાઇ ગુપ્તાના જોકર ગાંઠીયામાં છાપરું અને રમેશભાઇ બાંભવાની ખોડિયાર હોટેલનું છાપરું દૂર કરવામાં આવ્યું હતું. જ્યારે શ્રીજી પાર્ક શેરી નં.5 પાસે સહજાનંદ પ્લાયવુડની બાજુમાં રોડ પર માર્જીનમાં ખડકાયેલું બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે.