રાજકોટમાં હવા સિવાય એકપણ ચિજવસ્તુ શુધ્ધ નથી મળતી. ખાદ્ય સામગ્રીમાં નફાલાલચું વેપારીઓ વધુ નફો કમાવવાની લાલચમાં જન આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. લોકોને કેન્સર અને આંતરડાની બિમારીની ગર્તામાં ધકેલે તેવી ચીજવસ્તુનું ભેળસેળ કરવામાં આવી રહી છે. ફરિયાદ અને ચોક્કસ બાતમીના આધારે ગઇકાલે શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં લાખના બંગલા વાળા રોડ પર રવિરાજ આઇસ્ક્રીમના કોલ્ડ સ્ટોરેજમાં જનતા મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટસનો એક્સપાયર થયેલો સાત ટન મલાઇનો જથ્થો પકડાયો હતો. જેનો નાશ કરી મલાઇનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે.
7 થી 10 માસ પહેલા એક્સપાયર થઇ ગયેલી મલાઇનો ઘી બનાવવા સંગ્રહ કરી રખાયો હતો: કોર્પોરેશન દ્વારા મલાઇનો કરાયો નાશ
આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણીએ જણાવ્યું હતું કે શહેરના ગાંધીગ્રામમાં લાખના બંગલાવાળા રોડ પર આવેલા રવિરાજ આઇસ્ક્રીમના કોલ્ડ સ્ટોરેજમાં દરોડા પાડવામાં આવ્યો હતો. અહીં સ્થળ પરથી રાજકોટ જિલ્લાના રફાળા ગામમાં સરદાર સ્ટેટ રોડ પર આવેલી ધર્મેન્દ્રસિંહ જેસંગજી ચાવડાની માલીકીની જનતા મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ્સનો એક્સપાયર થયેલી 7 ટન મલાઇનો જથ્થો મળી આવ્યો હતો. મલાઇના આઠ કિલોના પેકિંગ બેગમાં સંગ્રહ કરાયો હતો.
જેના પર મેન્યુફેક્ચરીંગ ડેઇટ જાન્યુઆરી-2023થી માર્ચ-2023ની હતી. એક્સપાયરી ડેઇટ 3 થી 6 માસ સુધીની દર્શાવવામાં આવી હતી. સ્થળ પરથી અંદાજે 7000 કિલો એટલે કે સાત ટન મલાઇનો જથ્થો પકડાયો હતો. રૈયા ચોકડી પાસે રૈયા રોડ પર રિટેઇલર પેઢી જનતા ડેરીના લેબલ લગાવ્યા હોવાનું પેઢીના નોમીની ધર્મેન્દ્ર ચાવડાએ સ્વીકાર્યું હતું. મલાઇનો નાશ કરી નમૂના લેવામાં આવ્યા છે.