એપોઈન્ટ કરાયેલા ૫૦ ટકા જનરલ ફિઝીશ્યનો નોકરી પર હાજર થતા નથી: રાજયના ૪ ટકા જાહેર આરોગ્ય કેન્દ્રો તબીબો વિહોણા
સ્પેશ્યાલીસ્ટ ડોકટરોને સરકારી દવાખાનાઓમાં સેવા આપવામાં રસ ન હોવાની કબુલાત રાજય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં કરી છે. આંકડા મુજબ વર્ષ ૨૦૧૦ બાદ જે જનરલ ફિઝીશ્યનને એપોઈમેન્ટ લેટર ફાળવાયા હતા તે પૈકીના ૫૦ ટકા પણ સરકારી નોકરીમાં હાજર રહ્યાં નથી. સ્પેશ્યાલીસ્ટ ડોકટરોને સેવા તરફની બેદરકારીના આંકડા ચોંકાવનારા છે.
વિગતો મુજબ રાજયની સરકારી હોસ્પિટલોમાં સ્પેશ્યલાઈઝ તબીબોની ૬૩ ટકા જગ્યાઓ ખાલી પડી છે. જનરલ ફિઝીશ્યનની ૨૭ ટકા જગ્યાઓ ખાલી છે. રાજયના ૪ ટકા જાહેર આરોગ્ય કેન્દ્રમાં તો તબીબો જ નથી. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે લાખો દર્દીઓ નિદાન સારવાર માટે આવતા હોય છે પરંતુ હોસ્પિટલમાં ન્યુરો ટ્રોમા ક્રિટીકલ કેરમાં નિષ્ણાંત તબીબો વર્ષોથી નથી. જામનગરની સરકારી હોસ્પિટલની હાલત પણ બદતર છે.
સ્પેશ્યાલીસ્ટ તબીબોના અભાવના કારણે ગંભીર સારવારમાં ખામી રહી જતા અનેક દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ જાય છે અથવા ખાનગી હોસ્પિટલોની પનાહ લેવી પડતી હોય છે. ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલોની સારવાર પોસાતી નથી. સરકારના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં સ્પેશ્યાલીસ્ટ અને એકસપર્ટ તબીબો ફૂલટાઈમ નથી. ગ્રામ્ય કે નાના નગરોમાં સ્પેશ્યાલીસ્ટ ડોકટરો સરકારી દવાખાનામાં સેવા આપવા ઈચ્છતા નથી.
વર્ષ ૨૦૧૦માં સરકારી દવાખાનામાં ૩૭૩૦ જનરલ ફિઝીશ્યનોને નોકરી આપવામાં આવી હતી. પરંતુ માત્ર ૧૬૬૮ જનરલ ફિઝીશ્યન જ નોકરી પર હાજર રહ્યાં હતા. દર વર્ષે સરકારી મેડિકલ કોલેજમાંથી ૬૮૦ તબીબો પાસ થાય છે. તેમની પાસે ગ્રામ્ય વિસ્તારોમાં સેવા આપવા બોન્ડ સાઈન કરાવવામાં આવે છે. નિષ્ણાંત તબીબો સરકારી દવાખાનામાં સેવા આપવા તૈયાર થાય તે માટે સરકાર ઉંધેકાંધ પ્રયાસો કરી રહી છે. દર મંગળવારે સરકાર તબીબોની ભરતી માટે ઈન્ટરવ્યુ ગોઠવે છે. જો તબીબ સેવા માટે તૈયાર થઈ જાય તો તે જ દિવસે એપોઈમેન્ટ લેટર ફાળવી દેવામાં આવે છે.
ગયા અઠવાડિયે મનસ્વી થાપર નામના અરજદારે આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. તેણે પીટીશનમાં કહ્યું હતું કે, સ્પેશ્યલાઈઝ ડોકટરોની ૯૯૨ માંથી ૫૯૪ પોસ્ટ ખાલી છે. સમગ્ર રાજયમાં જનરલ ફિઝીશ્યનોની ૪૩૭૧ માંથી ૧૨૦૩ પોસ્ટ ખાલી છે. રાજયના ૪ ટકા જાહેર આરોગ્ય કેન્દ્રોમાં તો એમબીબીએસ, બીએચએમએસ, બીએએમએસ કે અન્ય કોઈ તબીબી લાયકાત ધરાવતા ડોકટરો જ નથી.
સરકારે હાઈકોર્ટમાં ખુલાસો કર્યો હતો કે, વર્ષ ૨૦૧૫થી રાજયમાં એચ-૧, એન-૧ વાયરસના પરિક્ષણ માટે ત્રણ લેબોરેટરી કાર્યરત છે. રાજયમાં કુલ છ લેબોરેટરીમાં તપાસ થાય છે. આ તમામ લેબોરેટરી દરરોજ ૮૦૦ નમૂનાઓનું પરિક્ષણ કરવાની ક્ષમતા ધરાવે છે.