હજી એકાદ મહિનો મિશ્ર ઋતુનો અનુભવ થશે પછી ઠંડીનું જોર વધશે
દિવાળીનો તહેવાર નજીક આવતાની સાથે જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. શિયાળાની ધીમી ગતિએ એન્ટ્રી થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. વહેલી સવારે અને મોડી રાતે ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. જ્યારે બપોરના સમયે ઉનાળા જેવા આકરા તડકા પડી રહ્યા છે. હજી એકાદ મહિનો મિશ્ર સિઝનનો અનુભવ થશે. ત્યારબાદ શિયાળો જમાવટ કરશે.
આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જવાના કારણે આછેરી ઝાકળવર્ષા થતી હોય તેવું પણ લાગી રહ્યું હતું. છેલ્લા એકાદ સપ્તાહથી વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. સવારના સમયે ગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. જ્યારે મોડી રાત્રે પણ ચાદર કે ગોદડા ઓઢીને સુવું પડે તેવી ઠંડી પડી રહી છે. બપોરના સમયે એસી, પંખા કે વોટર કૂલર ચાલુ રાખવા પડે તેવા તડકા પડી રહ્યા છે. ચોમાસાએ વિધીવત રિતે વિદાય લઇ લીધી છે. પરંતુ હજી બંગાળની ખાડીમાં સિસ્ટમો સક્રિય થઇ રહી હોવાના કારણે રાજ્યમાં છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. 15મી નવેમ્બર સુધી હજી મિશ્ર સિઝનનો અનુભવ થશે. ત્યારબાદ શિયાળાની જમાવટ થશે.