- વોર્ડ વાઇઝ શરૂ કરાયેલા આધાર કેન્દ્રો પર 18 વર્ષથી ઉપરના નાગરિકોના નવા કાર્ડ નહિં નીકળે અરજદારો સાથેની માથાકૂટ ટાળવા જન્મ–મરણ વિભાગમાં ભાવ વધારાના બોર્ડ લગાવાયા
કોર્પોરેશન દ્વારા આજથી શહેરના તમામ 18 વોર્ડમાં આધાર કેન્દ્રો શરૂ કરી દેવામાં આવ્યા છે. દરમિયાન આજથી જન્મ–મરણના દાખલાની ફી પણ વધી ગઇ છે. આધાર કાર્ડની કામગીરી વોર્ડ વાઇઝ શરૂ કરવામાં આવતા લોકોને મોટી રાહત મળી છે. જો કે, 18 વર્ષથી ઉપરના નાગરિકોને નવા આધાર કાર્ડ કઢાવવા હશે તો કોર્પોરેશન કચેરી સુધી ધક્કો ખાવો પડશે. જન્મ–મરણના દાખલામાં એકસાથે 10 ગણો ભાવ વધારો ઝીંકી દેવામાં આવતા અરજદારો સાથેની માથાકૂટ ટાળવા સિવિક સેન્ટરમાં ભાવ વધારાના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકરે બજેટમાં એવી ઘોષણા કરી હતી કે નવા નાણાકીય વર્ષથી આધાર કાર્ડની કામગીરી વોર્ડ વાઇઝ શરૂ કરવામાં આવશે. પ્રથમ દિવસથી આ લોકઉપયોગી સેવા શરૂ કરી દેવામાં આવી છે. આજથી તમામ 18 વોર્ડમાં આધાર કાર્ડને લગતી કામગીરી શરૂ થઇ ગઇ છે. જો લોકોનો ધસારો રહેશે તો વોર્ડમાં પણ ટોકન પ્રથા શરૂ કરવામાં આવશે. 18 વોર્ડની વોર્ડ ઓફિસ ઉપરાંત ત્રણેય ઝોનમાં સિવિક સેન્ટર ખાતે આધાર કાર્ડને લગતી કામગીરી ચાલુ રહેશે. વોર્ડ ઓફિસ ખાતે સવારે 10:30 કલાકથી બપોર 4 વાગ્યે સુધી આધારને લગતી કામગીરી કરવામાં આવશે. બપોરે 2:30 કલાક સુધીનો સમય રિષેશનો રહેશે. વોર્ડ ઓફિસે શરૂ કરવામાં આવેલા કેન્દ્રો પર 17 વર્ષ સુધીના લોકોનું નવું આધાર કાર્ડ માટે, નામ સુધારા, સરનામામાં સુધારા, જન્મ તારીખમાં સુધારા, જાતિમાં સુધારા, બાયોમેટ્રીક્સ અપડેટ, મોબાઇલ નંબર અપડેટ, ઇ–મેઇલ આઇ.ડી. અપડેટ અને ડોક્યુમેન્ટ અપડેટ સહિતની કામગીરી કરવામાં આવશે. જ્યારે 4 થી 5 કલાક સુધીના સમયમાં આધાર બાબતે નિયત્ત થયેલા ડોક્યુમેન્ટ અન્વયે અરજદારો પાસેથી માહિતી મેળવી અથવા આપવી, આધાર સ્ટેટ્સ ચેકીંગ અને અન્ય કામગીરી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે 18 વર્ષથી વધુ વયના નાગરિકોએ જો આધાર કાર્ડ નવું કઢાવવું હશે તો જે–તે ઝોન કચેરીએ સંપર્ક કરવાનો રહેશે. જો કોઇ વ્યક્તિ હોમ એનરોલમેન્ટ સગવડતા ઇચ્છુતું હશે તો તેઓએ ઝોન કચેરીએ સંપર્ક કરવાનો રહેશે.
શહેરીજનોને પોતાના ઘરની નજીક આવેલી વોર્ડ ઓફિસ ખાતે હવે આધાર કાર્ડની કામગીરીનો લાભ મળશે. જેનો ફાયદો ઉઠાવવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકર દ્વારા અપિલ કરવામાં આવી છે. આજે નવા નાણાકીય વર્ષના આરંભે જ કોર્પોરેશનમાં જન્મ–મરણના દાખલાની કોપી મેળવવાના ભાવમાં 10 ગણો વધારો લાગૂ કરી દેવામાં આવ્યો છે.