એક સિલિન્ડરના કનેક્શન માટે હવે 1450ના બદલે રૂ.22,00 ચૂકવવા પડશે

એલપીજી ગેસ બાદ હવે કનેક્શન લેવું પણ મોંઘુ પડશે, ગેસ કંપનીઓ દ્વારા ગેસ સિલિન્ડરના કનેક્શનમાં સિલિન્ડર દીઠ લેવામાં આવતી ડિપોઝીટમાં 750 રૂપિયાનો તોતીંગ વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી સિક્યોરિટી ડિપોઝીટ પેટે કનેક્શન દીઠ રૂ.1450 ચૂકવવા પડતા હતા. હવે આ રકમ વધારી રૂ.22,00 કરવામાં આવી છે. નવો ફેરફાર આવતીકાલથી લાગૂ થઇ જશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલીયમ અને હિન્દુસ્તાન પેટ્રોલીયમ દ્વારા અત્યાર સુધી 14.2 કિલોના વજનના ગેસ સિલિન્ડરના કનેક્શન દીઠ રૂ.1450 સિક્યોરીટી ડિપોઝીટ પેટે લેવામાં આવતા હતા. હવે આ રકમમાં રૂ.750નો વધારો કરવામાં આવ્યો છે અને આવતીકાલથી ગેસ કનેક્શન માટે સિલિન્ડર દીઠ ડિપોઝીટ પેટે રૂ.22,00 વસૂલ કરવામાં આવશે. જો બે સિલિન્ડર લેવાના હોય તો સિક્યોરીટી ડિપોઝીટ રૂ.2900ને બદલે રૂ.4400 ભરવા પડશે. આ ઉપરાંત રેગ્યુલેટર દીઠ રૂ.150ને બદલે 250 ખર્ચવા પડશે. પાંચ કિલોના સિલિન્ડર માટે 800ને બદલે 1050 ડિપોઝીટ કરવામાં આવી છે.  કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી એવી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને પણ નવા દરથી આંચકો લાગશે. આજે સિલિન્ડરના કનેક્શનના સિક્યોરીટી ડિપોઝીટીમાં રૂ.750નો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન આવતીકાલથી આ ભાવ વધારો લાગૂ થઇ જશે. કાલથી ગેસ કનેક્શન બૂક કરાવનાર ગેસ ઉપભોક્તાઓએ સિલિન્ડરની સિક્યોરીટી પેટે રૂ.2200 ચૂકવવાના રહેશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.