- બર્થ એન્ડ ડેથ સર્ટિફીકેટની એક કોપીના હવે રૂ.5ના બદલે રૂ.50 ચુકવવા પડશે
ચોતરફ મોંઘવારીથી ઘેરાયેલા વ્યક્તિ માટે હવે જન્મ અને મરણના દાખલાની કોપી કઢાવી પણ મંગળવારથી મોંઘી થઇ જશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના પરિપત્ર મુજબ કોર્પોરેશને જન્મ અને મરણના દાખલામાં મંગળવારથી 10 ગણો ભાવ વધારો કરવાનો નિર્ણય લીધો છે. જો કે, બજેટમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ પ્રથમ પાંચ કોપી નિ:શુલ્ક આપવામાં આવશે. જેનાથી અરજદારોને સામાન્ય રાહત મળશે.
રાજ્યભરમાં સાડા ત્રણથી ચાર દાયકાના સમયગાળાથી જન્મ-મરણના સર્ટિફીકેટનો રૂ.5 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે. જેમાં કોઇ જ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. હવે સરકાર દ્વારા જન્મ અને મરણના દાખલાની કોપીના ભાવમાં 10 ગણો વધારો કરવામાં આવ્યો છે. હાલ બર્થ એન્ડ ડેથ સર્ટિફીકેટની એક કોપી માટે અરજદારો પાસેથી રૂ.5 વસૂલવામાં આવે છે. હવેથી રૂ.50 વસૂલ કરવામાં આવશે.
ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યના ગુજરાત રજીસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ (એમેન્ડમેન્ટ) રૂલ્સ – 2025 અમલમાં લાવવા ગુજરાત સરકારના રાજ્યપત્રમાં પ્રસિધ્ધ કરેલ છે. અગાઉ કોઇ મોડી નોંધણી (21 દિવસ થી વધુ)અર્થેની ફી રૂ.2 હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ.20 કરવામાં આવી છે. અગાઉ કોઇ મોડી નોંધણી(1 માસ થી 1 વર્ષ) અર્થેની ફી રૂ.5 હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ.50 કરવામાં આવી છે. અગાઉ કોઇ મોડી નોંધણી (1 વર્ષ થી વધુ) અર્થેની ફી રૂ.10 હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ.100 કરવામાં આવી છે.
સુધારા અનુસાર નિયમ 13 મુજબ અગાઉ કોઇ રેકર્ડની શોધાઇ અર્થેની ફી રૂ.2 હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ.20 કરવામાં આવી છે. અગાઉ કોઇ રેકર્ડની વધારાના વર્ષની શોધાઇ અર્થેની ફી રૂ.2 હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ.20 કરવામાં આવી છે. કોઇ જન્મ કે મરણના પ્રમાણપત્ર મેળવવા અર્થેની ફી રૂ.5 હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ.50 કરવામાં આવી છે. અગાઉ કોઇ રેકર્ડની અપ્રાપ્ય પ્રમાણપત્ર અર્થેની ફી રૂ.2 હતી તે હવેના સુધારા નિયમ અનુસાર રૂ.20 કરવામાં આવી છે.
સુધારા અનુસાર નિયમ 16 મુજબ આ નિયમના પેટા નિયમ અનુસાર કોઇ ગુનાના દંડની રકમ રૂ. 25.00 હતી તે વધારીને રૂ.250 કરેલ છે. આ નિયમના પેટા નિયમ (4) અનુસાર કોઇ ગુનાના દંડની રકમ રૂ.10 હતી તે વધારીને રૂ.100 કરી છે.
ઉપરોક્ત વિગતના રાજ્ય સરકારના સુધારેલ નિયમો અનુસાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ આ ફી વધારો અમલ કરવો જરૂરી હોઈ આગામી 1-એપ્રિલથી રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આ ફી વધારો અમલમાં મૂકવામાં આવેલ છે.
રજાના દિવસોમાં વેરા વસુલાતની કામગીરી ચાલુ રાખશે
- 410 કરોડનો ટારગેટ હવે માત્ર 4 કરોડ જ દુર
રાજકોટ મહાનગર પાલિકાની વેરા વસૂલાત શાખામાં આવતીકાલે રવિવારે અને તા.31, માર્ચને સોમવારે જાહેર રજાના દિવસે પણ કામગીરી ચાલુ રહેશે. રૂ. 410 કરોડના લક્ષ્યાંક સામે ટેકસની વસુલાત રૂ. 406 કરોડે આંબી છે.
અરજદારોને વેરા-શાખાને લગત કામકાજમાં તથા વેરા ભરપાઇ કરવા સરળતા રહે તે હેતુથી, તા:30 અને તા: 31 ના રોજ રજાઓના દિવસમાં રીકવરી, એસેસમેન્ટ તથા વસુલાત સબંધિત કામગીરી માટે વેરા-વસુલાત શાખા ઝોન ઓફીસો, તમામ વોર્ડ ઓફીસો અને સિવિકસેન્ટરો ચાલુ રાખવામાં આવેલ છે.
જાહેર રજાના દિવસે એટલે કે, તા.30 રવિવારના રોજ તમામ સિવિક સેન્ટર, તમામ વોર્ડ ઓફિસ અને તમામ ઝોન ઓફિસ ખાતે સવારે 10 થી 2 વાગ્યા સુધી વેરા વસુલાતની કામગીરી ચાલુ રહેશે તેમજ તા.31 સોમવારના રોજ તમામ સિવિક સેન્ટર અને તમામ વોર્ડ ઓફિસ ખાતે સવારે 10 થી 6 વાગ્યા સુધી અને તમામ ઝોન ઓફિસ ખાતે સવારે 10 થી 7 વાગ્યા સુધી વેરા વસુલાતની કામગીરી ચાલુ રહેશે.