આચાર સંહિતા ભંગના બનાવો જિલ્લાના ઉચ્ચ અધિકારીઓના ધ્યાન પર તુરંત મુકે:ખર્ચ ઓબઝર્વર એસ.નામ્બીરાજન
મોરબી જિલ્લાની ત્રણ બેઠકો ૬૫ મોરબી, ૬૬ ટંકારા અને ૬૭ વાંકાનેરની વિધાનસભા બેઠકના નિયુકત થયેલ ચૂંટણી ખર્ચ ઓબઝર્વર શ્રી એસ.નામ્બીરાજનની ઉપસ્થિતિમાં જિલ્લાની ચૂંટણી સંદર્ભેની કામગીરી માટે રચવામાં આવેલી જુદી જુદી સ્કોડ અને કમીટીઓની જિલ્લા કલેકટર કચેરી સભાખંડ ખાતે બુધવારે સવારે બેઠક યોજાઇ હતી.
વિધાનસભા ચૂંટણી સંદર્ભે આ બેઠકમાં ઓબઝર્વરશ્રી એસ.નામ્બીરાજને મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો માટેની નિયુંકત કરાયેલી ટીમોની થયેલ કામગીરીની સમિક્ષા કરી જણાવ્યું હતું કે ચૂંટણી કામગીરી કરતી સ્કોર્ડને કોઇ બનાવની જાણ થાય તો તેવા બનાવની જાણકારી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને તુરત ધ્યાન પર મુકવી જેથી આવી બાબત ઉપર તુરંત સારી અમલવારી કરી શકાય તેમ તેમણે જણાવ્યું હતું
વધુમાં આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી આઇ.કે પટેલે દરેક ફલાઇંગ સ્કોડ તેમજ ટીમોએ સબંધિત અધિકારીઓ સાથે સંકલનમાં રહી કામગીરી કરવા તેમજ કામગીરીના રિપોર્ટ સમયસર રજુ કરવા જણાવ્યુ હતું
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અને નોડલ ઓફીસર ખર્ચશ્રી એસ.એમ. ખટાણાએ ચૂંટણી કામગીરીમાં રોકાયેલ વિવિધ સ્કોડ અને ટીમોએ કરવાની થતી કામગીરીની રૂપરેખા આપી હતી. બેઠક બાદ ઓબઝર્વરશ્રીએ એમ.સી.એમ.સી. કામગીરી અંતર્ગત ચાલતા મીડીયા સેન્ટરની મુલાકાત લીધી હતી. અને કેબલ નેટવર્ક મોનીટંરીંગની કામગીરીનું જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી પાસેથી જાણકારી મેળવી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને કોડ ઓફ કંન્ડકટના નોડલ ઓફીસરશ્રી નિખીલ બર્વે, નાયબ ચૂંટણી અધિકારીશ્રી એન.એફ. ચૌધરી નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામદેવસિંહ ગોહિલ તેમજ વીડીઓ સર્વેલન્સ, વીડીઓ વ્યુઇંગ, એકાઉન્ટીંગ, ખઈખઈ ફલાઇંગ સ્કોવોડ ટીમોના વડા તેમજ સભ્યો આ મીંટીંગમાં ઉપસ્થિત રહેલ હતા.