વેન્ટીલેટર, આઈસોલેશન, આઈસીયુના રોજના રૂ.19 હજાર લેવાશે

જામનગર શહેર-જીલ્લામાં ઘણાં દિવસથી કોરોનાના લગાતાર નોંધાતા કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ઉપરાંત આજુબાજુના દ્વારકા, પોરબંદર, મોરબી અને રાજકોટ જીલ્લાના દર્દીઓનો ધસારો પણ જામનગરની કોવીડ હોસ્પિટલમાં થવા લાગતાં હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા 800 સુધી પહોંચવા પામી છે. એ-બી-સી એમ ત્રણ ભાગમાં વહેંચાયેલી કોવીડ હોસ્પિટલમાં 1232 બેડની સુવિધા છે. ઉપરાંત તંત્ર દ્વારા વધારાના બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્ર દ્વારા આર્યુર્વેદ કોલેજ હસ્કની યુ.જી.હોસ્પિટલને કોવીડ હોસ્પિટલમાં તબદીલ કરવામાં આવી છે. જેમાં 150 દર્દીઓ માટે સુવિધા ઉભી કરવામાં આવી છે. જયાં દર્દીઓને મોકલવાનું પણ શરૂ કરી દેવાયું છે. તંત્ર દ્વારા રણજીતનગર પાછળ આવેલી કામદાર વિભા યોજનાની હોસ્પિટલમાં પણ 50 બેડની વ્યવસ્થા સાથેનું કોવીડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

દરમ્યાન શનિવારે જામનગર મહાનગરપાલિકાએ એમઓયુ કર્યા બાદ સુમેર કલબ રોડ પરની ક્રિટી સર્જ હોસ્પિટલમાં 18 બેડ, વાલ્કેશ્ર્વરીમાં આવેલી ગોકુલ ન્યુટેક હોસ્પિટલમાં 30 બેડ, એરપોર્ટ નજીક સ્વામીનારાયણ કોવિડ હોસ્પિટલમાં 100 બેડ, શ્રીનિવાસ કોલોનીમાં સ્પંદન હોસ્પિટલમાં 22 બેડ અને દ્વારકા હાઇ-વે પર આવેલી સમર્પણ હોસ્પિટલમાં 90 બેડ તથા એસ.ટી.બસ સ્ટેન્ડ સુમેર કલબ રોડ પર લાખોટા તળાવ પાછળ આવેલી શ્રધ્ધા મલ્ટીસ્પેશિયલ હોસ્પિટલમાં 70 બેડ અને દિગ્વિજય પ્લોટ-45 સામે મુખ્ય માર્ગ પર ઓવલી સમા હોસ્પિટલમાં 20 બેડ મળીને કુલ 7 ખાનગી હોસ્પિટલોને 350 બેડની વ્યવસ્થાની મંજુરી આપી છે. તેમજ આયુર્વેદ કોલેજની હોસ્પિટલમાં 150 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ કોરોના સતત વધી રહેલા દર્દીઓને સારવાર મળી રહે તે માટે તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે વ્યવસ્થા કરવામાં આવી છે. ખાનગી હોસ્પિટલમાં જો કે, ઓકસીજન થેરાપી માટે પ્લાન્ટની સગવડતા ન હોવાથી ઓકસીજનના બાટલાની સપ્લાય પર દર્દીઓની સારવાર નિર્ભર રહેશે. તેમ જાણવા મળે છે

તેમજ આ ખાનગી હોસ્પિટલો માટે મહાનગરપાલિકા દ્વારા વોર્ડ માટે એક દિવસના 6000 રૂા., આઇસોલેશન અને આઇસીયુના 14500, તેમજ વેન્ટિલેટર, આઇશોલેશન અને આઇસીયુના 19000 રૂા. જેટલો ચાર્જ રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જે ચાર્જ ખરેખર હાલની કોરોનાની કપરી પરિસ્થિતિમાં ઘણો વધારે કહેવાય કેમ કે, આ મહામારીમાં સરકારી હોસ્પિટલોની પરિસ્થિતિ વધુ ખરાબ છે ત્યારે ખાનગી હોસ્પિટલોમાં આટલાં મોંઘો ચાર્જ ચૂકવવો સામાન્ય માણસને પોસાઇ તેમજ નથી. રાજયસરકાર દ્વારા અપાયેલાં તબીબી સેવાના મા અમૃતમ કાર્ડ આ સારવાર માટે ઉપયોગી બની શકે તે માટેનો નિર્ણય કરવો જોઇએ. કેમ કે, ખાનગી હોસ્પિટલો દ્વારા આવા સરકારી કાર્ડો ચલાવવામાં આવતાં નથી. જેને કારણે સામાન્ય માણસને ખાનગી હોસ્પિટલોના મોંઘા ચાર્જો પોસાય તેમ નથી અને રાજયના સરકારી કાર્ડ જ જો ખાનગી હોસ્પિટલો દ્વારા ચલાવવામાં ન આવે તો સરકારી કાર્ડની કિંમત કેટલી!?.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.