સુષુપ્ત અવસ્થામાં રહેલું સોનુ પ્રોડક્ટિવીટીમાં નખાશે
એનીમી પ્રોપર્ટીથી રૂ.૧ લાખ કરોડ મેળવાશે
ટેકસના છીંડા પુરી કરોડો રૂપિયા બચાવાશે
પીએસયુમાં સ્માર્ટ ડીસ- ઈન્વેસ્ટમેન્ટ થશે
ભારતમાં ગેરકાયદે પ્રવેશતી સિગારેટ જેવી વસ્તુઓ પર ટેક્સ નખાશે
આગામી ૧લી ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ થનારા કેન્દ્રીય બજેટમાં ગરીબ, મધ્યમ વર્ગ તેમજ ઉદ્યોગ જગતને અનેક અપેક્ષાઓ છે ત્યારે મોદી સરકાર માટે આ બજેટ માટેની જોગવાઈઓ નટની ચાલ જેવી સાબીત થશે. નવા કરવેરા નાખ્યા વગર અને રાજકોષીય ખાદ્યનો બોજો ઉઠાવ્યા વગર પણ બજેટ ફુલ ગુલાબી બની રહેશે. સામાન્ય રીતે બજેટમાં પુરાંત અને ખાદ્યને કેન્દ્ર સ્થાને રાખવામાં આવે છે પરંતુ ભારતીય અર્થતંત્રમાં અનેક પાસાઓ અસર કરે છે પરિણામે આગામી કેન્દ્રીય બજેટ થોડુ અલગ રહેશે.
કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં હાઉસહોલ્ડ સેવીંગને પ્રોત્સાહન આપવામાં આવશે. સુશુપ્ત અવસ્થામાં પડેલ અંદાજીત રૂા.૧૪ લાખ કરોડના સોનાને પ્રોડક્ટિવીટીમાં કેવી રીતે લેવામાં આવે તે અંગેની જોગવાઈઓ થશે. ઉપરાંત એનીમી પ્રોપર્ટી એટલે કે ભાગલા સમયે દેશમાં રહેલી પાકિસ્તાનની અથવા પાકિસ્તાનના નાગરિકોની મિલકતો દ્વારા રૂા.૧ લાખ કરોડ ઉભા થઈ શકે તેમ છે. પાકિસ્તાને તો ૧૯૭૧માં જ એનીમી પ્રોપર્ટીને વેંચી કરોડો રૂપિયા સંકેલી લીધા હતા. હવે તો ૨૦૨૧ ચાલી રહ્યું છે. ભારત પણ આવું કરવા સક્ષમ છે.
રૂપિયાનું યોગ્ય કલેકશન ન થવું તે પણ એક જાતનું નુકશાન છે. માટે કર માળખાના છીંડા પુરીને કરચોરી અટકાવાશે. પરિણામે આવક વધશે. આ માટે ઈથીકલ હેકિંગનો સહારો પણ લેવાશે. જેમ કર માળખાના છીંડા ગોતવા માટે પ્રયાસો થાય છે તેમ કર માળખાના છીંડા પુરવા માટે બુદ્ધિજીવીઓને કામે લગાડવામાં આવશે. લોંગટર્મ કેપિટલ ગેઈન પણ કરચોરીનો ભોગ બને છે તે કર માળખામાં કેટલીક વિસંગતતાને કારણે હજ્જારો-કરોડો તિજોરીમાં પ્રવેશતા નથી. આ ઉપરાંત દર વર્ષે કરોડો રૂપિયાની દાણચોરીની સિગારેટ ભારતમાં ઠલવાય છે. આવી ગતિવિધિને અટકાવીને કર માળખામાં સમાવવા માટે પણ પ્રયાસો કરવામાં આવશે.
દેશમાં ઘણા સરકારી એકમો એવા છે જે સફેદ હાથી સમાન છે. આવા એકમોમાં તબક્કાવાર પોતાનો હિસ્સો સરકાર કાઢી શકે છે. રેલવેમાં તો સરકારે આ બાબતે પ્રારંભ કરી પણ નાખ્યો છે. હિન્દુસ્તાન ઝીંક, મારૂતિ સુઝુકી જેવા સાહસોમાં કંપનીનું સંચાલન ખાનગી વ્યક્તિ પાસે રહે છે અને સરકારનો નજીવો હિસ્સો કંપનીમાં હોય છે. આવું જ સફેદ હાથી જેવી કંપનીઓમાં થશે.
કોરોના મહામારી સમયે મધ્યમ વર્ગીય પરિવારોમાં બચતનું મુલ્ય વધ્યું હતું. આ બાબત પર પણ ધ્યાન દેવાશે. લોકો બચત તરફ વધુને વધુ વળે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે. કોરોના મહામારીને પહોંચી વળવા માટે વિશ્ર્વના મોટાભાગના દેશોએ રાજકોષીય ખાદ્યની ટકાવારી વધારી છે. ભારતમાં રાજકોષીય ખાદ્યનું ભારણ વધુ ન રહે અને અન્ય સ્થળેથી આવક વધે તેની તકેદારી રાખવામાં આવશે. બીજી તરફ ઈન્કમટેકસ માળખામાં મર્યાદા રૂપિયા ૨.૫ લાખથી વધારી રૂા.૫ લાખ કરવામાં આવે તેવી ઈચ્છા લોકોને છે. જેનાથી કરદાતા ઉપરનો બોઝ ઘટશે. કોવિડ મહામારી બાદ લોકોને મેડિકલ વિમાનું મહત્વ પણ સમજાયું છે. જેનાથી કલમ ૮૦-ડીની લીમીટ પણ વધારવામાં આવે તેવી ઈચ્છા લોકોને છે. યુવા નાગરિકોને મેડિ કલેઈમ કવરોમાં ડીડેકશન માટે મર્યાદા ૨૫૦૦૦ થી ૫૦૦૦૦ કરાઈ અને સિનીયર સીટીઝનને ૫૦૦૦૦ થી ૭૫૦૦૦ કરાય તેવી ઈચ્છા છે.
સામાન્ય રીતે પગારદાર વર્ગ અર્થતંત્રમાં સૌથી ઝડપથી નાણાને તરલ બનાવે છે. નાણા વાપરે છે. આવી સ્થિતિમાં પગારદાર વર્ગને રાહત મળે તેવી પણ શકયતા છે. ઉપરાંત અત્યારે વર્ક ફ્રોમ હોમનું ચલણ વધ્યું છે. વર્ક ફ્રોમ હોમની જરૂરીયાતનો વિકલ્પ બન્યું છે. માટે એમ્પલોઈને વર્ક ફ્રોમ હોમ માટે કેટલાક પ્રોત્સાહનો, લાભ મળી શકે છે. જેમ કે, વર્ક ફ્રોમ હોમ માટે ફર્નીચર, કોમ્પ્યુટર સહિતના ઈક્વિપમેન્ટ ફાળવનાર એમ્પલોઈને ગ્રોસ ઈન્કમમાં ડિડકશન મળી શકે છે.
ઈક્વિટી શેર અને ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રૂા.૧ લાખ સુધીના કારોબારમાં કર રાહત મળે છે. આ સ્થિતિમાં સરકાર મર્યાદા વધારીને ૨ લાખ પણ કરી શકે છે અને ટેક્સ ઘટાડીને ૫ ટકા કરશે તેવી આશા છે. આ ઉપરાંત દેશમાં હરિયાળી ક્રાંતિ, પ્રદુષણ ઘટે તે માટે પ્રયાસો થાય છે જેથી સોલાર લેમ્પ, હિટર, વીજળી બચાવતા સંશાધન, બાયો ટોઈલેટ અને સોલાર સંચાલીત ચાર્જરો ઉપર પ્રોત્સાહન મળી શકે છે. કોરોનાના કારણે કર્મચારીઓ લીવ ટ્રાવેલ ક્ધસેશન લઈ શક્યા નથી. માટે આ મુદ્દો પણ બજેટમાં પ્રોત્સાહન માટે સમાવી લેવાશે.
આત્મનિર્ભરતા તરફની વિવિધ યોજનાઓ
કોરોના મહામારી વચ્ચે વડાપ્રધાન મોદીએ કરેલી આત્મનિર્ભર ભારત અભિયાનની જાહેરાત બાદ ઉદ્યોગો માટે તબક્કાવાર પ્રોત્સાહન યોજનાઓ બહાર પડાઈ છે. જેમાં ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજના સૌથી મહત્વની છે. આગામી બજેટમાં આત્મનિર્ભરતા માટે વધુ યોજનાઓની જાહેરાત થશે. આ ઉપરાંત પ્રોત્સાહનોની ભરમાર પણ કેન્દ્રીય બજેટમાં જોવા મળી શકે છે.
મોદી મંત્ર: ગુડ ઈકોનોમિક્સ, ગુડ પોલિટિક્સ
મોદી સરકાર દ્વારા જ્ઞાતિ-જાતિ કે ભૌગોલીક નહીં પરંતુ વિકાસના નામે રાજકારણ કરવામાં આવે છે. ભારતીય જનતા પક્ષે દર વખતે વિકાસના મુદ્દે ચૂંટણીઓ લડી છે. આગામી દસકો વિકાસના મુદ્દા કેન્દ્રીત હશે તેવું ભાજપ જાણે છે. માટે દેશના વિકાસને સંલગ્ન વિવિધ પાસાઓ પર ચૂંટણી ખેલાય છે. જેના પરિણામે હવે લોકોને પાયાના પ્રશ્ર્નો ઉકેલાઈ રહ્યાં હોવાનું દેખાય આવે છે. તાજેતરમાં જ વિશ્ર્વના ટોચના ઉદ્યોગપતિઓને ભારતની વિકાસ કુચમાં જોડાવવા માટે વડાપ્રધાન મોદીએ આહવાન કર્યું હતું. બીજી તરફ આગામી બજેટ ભારત માટે નવો યુગ લઈ આવશે તેવું ભાજપ દ્વારા જણાવાયું હતું.
ક્રુડ ઉપરનું ભારણ ઘટાડવા ઈ-વ્હીકલ ઉપર મદાર
ક્રુડની આયાતના કારણે જીડીપીનો મસમોટો હિસ્સો વિદેશી ઢસડાઈ જાય છે. પેટ્રોલ-ડિઝલથી ચાલતા વાહનોનો એક વિકલ્પ છે, ઈ-વ્હીકલ. આગામી બજેટમાં બેટરીથી સંચાલીત ઈ-વ્હીકલો માટે પ્રોત્સાહક યોજનાઓ જાહેર થઈ શકે છે. મેન્યુફેકચરીંગ કે એસેમ્બલીંગમાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર કે ઈ-બસ માટે ફેમ (ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેકચરીંગ ઓફ હાઈબ્રીડ એન્ડ ઈલેક્ટ્રિક વ્હીકલ)માં વધુ પ્રોત્સાહનો મળી શકે છે. જો ઈ-વ્હીકલો વધશે તો આપોઆપ ઈંધણનો વપરાશ ઘટશે.
આયાત નિકાસમાં બેલેન્સ ઓફ ટ્રેડ માટે કવાયત
તેલિબીયાની નિકાસ ઉપર ફોક્સ, ખાદ્યતેલની આયાત પર લગામ
દેશમાં ક્રુડ અને સોના બાદ ખાદ્ય તેલની આયાતના કારણે સૌથી વધુ બોજ પડે છે. માટે ખાદ્યતેલની આયાત પર લગામ લગાવવા દેશમાં ખેડૂતોને વધુને વધુ તેલિબીયાનું વાવેતર કરવા પ્રોત્સાહન આપવામાં આવશે.
આ ઉપરાંત તેલિબીયાની નિકાસ ઉપર ધ્યાન કેન્દ્રીત થશે. દર વર્ષે અબજો રૂપિયાનું વેજિટેબલ ઓઈલ ઈમ્પોર્ટ થાય છે. આવી સ્થિતિમાં બેલેન્સ ઓફ ટ્રેડની મથામણ બજેટમાં થશે. મલેશિયા, ઈન્ડોનેશીયાથી પામતેલ, બ્રાઝીલ, અર્જન્ટીના, રશિયા અને યુક્રેનથી સોયાતેલ અને સનફલાવર તેલની આયાત ઘટાડવાનો પ્રયાસ થશે. પરિણામે આયાતનું ભારણ તિજોરી ઉપરથી ઓછુ થશે.
‘સફેદ હાથી’ઓનું ખાનગીકરણ
આગામી બજેટમાં સફેદ હાથીઓના ખાનગીકરણ માટે નાણામંત્રી નવી ખાનગીકરણ નીતિ લાવશે. જેનાથી જાહેર સાહસોમાંથી કેવી રીતે તબક્કાવાર સરકાર પોતાનો હિસ્સો ઘટાડે તેનું નક્કી થશે. ઘટી બેંકો ઓઈલ કંપનીઓ, ખનીજ સાથે સંકળાયેલ કંપનીઓ અને પરિવહન સેવાઓ ખોટમાં જાય છે. અથવા તો વધુ આવક નથી. આવી સંસ્થાઓનું ખાનગીકરણ કરી વિકાસને વેગવાન બનાવવામાં આવશે.
૧લી માર્ચે ગુજરાતનું બજેટ
ગુજરાત વિધાનસભામાં ૨૦ ફેબ્રુઆરીએ બજેટ રજૂ થતું હોય છે પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોવાથી બજેટની તારીખમાં ફેરફાર થયો છે. મતદાન અને પરિણામ બાદ ગુજરાત વિધાનસભામાં વર્ષ ૨૦૨૧-૨૨નું બજેટ રજૂ થશે. એકંદરે આગામી ૧લી માર્ચે વિધાનસભાનું સત્ર મળશે તો રાજ્ય સરકાર ચૂંટણી આયોગમાં જઈ વિધાનસભાની અંદર બજેટ રજૂ કરવાની ખાસ પરવાનગી લઈ બજેટ રજૂ કરે તેવી શકયતા છે. નોંધનીય છે કે, ચાલુ વર્ષે રાજ્ય સરકારના બજેટમાં આરોગ્ય અને શિક્ષણ પાછળ વધુ ધ્યાન દેવામાં આવશે. પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગૃહમાં સંબોધન કરશે.
રિકવરી સાથે ગ્રોથ કરવો
કોરોના મહામારી બાદ રિકવરીનો સૌથી મોટો પ્રશ્ર્ન છે. ભારતે ઝડપથી રિકવરી કરવાનું શરૂ કર્યું છે. તેની સાથે ગ્રોથ કરવો પણ જરૂરી છે. થોડા સમય પહેલા જ જાહેરાત થઈ હતી કે, આગામી બજેટ વિકાસ કેન્દ્રીત રહેશે. આવકના નવા સ્ત્રોત ઉભા કરી રાજકીય ખાદ્યના ભારણ વગર કઈ રીતે રિકવરી સાથે ગ્રોથ કરી શકાય તે અંગેનું પ્લાનીંગ બજેટમાં ઘડી કઢાશે. આ મામલે નાણામંત્રી દ્વારા વિવિધ જાહેરાતો થશે.