બટુકભાઈ વિરડીયાએ 150થી વધુ રેતી ચિત્રો કેનવાસ પર તૈયાર કર્યા
રાજકોટમાં બી.એલ. વીરડીયાના રેતી ચિત્રોનું પ્રર્દાન તા.7 થી 13 જાન્યુ. દરમિયાન વોટસન મ્યુઝિયમ ખાતે યોજાનાર છે. જેમાં ઉદઘાટન પ્રસંગે રાજકોટના પુરાતત્વવિદ સમર્થ ઈમાનદાન વોટ ઈઝ આર્કોલોજી વિષય પર વ્યાખ્યાન આપશે.
વોટસન મ્યુઝિયમમાં તા. 7 થી 13 દરમિયાન મ્યુઝિયમ સપ્તાહની અનોખી રીતે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
ત્યારે રાજકોટના જાણીતા સેન્ડ આર્ટ કલાકાર બટુકભાઈ વિરડીયા રેતીમાંથી કલાત્મક અને અદભૂત ચિત્રો બનાવે છે કે, જોનારને એમ થાય કે હમણા જ આ ચિત્ર ફ્રેમમાંથી બહાર આવીને બોલી ઉઠશે.
બી.એલ.વિરડીયા જયારે કોઇપણ શહેરમાં જાય ત્યાંથી ખોબો ભરીને રેતી લઇ આવે. આમ, તો દરેક શહેરની રેતીની એક અલગ વિશેષતા અને રંગ હોય છે. જેમકે, પોરબંદરની નજીકની ગોલ્ડ, અલાહાબાદ, ત્રીવેણી સંગમ, સોમનાથ, દ્વારિકાની રેતી સહિત વ્હાઇટ, બ્રાઉન, યલો, ગ્રીન, રેડ, અને ગ્રે આવા અનેક રંગોની રેતી અને જો પથ્થર મળે તો તેનો ભાંગીને ભૂક્કો કરી રેતી બનાવે. આ રેતીને ચાળી તેને ધોયા પછી સૂકવીને કેનવાસ પર લગાવાય છે.
આ રેતીને કેનવાસ પર ફેવીકોલની મદદથી રેતીના રંગીન ચિત્રો બનાવે છે. આ રેતી ચિત્રમાં સૌથી અઘરૂ આંખ અને હોઠ બનાવવું છે.
આ ચિત્ર બનાવતા સમયે જમીન પર પંખા વગર બેસી એક પોટ્રેઇટ તૈયાર કરવામાં સરેરાશ પંદર દિવસ લાગે છે. આ ચિત્રો ભીના ના થાય અને ભેજ ન લાગે તો વર્ષો સુધી જળવાઇ રહે છે.
તેઓ છેલ્લા 12 વર્ષથી આ રેતી ચિત્ર બનાવે છે. તેમણે અત્યાર સુધીમાં કુદરતી રંગોના શેડ મિશ્રિત કરીને 150થી વધુ રેતી ચિત્રો કેનવાસ પર તૈયાર કર્યા છે. તેમણે સ્વામી વિવેકાનંદ, પ્રમુખસ્વામી મહારાજ, ભગવાન શિવ, ઓશો, સરદાર વલ્લભભાઇ પટેલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વગેરે જેવા મહાનુભાવોના પોટ્રેટ બનાવ્યાં છે.
આટલા વર્ષોમાં બીજી વખત રાજકોટમાં તેમના રેતી ચિત્રનું પ્રદર્શન યોજાવા જઇ રહ્યું છે.
આઝાદીના અમૃત્ત મહોત્સવ તેમજ પ્રાચીન કલા અને સંસ્કૃતિના વારસાની જાળવણી માટે રાજકોટના વોટસન મ્યુઝિયમ દ્વારા મ્યુઝિયમ સપ્તાહ-2023નું ઉજવણી કરવામાં આવશે.