આર્કિટેકચરલ પ્રોજેકટમાં અનેક શકયતાઓ, ડિઝાઈન નિર્માણ, મોડેલ અને મટીરીયલ્સ અંગે દેશનાં ખ્યાતનામ આર્કિટેક દ્વારા ભાવિ આર્કિટેકટસને અપાઈ વિસ્તૃત માહિતી
સૌરાષ્ટ્ર-કચ્છના ભૌગોલિક વિસ્તારને સ્થાપત્યકલા શિક્ષણની નવી ઉચાઈઓ બક્ષનાર વી.વી.પી.સંચાલીત ઈન્દુભાઈ પારેખ સ્કુલ ઓફ આર્કિટેક્ચર દ્વારા અવિરતપણે વિવિધ સ્વરૂપે વિદ્વતાપૂર્ણ આર્કિટેક્ચરલ ગતિવિધીઓનું આયોજન કરવામાં આવે છે, તે જ પરીપ્રેક્ષ્યમાં તાજેતરમાં સ્થાપત્યકલા ક્ષેત્રના વિદ્યાર્થીઓ, અદ્યાપકો, ઉદ્યોગપતીઓના વિશાળ સમૂહને દેશના ગણમાન્ય આર્કિટેકટસ અક્ષય હેરાંજલ તથા કાઈદ ડુંગરવાલા દ્વારા સંસ્થાની મૂલાકાત લઈને અમૂલ્ય માર્ગદર્શન આપેલ હતું.
તજજ્ઞ આર્કિટેકટસ કરણ ગ્રોવર, સમિપ પડોરા, તથા સંજય પૂરી સમા ગુરૂઓ પાસે આર્કિટેકચરશીપની બારીકીઓનું જ્ઞાન પ્રાપ્ત કરનાર બેંગ્લોરના આર્કિટેકટસ અક્ષય હેરાંજલ દ્વારા વિવિધ સ્કેલના પ્રોજેકટસમાં સ્થાનીકપણે પ્રાપ્ત ઉચિત મટીરીયલ્સની પસંદગીના માપદંડ, ક્રિયાશીલ જગ્યા તથા સંરચનાઓના નિર્માણ તેમજ પ્રોજેકટસના સ્વરૂપોમાં તેઓ દ્વારા કરવામાં આવતા પ્રયોગોની વિદ્વતાપૂર્ણ જાણકારી આપેલ હતી.
તદઉપરાંત અમદાવાદની પ્રસિધ્ધ સંસ્થા ’સેપ્ટ’ તેમજ નેધરલેન્ડમાં અભ્યાસ પ્રાપ્ત કરી, વિશ્વપ્રસિધ્ધ આર્કિટેકટસ જીઓફ્રી બાવા તથા રાહુલ મેહરોત્રા પાસેથી બહુમૂલ્ય કાર્યાનુંભાવો પ્રાપ્ત કરનાર તેમજ ડિઝાઈન શિક્ષણમાં પ્રખર રસ ધરાવનાર મુંબઈના આર્કિટેકટ કાઈદ ડુંગરવાલાએ હાથ ધરાતા આર્કિટેક્ચરલ પ્રોજેકટમાંની અનેકવિધ શકયતાઓ, ડિઝાઈન નિર્માણ, મોડેલ તેમજ મટીરીયલ્સના અભ્યાસ થકી યોગ્ય અને ઉત્તમ ડિઝાઈન પ્રાપ્તીની પધ્ધતિની સમજ આપેલ હતી.