બી.એ., બી.કોમ., એમ.એ. અને એમ.કોમના ૩૪ હજારથી વધુ વિદ્યાર્થીઓને થશે લાભ: બહારગામથી આવતા વિદ્યાર્થીઓને હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સુધી ધકકો નહીં ખાવો પડે
કયુ.આર કોડથી વિદ્યાર્થીઓ અગાઉના પણ પરીણામ જોઈ શકશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એકસટર્નલના વિદ્યાર્થીઓને હવે ટ્રાયલ સર્ટીફીકેટ લેવા માટે યુનિવર્સિટી સુધી ધકકો નહીં ખાવો પડે પરંતુ હવે માર્કશીટ સાથે જ ટ્રાયલ સર્ટીફીકેટ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ છે તેના પરીણામ સાથે જ જોડી દેવામાં આવશે. જેથી કરીને બહારગામથી આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે પરીક્ષા વિભાગ દ્વારા ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત કયુ.આર.કોડ પઘ્ધતિ પણ દાખલ કરવામાં આવી છે. જેને લઈને વિદ્યાર્થીઓ પોતાના અગાઉના રીઝલ્ટ છેલ્લા સેમ.ની માર્કશીટમાં આપેલ કયુ.આર. કોડ દ્વારા જોઈ શકશે.
આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડો.અમિત પારેખે જણાવ્યું હતું કે, ગયા વર્ષ સુધી જે એકસટર્નલના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોય તેઓનું ટ્રાયલ સર્ટીફીકેટ લેવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો રૂબરૂ સંપર્ક કરવો પડતો હતો અને બે થી ત્રણ વાર ધકકા ખાવા પડતા હતા અને તેઓને ૧૦૦ રૂપિયા ભરીને આ સર્ટીફીકેટ મેળવવાનું રહેતું હતું પરંતુ પરીક્ષા વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચાલુ વર્ષે બી.કોમ, બી.એ, એમ.એ અને એમ.કોમના ૩૪ હજારથી વધુ વિદ્યાર્થીઓએ એકસટર્નલની પરીક્ષા આપી હતી. જેમાં બી.એ. અને બી.કોમના ૧૫૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને માર્કશીટ સાથે જ ટ્રાયલ સર્ટીફીકેટ મળી ગયા છે. આ ઉપરાંત કયુ.આર.કોડ પઘ્ધતિ દાખલ કરી યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓ છેલ્લા સેમેસ્ટરમાં આપેલ કયુ.આર. કોડ સ્કેન કરીને પોતાનું અગાઉની પરીણામ જોઈ શકશે.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના આ નિર્ણયથી વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે. જેથી કરીને હવેથી વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ધકકો ખાવો નહીં પડે અને ઘરે બેઠા જ ટ્રાયલ માર્કશીટ મળી જશે.