રાજકોટ જિ.ની 21 માધ્યમિક શાળાઓમાં સ્કૂલ ઓફ એક્સલન્સની કામગીરી ખોરંભે
સરકારી પ્રાથમિક અને મદયમિક શાળાઓને રાજ્ય સરકારે જિલ્લા વાઈઝ સ્કૂલ ઓફ એકસલન્સ તરીકે પ્રસ્થાપિત કરી શિક્ષણનું સ્તર સુધારવાનું બીડુ ઝડપ્યું છે. જોકે તેમાં રાજકોટની માધ્યમિક શાળાઓમાં તેની કામગીરી ખોરંભે પડી હોવાનું સામે આવ્યું છે.
શહેરમાં મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી કિરીટસિંહ પરમારના જણાવ્યા પ્રમાણે, 26 પ્રાથમિક અને 4 માધ્યમિક શાળાઓ સ્કૂલ ઓફ એક્સલેન્સ હેઠળ છે. જેમાં 100, 200, 300, 400 અને 500 દિવસ એમ અલગ-અલગ કેટેગરીમાં શાળાઓનું રાજ્યના વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા આદેશ મુજબ સ્કૂલ ઈન્સ્પેક્ટર ઇન્સ્પેકશન થઇ રહ્યું છે અને હવે શાળાઓના મૂલ્યાંકનનું રીપોર્ટ કાર્ડ જાહેર થશે. જયારે ચેરમેન અતુલ પંડીતે જણાવ્યું કે, રાજ્યની એક માત્ર રાજકોટની શિક્ષણ સમિતિ કે જ્યાં સ્કૂલ ઓફ એકસલન્સના શિક્ષકોને એક સરખા ડ્રેસ અપાયા છે. જયારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડી.આર. સરડવાના જણાવ્યા પ્રમાણે, જિલ્લામાં સ્કૂલ ઓફ એક્સલન્સની પ્રાથમિક 110 શાળાઓ છે. જ્યાં પૂરા શિક્ષકો હોય, વર્ગખંડો પૂરતા હોય, ઇંઝઅઝ (હેડ ટીચર્સ એપ્ટીટ્યુડ ટેસ્ટ) પાસ કરેલી હોય તેવા આચાર્ય હોય, ભૂતકાળમાં સ્કૂલ વિદ્યાર્થીઓનું શિક્ષણ, રમત ગમતમાં સારું પ્રદર્શન હોય, વિદ્યાર્થીઓની સંખ્યા 150 થી વધુ હોય તે શાળાઓનો સમાવેશ કરાયો છે.
જયારે ડી.ઈ.ઓ. બી.એસ.કેલાએ જણાવ્યું કે, છેલ્લા પ વર્ષમાં વર્ગમાં વિદ્યાર્થીઓની પુરતી સંખ્યા, શાળાનું બોર્ડમાં પરિણામ, સાયન્સ લેબ, લાઈબ્રેરી, કમ્પ્યુટર લેબ, રમત ગમતનું મેદાન સહીતની ભૌતિક સુવિધા સહીતના આધારે જિલ્લાની 21 માધ્યમિક શાળાઓ સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે પ્રસ્થાપિત થશે. જેના અમલ બાબતે પૂછતાં જાણવા મળ્યું કે, માધ્યમિક શાળાઓમાં અમલવારી બાકી છે.