મોદી સરકારે શરુ કરેલાં આત્મનિર્ભર ભારત અભિયાન અને મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ હેઠળ તમામ ક્ષેત્રે ઝુંબેશ શરૂ થઈ છે. ત્યારે આ અભિયાન હેઠળ સમુદ્રનો સ્વદેશી ‘ભોમિયો’ વિકસાવવા સરકાર દ્વારા કવાયત હાથ ધરાઈ છે. જહાજના દિશાસુચનમાં વિદેશી સોફ્ટવેર ઉપરની નિર્ભરતાના સ્થાને ઘરઆંગણે બનાવેલો સોફ્ટવેર વિકસાવવામાં આવશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ આજરોજ વીટીએસ અને વીટીએમએસ માટે સ્વદેશી સોફ્ટવેર સોલ્યુશન્સનો પ્રારંભ કરાવ્યો છે.
શિપિંગ મંત્રી (સ્વતંત્ર હવાલો) મનસુખ માંડવીયાએ આજે નવી દિલ્હીમાં મેરીટાઇમ ટ્રાફિક સર્વિસ (વીટીએસ) અને શિપ ટ્રાફિક મોનિટરિંગ સિસ્ટમ (વીટીએમએસ) માટે સ્વદેશી સોફ્ટવેર સોલ્યુશન્સના વિકાસનો પ્રારંભ કરાવી ઉદ્ઘાટન સંબોધનમાં કહ્યું હતું કે ભારતીય બંદરોના ટ્રાફિક વ્યવસ્થાપન માટે ઊંચી કિંમતના વિદેશી સોફ્ટવેર સોલ્યુશન્સ પર ભરોસો કરવાને બદલે દેશની જરૂરિયાત મુજબ સ્વદેશી સોફ્ટવેરનો ઉપયોગ કરવો જોઈએ.
મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેક ઇન ઈન્ડિયા’ પ્રોજેક્ટ થકી વીટીએસ અને વીટીએમએસ સોફ્ટવેર ‘મેક ફોર વર્લ્ડ’ માટેનો ભારતનો માર્ગ મોકળો કરશે.
આ સોફ્ટવેર વિકસાવવા માટે ચેન્નાઈ IITને રૂપિયા 10 કરોડ ફાળવવામાં આવ્યા છે. ચેન્નાઈ આઈઆઈટી દ્વારા આ સોફ્ટવેર બનાવવામાં આવશે.
શું છે આ વીટીએસ અને વીટીએમએસ
વીટીએસ અને વીટીએમએસ એ એક પ્રકારનો સોફ્ટવેર છે જે જહાજની સ્થિતિ, સમુદ્રમાં ટ્રાફિકની સ્થિતિ અથવા હવામાનશાસ્ત્રના જોખમની ચેતવણીઓ અને બંદરનુ વ્યાપક સંચાલન નક્કી કરે છે. દરિયાઇ જીવનની સુરક્ષા, દરિયાઇ ટ્રાફિકની સલામતી અને કાર્યક્ષમતા, દરિયાઇ પર્યાવરણ, આસપાસના કાંઠા વિસ્તાર, કાર્યસ્થળો અને સમુદ્ર ટ્રાફિકની સંભવિત આડઅસરોને લઈ ચેતવે છે.
શિપ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ વિશ્વના કેટલાક વ્યસ્ત સમુદ્રમાં ગોઠવવામાં આવે છે. જે સલામત નેવિગેશન, વધુ કાર્યક્ષમ ટ્રાફિક પ્રવાહ અને પર્યાવરણના રક્ષણ માટે મૂલ્યવાન યોગદાન આપે છે. આ ઉપરાંત કોઈપણ પ્રકારની ઘટનાઓ અને કટોકટીની પરિસ્થિતિઓને શક્ય તેટલી વહેલી તકે નિવારવામાં મદદરૂપ થાય છે.
હાલમાં ભારતમાં દરિયાઈ કાંઠા પર લગભગ 15 વીટીએસ સિસ્ટમ કાર્યરત છે પરંતુ વીટીએસ સોફ્ટવેરની એકરૂપતા નથી કારણ કે દરેક સિસ્ટમનું પોતાનું અલગ વીટીએસ સોફ્ટવેર હોય છે. સ્વનિર્ભર ભારતની પહેલ હેઠળ સ્વદેશી વીટીએમએસ સોફ્ટવેરના વિકાસના લાઇટહાઉસના ડાયરેક્ટર જનરલ (ડીજીએલએલ)ની ઓફિસની સાથે સાથે આ ક્ષેત્રમાં વિકાસ અને સહકારને મજબૂત બનાવાશે.