• 7 જાહેર સાહસો તો લિક્વિડેશન હેઠળ, તેને ઝડપથી બંધ કરવા જરૂરી: સરકાર ઉપર સતત બોજ વધી રહ્યો હોવાથી નાણા મંત્રાલયે તાત્કાલિક પગલાં લેવા સરકારનું ધ્યાન દોર્યું
  • રાજ્ય સરકારના 30 જાહેર સાહસો એવા છે જે સરકાર માટે સફેદ હાથી સમાન સાબિત થયા છે. ઉપરાંત 7 એકમો તો લીકવિડેશનની પ્રક્રિયામાં છે. આવામાં સરકાર ઉપર સતત બોજ વધી રહ્યો હોય આ તમામ એકમો બંધ કરવા માટે નાણામંત્રાલયે સરકારને તાત્કાલિક પગલાં લેવા ભલામણ કરી છે.

રાજ્યના નાણા વિભાગે રાજ્ય સરકારને લિક્વિડેશન હેઠળના સાત જાહેર સાહસોને ઝડપથી બંધ કરવા જણાવ્યું છે અને 30 ખોટ કરતા એકમોને પુનજીર્વિત કરવા અથવા લિક્વિડેશન અંગેની શક્યતા અંગે વહેલો નિર્ણય લેવાની ભલામણ કરી છે. તાજેતરમાં મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં આ રજૂઆત કરવામાં આવી હતી.  ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ અને ગુજરાત એસેમ્બલીની પબ્લિક એકાઉન્ટ્સ કમિટી જેવી એજન્સીઓએ પણ તાજેતરમાં રાજ્ય સરકારને સમાન ભલામણો કરી છે, જેમાં જણાવ્યું છે કે ખોટ કરતી જાહેર કંપનીઓ રાજ્યની નાણા પર બોજ બની રહી છે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “જાહેર કંપનીની સ્થિતિ અંગે રાજ્ય સરકારને વિગતવાર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. નાણા વિભાગે ભલામણ કરી છે કે સરકાર ખોટમાં ચાલી રહેલા જાહેર સહસોને પુનજીર્વિત કરવા અથવા ફડચામાં લેવા માટે નક્કર કાર્યવાહી શરૂ કરે.”

કુલ 99 જાહેર એકમોમાંથી, સૌથી વધુ સંખ્યા ધરાવતા ટોચના પાંચ વિભાગો એનર્જી અને પેટ્રોકેમિકલ્સમાં 24 એકમો, ઉદ્યોગો અને ખાણમાં 23 એકમો, સામાજિક ન્યાય અને સશક્તિકરણમાં એકમો 10 એકમો, શહેરી વિકાસ અને શહેરી આવાસ 8 એકમો, અને કૃષિ અને સહકારી વિભાગોના 5 એકમોનો સમાવેશ થાય છે.

સરકારને આપવામાં આવેલી પ્રેઝન્ટેશન મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં નફો કરતા એકમોની સંખ્યામાં વધારો થયો છે, જ્યારે ખોટ કરતા એકમોની સંખ્યા સ્થિર રહી છે.  સત્તાવાર માહિતી અનુસાર, 58 એકમો 2020-21માં નફો કરી રહ્યા હતા, જે 2021-22માં વધીને 61 અને 2022-23માં 63 થઈ ગયા હતા.  તેવી જ રીતે, ખોટ કરતી એકમોની સંખ્યા 2020-21માં 31 હતી અને 2021-22 અને 2022-23માં 30 પર સ્થિર રહી હતી. આ એકમોનું સંયુક્ત ટર્નઓવર 2020-21માં રૂ. 1.35 લાખ કરોડથી વધીને 2022-23માં રૂ. 1.94 લાખ કરોડ થયુ છે.

ખોટ કરતી જાહેર ક્ષેત્રની કંપનીઓમાંથી, 13 ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત છે. 3 સબસિડીવાળા દરે જાહેર સેવાઓ પૂરી પાડી રહી છે, 12 કાં તો લિક્વિડેશન હેઠળ છે, નિષ્ક્રિય છે અથવા અન્ય કંપનીઓ સાથે મર્જ કરવામાં આવી છે.

નફો કરતી ટોચની પાંચ કંપનીઓ

ગુજરાત સરકારની ટોચની પાંચ નફો કરતી જાહેર કંપનીઓમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, ગુજરાત ગેસ લિમિટેડ, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની લિમિટેડ અને ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ છે.

અગાઉ કેગે પણ ખોટ કરતા એકમો બંધ કરવા ભલામણ કરી હતી

ગુજરાત સરકારના વિવિધ બોર્ડ-નિગમ અને સરકારી કંપનીઓની નાણાકીય પરિસ્થિતિ પર ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલએ આકરી ટીકાઓ કરી હતી. તેમણે સરકારને કહ્યું હતું કે ’આ સાહસો અને કંપનીઓના પુનરુત્થાન કે તેને સમેટી લેવા માટેનો યોગ્ય નિર્ણય કરવો જોઈએ. ખોટ કરતાં 30 જાહેર સાહસોએ સરકારને આર્થિક મદદ કરવા કંઈ ઉખાડ્યું નથી.’

63 કંપનીઓએ જે નફો કર્યો તેમાં 94% હિસ્સો માત્ર 10 જ કંપનીઓનો!

કેગના રિપોર્ટમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાજ્યના જાહેર ક્ષેત્રના 63 ઉપક્રમો દ્વારા કમાવવામાં આવેલા 9927.30 કરોડ રૂપિયાના નફામાંથી 94.38 ટકા ફાળો માત્ર 10 જાહેર ઉપક્રમોનો જ હતો, જ્યારે રાજ્યના જાહેર ક્ષેત્રના 30 ઉપક્રમો દ્વારા કરવામાં આવેલી 2456.98 કરોડ રૂપિયાની ખોટ પૈકી 2276.72 કરોડ રૂપિયાનું નુકશાન રાજ્યના જાહેર ક્ષેત્રના છ ઉપક્રમોએ નોંધાવ્યું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.