ડેંન્ગ્યૂના 12, મેલેરિયાનો 1 અને ચિકનગુનીયાના 3 કેસો નોંધાયા: મચ્છરની ઉત્પત્તિ સબબ 1258 આસામીઓને નોટિસ ફટકારાઈ
અબતક-રાજકોટ
રાજકોટ શહેરમાં પ્રતિદીન કોરોનાના એકલ-દોકલ કેસ નોંધાઇ રહ્યા છે. બીજી તરફ સીઝનલ રોગચાળો કેડો મુકવાનું નામ લેતો નથી. છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાંથી તાવ, શરદી-ઉધરસ અને ઝાડા-ઉલ્ટીના 674 કેસો નોંધાયા છે. બીજી તરફ ડેંન્ગ્યૂ, મેલેરિયા અને ચીકનગુનિયાનો કહેર થોડોક ઘટ્યો છે. મચ્છરોની ઉત્પતિ સબબ 1258 આસામીઓને નોટીસ ફટકારી રૂા.7050નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાની સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ડેંન્ગ્યૂ તાવના 12 કેસ, મેલેરિયા તાવના 1 કેસ, અને ચીકનગુનિયાના 3 કેસો નોંધાયા છે. જ્યારે શરદી-ઉધરસના 423 કેસ, સામાન્ય તાવના 216 કેસ, ઝાડ-ઉલ્ટીના 35 કેસ અને ડોગબાઇટના 273 કેસો નોંધાયા છે. ટાઇફોઇડ, કમળો કે મરડાનો એક પણ કેસ નોંધાયો નથી.
મચ્છરોની ઉત્પતિ અટકાવવા માટે રહેણાંક વિસ્તાર સિવાય જેવા કે બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, વાડી, પાર્ટી પ્લોટ સહિત કુલ 883 સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું. રહેણાંક વિસ્તારોમાં 1258 લોકોને મચ્છરની ઉત્પતિ સબબ નોટીસ ફટકારી રૂા.7050નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. 43,911 ઘરમાં પોરા ભક્ષક કામગીરી હાથ ધરવામાં આવી હતી અને 4,336 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યુ હતું.