- અંદાજે 200 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની ચૂંટણી ફરજમાંથી મુક્તિ આપવા માટે અરજીઓ આવી હતી,150 જેટલા લોકો ફિટ છે કે નહીં તે તપાસવા સિવિલ હોસ્પિટલના ડિનને આદેશ
દરેક ચૂંટણીમાં બીમારીઓ દર્શાવીને ફરજ મુક્તિ માંગવી સામાન્ય બની ગયું છે. પણ આ વખતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. ગંભીર બીમારીથી પીડાતા હોય તેવા અને સગર્ભા હોય તેવા 50 કર્મચારીઓને તો મુક્તિ આપી દેવામાં આવી છે પણ બાકીનાનું પેનલ મેડિકલ કરવાના આદેશ જારી કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અધિક કલેકટર ચેતન ગાંધી અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી મુછાર દ્વારા ખોટી રીતે કોઈ કર્મચારી કે અધિકારી ચૂંટણી ફરજમાંથી મુક્ત ન થાય તે માટે કવાયત શરૂ કરવામાં આવી છે. કલેકટર તંત્રને 200 જેટલા અધિકારીઓએ અને કર્મચારીઓએ મેડિકલ સર્ટિફિકેટ આપીને બીમારી તેમજ અસમર્થતા દર્શાવીને ચૂંટણી ફરજમાંથી મુક્તિ માંગી હતી.
પણ કલેકટર તંત્ર દ્વારા દેખીતી રીતે ગંભીર બીમારી હોય અને સગર્ભા હોય તેવા 50 અધિકારીઓ અને કર્મચારીઓને ફરજ મુક્તિ આપી દીધી છે. પણ બાકીના અંદાજે 150 જેટલા કર્મચારીઓએ છે તેઓનું પેનલ મેડિકલ કરવાના આદેશ જારી કર્યા છે. આ મામલે સીવીલ હોસ્પિટલના ડિનને આવા અધિકારીઓ અને કર્મચારીઓ ફિટ છે કે નહીં તે તપાસવા માટે સૂચના આપવામાં આવી છે.
વધુમાં મળતી વિગતો અનુસાર જે અધિકારી કે કર્મચારીએ મેડિકલ સર્ટિફિકેટ આપીને બીમાર હોવાનું જણાવી ફરજ મુક્તિ માંગી છે. જો તેઓ પેનલ મેડીકલમાં ફિટ જણાશે તો તેઓ સામે કાર્યવાહી થશે. ઉપરાંત ખોટું મેડિકલ સર્ટિફિકેટ આપનાર તબીબ વિરુદ્ધ પણ પગલાં લેવાશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.
આમ કલેકટર તંત્ર દર ચૂંટણીમાં જે આડેધડ ફરજ મુક્તિ આપવામાં આવતી હતી. તેની ઉપર રોક લગાવી દીધી છે.
સાંજે ચૂંટણી તંત્રની રાજકીય પક્ષો સાથે બેઠક 500 જેટલી વસ્તુઓના ભાવ થશે નક્કી
ચા, જમવાનું, વાહન ભાડાથી લઈ સભાના મંડપ, સાઉન્ડ સિસ્ટમ, સ્ટેજ સુધીના તમામ ભાવ નક્કી કરાશે
આજે સાંજે કલેકટર કચેરી ખાતે રાજકીય પક્ષો સાથે ચૂંટણી તંત્ર બેઠક યોજવાનું છે. આ બેઠકમાં ચૂંટણી પંચની ગાઇડલાઈન મુજબ અંદાજે 500 જેટલી વસ્તુઓના ભાવ નક્કી કરવામાં આવશે. મંડપ, સ્ટેજ, ફર્નિચર, સાઉન્ડ સિસ્ટમ, ટીવી વગેરે ઉપરાંત જમવાનું, ચા પાણી, વાહનના ભાડા સહિતના તમામ ભાવ નક્કી કરવામાં આવશે. આ ભાવ નક્કી થાય તે પ્રમાણે ખર્ચ ગણવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ ઉમેદવારે મર્યાદામાં ખર્ચ કરવાનો હોય છે.જેથી પ્રચાર દરમિયાન જે જે વસ્તુઓનો ઉપયોગ થાય છે તેને ખર્ચમાં આવરી લઈને તેના હિસાબો પણ ઓબ્ઝર્વર સમક્ષ રજુ કરવાના હોય છે.
શંકાસ્પદ વ્યવહારોની જાણકારી આપવા બેંકોને ચૂંટણી તંત્ર આપશે સૂચના
લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે ચૂંટણી તંત્ર બેન્કોના મેનેજરોને ખાસ સૂચના આપશે. બેન્ક પ્રતિનિધિઓને ચૂંટણી સમયગાળા દરમિયાન થનારા પ્રત્યેક શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની જાણકારી બાબતે દેખરેખ રાખી ચૂંટણી વિભાગને માહિતીગાર કરવા જણાવશે. કોઈ સામાન્ય નાગરિકો તેમજ અન્ય કોઈને બિનજરૂરી કનડગત ન થાય તેની તકેદારી રાખવા પર ખાસ ભાર મુકવા પણ જણાવશે. છેલ્લા બે માસ દરમિયાન (સાયલેન્ટ એકાઉન્ટ) ટ્રાન્ઝેક્શન થયું ન હોય અને ચૂંટણી દરમિયાન ટ્રાન્ઝેક્શનની અસામાન્ય અને શંકાસ્પદ ઘટનાઓની માહિતીને ચૂંટણી તંત્રના ધ્યાને દોરવા સૂચનાઓ આપશે.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જિલ્લામાં/ મતવિસ્તારમાં આવી તબદિલીના કોઈ પણ પૂર્વ દ્રષ્ટાંત વગર બેન્કના એક ખાતામાંથી અન્ય કેટલાંક વ્યક્તિઓના ખાતામાં આર.ટી.જી.એસ. દ્વારા અસામાન્ય રકમની તબદિલી થઈ હોય તેવી માહિતીનું લીડ બેન્ક થકી ચૂંટણી તંત્રને ધ્યાન દોરવાનું રહેશે. નોમીનેશન ફાઈલ દાખલ કરનાર ઉમેદવાર ઉપરાંત તેમના પરિવારજનો અથવા તેના આશ્રિતના બેન્ક ખાતામાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષના ખાતામાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન સહિતની ઘટનાઓની માહિતી ચૂંટણી તંત્રને મોકલવાની રહેશે.
ઇલેક્શન ઇફેક્ટ : તંત્ર ચૂંટણીની તૈયારીઓમાં ગળાડુબ, નોડલ સાથે બેઠકોનો ધમધમાટ
24 જેટલા નોડલ ઓફિસરો સાથે જિલ્લા ચૂંટણી અધિકારીએ બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું
ચૂંટણી જાહેર થઈ ગઈ હોય, હવે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અંતિમ તૈયારીઓ ચલાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ આજે 24 જેટલા નોડલ ઓફિસરો સાથે બેઠક યોજીને તેઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લા માટે એક્સપેન્ડિચર મોનિટરિંગ અને ટર્નઆઉટ ઇમ્પ્લેમેન્ટેશન પ્લાન રાજકોટ રૂરલ માટે ડીડીઓ નવનાથ ગવહાણે, ટર્નઆઉટ ઇમ્પ્લેમેન્ટેશન પ્લાન રાજકોટ સિટી અને મોડેલ કોડ ઓફ ક્ધડકટ રાજકોટ સિટી માટે ડે.મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નનીલ ખરે, લો એન્ડ ઓર્ડર, વીએમ એન્ડ સિક્યુરિટી પ્લાન અંશ મેન પાવર મેનેજમેન્ટ માટે અધિક કલેકટર ચેતન ગાંધી, મોડેલ કોડ ઓફ ક્ધડકટ રાજકોટ રૂરલ માટે રિજનલ મ્યુનિસિપાલિટીના અધિક કલેકટર આઈ.કે.ચૌહાણ, ઇવીએમ- વિવિપેટ મેનેજમેન્ટ માટે ડીઆરડીએ નિયામક એ.કે.વસ્તાણી, ઇલેકટરોલ રોલ્સ અને બેલેટ પેપર-પોસ્ટલ બેલેટ માટે એ.એસ.મન્ડોત, ઓબ્ઝર્વર માટે બી.એ.અંસારી, સ્વીપ માટે એન.વી. રાણીપા, કંમ્પ્લેઇન રેડરેસલ, વોટર હેલ્પલાઇન, એક્શન ટેકન રિપોર્ટ એન્ડ સી-વિઝીલ માટે એચ.કે. સ્વામી, કોમ્પ્લિકેશન પ્લાન, એસએમએસ મોનીટરીંગ એન્ડ સોશિયલ મીડિયા માટે મનોજ વર્મા, કોમ્પ્યુટરાઇઝેશન, આઇટી, એપ્લિકેશન, વેબ કાસ્ટિંગ એન્ડ ઇટીપીબીએસ માટે પલ્લવ એમ.કેંદુરકર, વેલ્ફેર ફોર ઓફિસર માટે તપન પાઠક, ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ માટે કે.એમ.ખાપડ, ટ્રેનિંગ મેનેજમેન્ટ માટે કે.બી.કંઝારિયા, મટીરીયલ મેનેજમેન્ટ એચ.વી. ઢીહોરા, મીડિયા મેનેજમેન્ટ એન્ડ એમસીએમસી માટે સોનલબેન જોશીપુરા, પર્સન વીથ ડિસેબિલિટી માટે સંતોષ રાઠોડ, માઈગ્રેટરી ઇલેકટર્સ માટે એસ.એસ.મેકવાન અને હેલિકોપ્ટર / એરક્રાફ્ટ માટે એસ.બી.માહલાની અગાઉ નોડલ ઓફિસર તરીકે નિમણૂક થઈ હતી.