કોરોનાએ વિવિધ ક્ષેત્રો પર ગંભીર અસરો ઉપજાવી છે. જેમાંથી શિક્ષણ ક્ષેત્ર પણ બાકાત નથી. કોવિડ-19ની વૈશ્વિક મહામારીએ ઘણા મહેનતુ વિદ્યાર્થીઓને નારાજ કર્યા છે તો ઘણા વિદ્યાર્થીઓને લીલાલેર કરાવી દીધા છે. અંતે રાજ્ય સરકારે ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
આજરોજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં કોરોના પરિસ્થિતિ ધ્યાને લઇ વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 એસ.એસ.સી.ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવામાં આવશે. આ અંગે માહિતી આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે, વિદ્યાર્થીઓના આ વર્ગ માટે રસીકરણની કામગીરી પણ હાલ હાથ ધરવામાં આવી ન હોય. અને કોરોના સંક્રમણનો ભય હોય એવી સ્થિતિમાં વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારે પરીક્ષા રદ કરવાનો નિર્ણૅય કર્યો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ કોર કિમિટીની બેઠકમાં આ નિર્ણયની વિગતો આપતા કહ્યું કે, રાજ્યની ૧૨૭૬ સરકારી, ૫૩૨૫ ગ્રાન્ટ ઇન એઇડ, ૪૩૩૧ સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય ૪૫ શાળાઓ એમ મળી કુલ ૧૦,૯૭૭ શાળાઓમાં ધોરણ-૧૦ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે. વધુમાં જણાવતા તેમણે કહ્યું કે, ધોરણ-10 (એસ.એસ.સી)ની પરીક્ષામાં બેસનારા રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ જરૂરી સમીક્ષા કરીને યોજવામાં આવશે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, આવા રિપિટર વિદ્યાર્થીઓને અગાઉના વર્ષોમાં રેગ્યુલર (નિયમિત) વિદ્યાર્થી તરીકે ધોરણ-૧૦માં પરીક્ષાની તક આપવામાં આવેલી છે પરંતુ તેઓ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી શક્યા નથી.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ રાજ્ય સરકારે ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષાઓ તા. ૧૦મી મે થી રપ મી મે સુધી યોજવાની જાહેરાત કરી હતી. તે પ્રવર્તમાન કોરોના સંક્રમણની પરિસ્થિતીમાં મોકૂફ રાખવાનો નિર્ણય ગત તા.૧૫મી એપ્રિલે કર્યો હતો. પરંતુ હવે ધોરણ 10ની પરીક્ષા રદ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, ધોરણ 1 થી 9 અને ધોરણ-11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ આ વર્ષે માસ પ્રમોશન અપાયું છે. હવે ધોરણ 12ની પરીક્ષા અંગે નિર્ણય બાકી છે.