કોરોના પછીની સ્થિતિમાં નાના ઉદ્યોગોનું સ્ટાર્ટઅપ તથા સ્ટ્રીટ વેન્ડર્સને પુન: બેઠા કરવા મુખ્યમંત્રીનો સંવેદનાસ્પર્શી નિર્ણય: ૨૫ હજાર નાના ઉદ્યોગોને મળશે લાભ
પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ અંતર્ગત રૂ.૧૦ હજાર સુધીની વર્કિંગ કેપિટલ લોન મેળવનારા બે લાખ સ્ટ્રીટ વેન્ડર્સની કુલ રૂ.૬ કરોડની સ્ટેમ્પ ડયુટી માફ કરાશે
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસની સ્થિતીમાંથી અર્થતંત્ર, વેપાર-ઊદ્યોગને પૂન: ધબકતા ચેતનવંતા કરવા જાહેર કરેલા કોવિડ-૧૯ રાહત પેકેજ અંતર્ગત નાના અને સ્ટાર્ટઅપ ઊદ્યોગોને લોન પરની સ્ટેમ્પ ડયુટીમાં માફી આપવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર જે નાના ઊદ્યોગકારો તેમજ સ્ટાર્ટઅપ ઊદ્યોગોને રૂ. પ૦ હજાર સુધીની લોન મંજૂર થઇ હોય તેમને તા.૩૧ ઓકટોબર-ર૦ર૦ સુધી સ્ટેમ્પ ડયુટીમાંથી મુકિત મળશે. રાજ્યમાં આવા રપ હજાર જેટલા નાના ઊદ્યોગ-સ્ટાર્ટઅપ એકમોને સ્ટેમ્પ ડયુટી મુકિતનો લાભ મળવાથી આર્થિક મંદીમાં તેમને ફાયદો-રાહત થશે અને તેઓ મંજૂર લોનનું ડિસર્બસમેન્ટ મેળવી શકશે.
રાજ્ય સરકાર આવી સ્ટેમ્પ ડયુટીની રૂ. ૧.૭પ કરોડની રકમ જતી કરીને કોરોના બાદની સ્થિતીમાં નાના ઊદ્યોગોને બેઠા કરવા તેની પડખે ઊભી રહેશે. એટલું જ નહિ, મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે, રાજ્યના શહેરી શેરી ફેરિયાઓ પોતાનો વ્યવસાય ફરી શરૂ કરી પગભર થાય તે માટેની પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ અન્વયે રૂ. ૧૦ હજાર લોન મેળવનારા રાજ્યના આશરે બે લાખ જેટલા લાભાર્થીને પણ સ્ટેમ્પ ડયુટીમાંથી મુકિત અપાશે.
આવા બે લાખ જેટલા શેરી ફેરિયા સ્ટ્રીટ વેન્ડર્સને રૂ.૧૦ હજારની વર્કીંગ કેપિટલ લોન સામે રૂ. ૩૦૦ની સ્ટેમ્પ ડયુટી ભરવાની થાય છે. આ સ્ટેમ્પ ડયુટીની સમગ્રતયા કુલ રૂા.૬ કરોડની રકમ રાજ્ય સરકારે માફ કરવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીએ રાજ્યમાં કોવિડ-૧૯થી ધંધા-રોજગારને અસરગ્રસ્ત એવા નાના ઊદ્યોગકારો-સ્ટાર્ટઅપને અપાતી રૂ. પ૦ હજાર સુધીની લોન તથા શેરી ફેરિયાઓને આજીવિકા રળવા તેમનો વ્યવસાય પૂન: શરૂ કરવા માટે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ અન્વયે મળતી રૂ. ૧૦ હજારની લોનમાં સ્ટેમ્પ ડયુટીનું વધારાનું ભારણ તેમણે ભોગવવું ન પડે તેવા ઉદાત્ત ભાવથી આ સ્ટેમ્પ ડયુટીની કુલ ૭.૭પ કરોડ રૂપિયાની રકમની માફીના નિર્ણયો કર્યા છે.