રાજકોટ: કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં હાલ નાના મોટા મેડિકલ ક્લિનિક અને મેડિકલ સ્ટોર ખાતે વધુ સંખ્યામાં નાગરિકો એકત્ર થઇ રહ્યા છે. આવા કેટલાક ક્લિનિક અને મેડિકલ સ્ટોર ખાતે ઉનાળાના હાલના સમયમાં છાંયડાની સગવડતા કરવામાં આવી રહી છે. જ્યારે અન્ય કેટલાક સ્ટોર કે ક્લિનિક ખાતે લોકોને તડકામાં ઉભા રહેવું પડે છે.
આ સંજોગોને નજર સમક્ષ રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેડિકલ ક્લિનિક અને મેડિકલ સ્ટોર ખાતે લોકો માટે છાંયાની વ્યવસ્થા કરવા મંડપ નાંખવા માટે રાજકોટ મહાનગરપાલિકાની પૂર્વમંજુરી લેવામાંથી અને મંડપ નાંખવા માટેના મનપાના ચાર્જ ચૂકવવામાંથી તબીબો અને મેડિકલ સ્ટોરના સંચાલકોને મુક્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.માન. મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે એક સંયુક્ત યાદીમાં જણાવેલ છે.
વધુમાં તેઓએ એમ પણ જણાવ્યું હતું કે, મેડિકલ સ્ટોર અને મેડિકલ ક્લિનિક ખાતે વધુ સંખ્યામાં લોકો એકત્ર થઇ રહ્યા હોઈ ત્યાં સોશિયલ ડિસ્ટન્સનું ખાસ પાલન કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા પ્રયાસ કરવામાં આવે તે પણ એટલું જ જરૂરી છે.