સરકારી નોકરી મેળવવા નોકરી ઇચ્છુંકોને અલગ અલગ પરીક્ષાઓ આપવી પડે છે. સરકારે આ મામલે મહત્વનો નિર્ણય લીધો છે. જેથી હવે માત્ર એક જ કોમન ટેસ્ટ દેવાની રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક થઈ હતી. કેબિનેટ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની માહિતી વિગતે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી.
કેબિનેટના નિર્ણય વિશે જણાવતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે આજે નોકરી માટે યુવાઓને ઘણી પરીક્ષાઓ આપવી પડે છે. તેની જગ્યાએ નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી હવે કોમન એલિજિબિલિટી ટેસ્ટ લેશે. આ અંગે મંત્રી જીતેન્દ્ર સિંહે કહ્યું કે આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટનુ મેરિટ લિસ્ટ 3 વર્ષ માટે વેલિડ રહેશે. તેનાથી યુવાઓને લાભ થશે. પ્રકાશ જાવડેકરે કહ્યું કે દેશમાં લગભગ 20 રિક્રૂટમેન્ટ એજન્સી છે. આ બધુ સમાપ્ત કરવા માટે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે.
પ્રકાશ જાવડેકરે કહ્યું કે યુવાઓની આ માંગ વર્ષોથી હતી. જોકે અત્યાર સુધીમાં આ અંગે કોઈ નિર્ણય કરવામાં આવ્યો ન હતો. આ નિર્ણયથી યુવાઓની તકલીફ પણ દૂર થશે અને તેમના પૈસા પણ બચશે. યુવાઓને હવે એક જ પરીક્ષાથી આગળ જવાની તક મળશે.