ફેકટરી માટે નવા લાયસન્સ કે રીન્યુઅલ વખતે ફાયર એનઓસી રજુ કરવાની જોગવાઈ રદ કરતો પરિપત્ર ઈસ્યુ કરાયો: શહેરી વિકાસ તથા શ્રમ મંત્રાલય વચ્ચે સત્તાના વિવાદથી મામલો ગૂંચવાયો હતો
અબતક, અમદાવાદ
ફાયર એનઓસી વિવાદમાં રાજય સરકાર વધુને વધુ રાહત આપવા લાગી હોય તેમ હવે કારખાના-ફેકટરી માટેના નિયમો હળવા બનાવી દીધા છે. નવા કે ચાલુ કારખાના માટે નવા લાયસન્સ મેળવવા કે રીન્યુ કરાવવા પુર્વે હવે ફાયર એનઓસી ફરજીયાત નહીં રહે.
રાજયના શ્રમ, કૌશલ્ય વિકાસ તથા રોજગાર વિભાગ દ્વારા બુધવારે મોડી સાંજે પરિપત્ર ઈસ્યુ કરવામાં આવ્યો છે, ફેકટરીઓને ફાયર એનઓસી કોણ આપે તે મુદે શહેરી વિકાસ મંત્રાલય તથા શ્રમ વિભાગ વચ્ચે સંકલન શકય બનતુ ન હોવાથી વિવાદ હતો અને તેમાં ફેકટરી માલિકોનો મરો થઈ ગયાનો ઘાટ ઘડાયો હતો તેને ધ્યાને રાખીને સરકારે નિયમમાં રાહત આપી છે. આઘાતજનક બાબત એ છે કે દેશભરમાં દુર્ઘટનાનું જોખમ ધરાવતા સૌથી વધુ એકમો ગુજરાતમાં છે અને છેલ્લા દિવસોમાં જ અનેક દુર્ઘટનાઓ સર્જાઈ હોવા છતાં રાજય સરકારે રાહત જાહેર કરી છે.
ગુજરાતમાં ૨૦૧૪ થી ઔદ્યોગીક આગ દુર્ઘટનાઓમાં ૧૨૦ લોકોએ જાન ગુમાવ્યા છે. ગુજરાતના આઠ મહાનગરો તથા નગરપાલિકા વિસ્તારોમાં ફેકટરીઓને ફાયર એનઓસી આપવા માટે કોઈ નિશ્ચિત ઓથોરીટી જ નથી અને તેને કારણે આયાત-નિકાસ લાયસન્સ ઉપરાંત કમ્પ્લીશન સર્ટીફીકેટ મેળવવામાં પણ તકલીફ થતી હોવાની ઔદ્યોગીક સંગઠનો દ્વારા શ્રેણીબદ્ધ રજુઆત કરવામાં આવી હતી તેને પગલે શ્રમ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી અજીત માવાણીની સહીથી પરિપત્ર ઈસ્યુ કરવામાં આવ્યો છે.
હવે લાયસન્સ રિન્યુઅલ પ્રક્રિયા ઝડપી બની શકે તે માટે ફેકટરી કાયદા ૧૯૪૮ હેઠળ ફરજીયાત ફાયર એનઓસીનો નિયમ રદ કરી નાંખવામાં આવ્યો છે. ફેકટરીને ફાયર એનઓસી કોણ ઈસ્યુ કરે તે નકકી થઈ શકતુ નથી. આ પુર્વે જાન્યુઆરી ૨૦૨૧ માં ગુજરાત ફાયર પ્રિવેન્સન એન્ડ લાઈફ સેફટી મેઝર્સ એકટ હેઠળ રહેણાંક, વ્યાપારીક, ઔદ્યોગીક ક્ષેત્ર માટે ફાયર એનઓસીના નિયમો ઈસ્યુ કરવામાં આવ્યા હતા. જુલાઈમાં શહેરી વિકાસ મંત્રાલય દ્વારા લોકલ બોડીને ફાયર એનઓસી ઈસ્યુ કરવાની સતા પાછી ખેચી લીધી હતી.
ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે, ફાયર એનઓસી ઈસ્યુ કરવાની સતા મુદે શહેરી વિકાસ તથા શ્રમ વિભાગ વચ્ચેના વિવાદથી ગુંચવાડો પેદા થયો હતો. ઔદ્યોગીક દુર્ઘટનાઓ રોકવા માટે રાજય સરકાર ફેકટરીકાયદા 1948 તથા ગુજરાત ફેકટરી વાયદા ૧૯૬૩ હેઠળ નિયમિત ઈન્સ્પેકશન કરે જ છે.
રાજય સરકારના નવા પરિપત્ર અનુસાર નવા ફેકટરી લાયસન્સ કે તેના રીન્યુઅલ માટે ફાયર એનઓસી રજુ કરવાનો નિયમ રદ કરવામાં આવે છે. આ પુર્વે ઈમારતોમાં પણ ફાયર એનઓસીનો વિવાદ સર્જાયો હતો. બે સીડીનો નિયમ પણ પાછો ખેંચવામાં આવ્યો હતો તે અત્રે ઉલ્લેખનીય છે.