શિક્ષકોને ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે કામગીરી સોંપવાથી શિક્ષણ પર અસર પડતી હોઈ શિક્ષકોને કામગીરીમાંથી મુક્તિ આપવા શિક્ષણ સચિવને રજુઆત
ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકોને ફ્લડ કન્ટ્રોલની કામગીરી સોંપવામાં આવતા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ સચિવને પત્ર લખી મુક્તિ માટે ભલામણ કરી છે. શિક્ષકોને ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે કામગીરી સોંપાઈ છે અને તેના લીધે શિક્ષણ પર અસર પડતી હોઈ શિક્ષકોને કામગીરીમાંથી મુક્તિ માટે રજૂઆત કરાઈ છે. ફ્લડ કન્ટ્રોલની કામગીરી મોટાભાગે રાતના સમયે સોંપાતી હોવાથી શિક્ષકો બીજા દિવસે શાળાએ આવી શકતા ન હોવાથી અભ્યાસ બગડતું હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે. ગ્રાન્ટેડ શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી ન સોંપવા માટે અનેક વખત રજૂઆતો કરાઈ હોવા છતાં તેમની પાસેથી અન્ય કામગીરી લેવામાં આવતી હોવાના લીધે શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે.
અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા આ મુદ્દે રાજ્યના શિક્ષણ સચિવને પત્ર લખીને રજૂઆત કરાઈ છે. જેમાં જણાવાયું છે કે, બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોને ચોમાસા દરમિયાન ફ્લડ કન્ટ્રોલની કામગીરી સોંપાઈ છે. આ કામગીરી શિક્ષકોએ રાત્રિ સમય દરમિયાન કરવાની હોય છે. એક બાજુ શાળાઓમાં શિક્ષકોની ઘટ છે અને બીજી બાજુ આ રાત્રિ કામગીરીના કારણે શિક્ષકો બીજા દિવસે શાળામાં રજા રાખે છે. જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર થઈ રહી છે. ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓ એ સરકારી કર્મચારીઓ નથી તેમ છતાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે આ કામગીરી ફરજિયાત કોઈ પણ જાતના વેતન વગર કરાવાય છે.
આ મુદ્દે જેતપુરના મામલતદાર સમક્ષ મહામંડ઼ળના પ્રતિનિધિ રજૂઆત કરવા માટે ગયા હતા. જેમાં કલેક્ટર મુક્તિની સૂચના ન આપે તો કામગીરી કરવી પડે, અન્યથા ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે શિક્ષક સામે કાર્યવાહી થઈ શકે છે. આ સંજોગોમાં શિક્ષણના હિતમાં જરૂરી દરમિયાનગીરી કરીને શિક્ષકોને કામગીરીમાંથી મુક્તિ અપાવવામાં આવે તેવી ભલામણ કરી છે. સમગ્ર મામલે અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના મહામંત્રી પ્રિયવદન કોરાટે જણાવ્યું હતું કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં શિક્ષકો પાસેથી આ પ્રકારની કામગીરી લેવાઈ રહી છે. શરૂઆતમાં માત્ર રાજકોટમાં આવી કામગીરી લેવાતી હોવાની માહિતી હતી, પરંતુ તપાસ કરતા સમગ્ર રાજ્યમાં આ પ્રકારે કામગીરી લેવાઈ રહી છે. જેથી તમામ શિક્ષકોને આ કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે તે માટે રાજ્યના શિક્ષણ સચિવ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.