૩ કરોડથી વધુ પડેલા પેન્ડીંગ કેસોને સુલજાવવા તરફ સીજેઆઈ રંજન ગોગોઈનું મહત્વનું પગલુ: સુપ્રીમ, હાઈકોર્ટ કે નીચલી અદાલતોના જજો માટે બહાર પાડી ‘નો લીવ’ ફોર્મ્યુલા
કોર્ટની કામગીરી દરમિયાન ડીસીપ્લીન ન જાળવતા જજો અને વકીલોએ ન્યાયીક કાર્યથી હટી જવું જોઈએ: સીજેઆઈ
દેશભરની તમામ કોર્ટોમાં આશરે ૩ કરોડથી પણ વધુ કેસો પેન્ડીંગ પડેલા છે. આથી જ ન્યાયીક પ્રક્રિયામાં ‘તારીખ પે તારીખ’નો રૂખ જોવા મળે છે. પરંતુ આ પધ્ધતિમાં મોટો ફેરફાર કરી પેન્ડીંગ કેસોનો બોજો દૂર કરવા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ કોર્ટ કામગીરી દરમિયાન ‘નો લીવ’ (કોઈ પણ રજા નહીં)ની ફોર્મ્યુલા બહાર પાડી છે અને કોર્ટની કામગીરીના દિવસો દરમિયાન એક પણ જજને રજા લેવાની મનાઈ ફરમાવી છે.
દેશની ન્યાય પાલિકામાં ત્રિસ્તરીય વ્યવસ્થામાં કરોડો કેસો પેન્ડીંગ છે. ન્યાય મેળવવા માટે દેશની કરોડો જનતા લાંબી કતારમાં ઉભી છે અને ન્યાયની રાહ જોઈ રહી છે. આ તમામને જલદીથી ન્યાય અપાવવા અને આ સાથે કોર્ટનો પણ વધુ પડતો બોજો દુર કરવા સીજેઆઈ રંજન ગોગોઈએ આ પ્રકારનો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, હજુ ૩ ઓકટોમ્બરના રોજ જ રંજન ગોગાઈએ દેશના મુખ્ય ન્યાયાધીશના શપથ લીધા છે અને તેના એક અઠવાડિયામાં જ પેન્ડીંગ કેસોને ઓછા કરવા તરફ મહત્વનું પગલું ભર્યું છે. આ માટે તેમણે તાજેતરમાં દેશની તમામ હાઈકોર્ટના કોલેજીયમ મેમ્બર્સ સાથે ચર્ચા કરી હતી અને પેન્ડીંગ કેસોને જલદીથી સુલજાવવાના ઉપાયો પર વિડીયો કોન્ફરન્સ દ્વારા વિચાર-વિમર્શ કર્યો હતો.
આ દરમિયાન સીજેઆઈ ગોગોઈએ કડક શબ્દોમાં કહ્યું કે જે ન્યાયાધીશો કોર્ટની કાર્યવાહી દરમિયાન અનિયમિત છે તેઓએ ન્યાયીક કાર્યથી હટી જવું જોઈએ. આ સાથે તેમણે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને એમ પણ કહ્યું કે, તેઓ એવા જજની તમામ જાણકારી આપે કે જેઓ કામ દરમિયાન અનુશાસનની અવગણના કરે છે અને સમયસર હાજર નથી રહેતા.
સુપ્રીમ કોર્ટના, હાઈકોર્ટના કે કોઈ પણ નીચલી અદાલતના જજો માટે આ નિયમ રહેશે અને કામ દરમિયાન ઈમરજન્સી સિવાય રજા મળશે જ નહીં તેમ જણાવી સીજેઆઈ ગોગોઈએ કહ્યું કે, કોર્ટની કામગીરીના દિવસો દરમિયાન જજોએ અન્ય સેમિનાર અથવા અધિકારીક કાર્યક્રમોથી દૂર રહેવું જોઈએ અને સુનાવણી દરમિયાન વકીલોએ કહાની રજૂ કરવાને બદલે સીધા તથ્યો પર વાતચીત કરવી જોઈએ કે જેથી કરીને સમયની બચત થાય.
સીજીઆઈ રંજન ગોગોઈએ આ સાથે કામના દિવસો દરમિયાન એલટીસી પર પણ રોક લગાવી છે અને પરિવાર સાથે ફરવા જવાની રજાનું અગાઉથી જ પ્લાનીંગ કરી અન્ય જજો અને ચીફ જસ્ટીસ સાથે સંકલન કરવાનું રહેશે.
પેન્ડીંગ કેસો
કોર્ટ | પેન્ડીંગ કેસ સંખ્યા |
સુપ્રીમ કોર્ટ | ૫૫૦૦૦
|
હાઈકોર્ટ | ૩૨.૪ લાખ
|
નીચલી અદાલતો | ૨.૭૭ કરોડ
|