- 15 જેટલા શખ્સોની કુલ 25થી વધારે મિલકતો અને વાહનો ત્રણ દિવસમાં કરી દેવાશે સિલ
મોરબીમાં ગુજસીટોકના આરોપીઓ સામે પોલીસ તંત્ર દ્વારા દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં આ ગુનેગારોએ બે નંબરની કમાણી કરીને ઉભી કરેલી મિલકતો હાલ જપ્ત કરવામાં આવી રહી છે. પોલીસની આ કાર્યવાહીને પગલે ગુનેગાર આલમમાં સોપો પડી ગયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગુજ્સીટોકના ગુનામાં સંડોવાયેલ આરીફ મીર, ઇમરાન ચાનિયા હાલ ફરાર છે. આ સહિતના 15 જેટલા શખ્સોની મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી હાલ ગૃહ વિભાગના આદેશ મુજબ ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે.
મોરબી એ ડીવીઝનના પીઆઇ એચ.એ.જાડેજાની ટીમે કાલિકા પ્લોટ વિસ્તારમાં ધામા નાખી આરોપીઓની 12 જેટલી મિલકત સીલ કરવાની કામગીરી કરી છે. આ સાથે વાહનો પણ જપ્ત કર્યા છે. હાલ સુધીમાં કુલ 15 મિલકતો સિલ કરવામાં આવી છે. આ ઉપરાંત લાયન્સનગરમાં પણ ભાડે આપેલ મિલકતો સિલ કરવામાં આવી છે.
ડીવાયએસપી પી.એ.ઝાલાના જણાવ્યા અનુસાર ગુજસીટોકના ગુનામાં 15 જેટલા આરોપીની 25થી વધુ મિલકતો ટાંચમાં લેવામાં આવશે. હાલ પોલીસ અને પાલિકા દ્વારા આ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આગામી 3 દિવસ સુધી આ કાર્યવાહી ચાલશે. ત્યારબાદ જે મિલકતો સિલ થઈ છે તેની વિગતો જાહેર કરવામાં આવશે.