કુમળા ફુલ જેવા બાળકોની કોરી પાટીમાં તેમના ઉજ્જવળ ભવિષ્યનો એકડો લખીએ – કાર્યકારી વી.સી. શ્રી નિલાંબરીબેન દવે
અત્રે રૈયાગામ સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં – ૮૯ ડો. જીવરાજભાઈ મહેતા પ્રાથમિક શાળામાં મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવકાર્યક્રમ સંપન્ન કરાયો હતો.
આ શાળામાં કુલ ૧૦૬ બાળકોનું નામાંકન કરાયું હતું. જેમાં ધો ૧ માં ૪૮ બાળકો અને આંગણવાડી કેન્દ્રમાં ૫૮ બાળકોનું નામાંકન કરાયું હતું.
આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી બાળકોને આવકારતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી વાઈસ ચાન્સેલર શ્રી નિલાંબરીબેન દવેએ જણાવ્યું હતું કે, કુમળા ફુલ જેવા બાળકોની કોરી પાટીમાં તેમના ઉજ્જવળ ભવિષ્યનો એકડો આપણે લખવાનો છે.
શિક્ષકો આ બાળકો દ્વારા ભારતને નવું ભવિષ્ય આપી રહેલ છે. શિક્ષકો કદી સાધારણ હોતા નથી. આપણે આ કુમળા ફુલ જેવા બાળકોને તેમના ઘડતર માટે ઉછેરવાના છે અને તેમનું સુંદર ભવિષ્ય કંડારવાનું છે.
તેમણે આ તકે બાળકોને શુભેચ્છા પાઠવીને ભારતનું વિશ્ર્વમાં નામ રોશન કરવા જણાવ્યું હતું.
રૈયા ગામ સ્થિત શાળા નં ૮૯ –ડો જીવરાજભાઈ મહેતા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંપન્ન :કુલ ૧૦૬ બાળકોનું નામાંકન કરાયું
આ પ્રસંગે મહેમાનોએ બાળકોને શાળામાં આવકાર્યા હતા અને મહેમાનોના હસ્તે નામાંકન કરાયેલા બાળકોને શિક્ષણની કીટ્સ વિતરણ કરેલ તથા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું.
આ પ્રસંગે બાળકો દ્વારા મનુષ્ય તું બડા મહાન હૈ સમુહ ગીત, રાષ્ટ્રભક્તિનું ગીત અભીનય સાથે બેટી બચાવો અંગે વક્તવ્ય, યોગ નિદર્શન વિગેરે રજુ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી અલ્કાબેન કામદાર, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી આશીષભાઈ વાગડીયા, અગ્રણીઓશ્રી ચારૂબેન ચૌધરી, ભાવેશભાઈ ૫રમાર, હિતેશભાઈ મારૂ, સમીરભાઈ ગઢીયા,કાનજીભાઈ વરૂ, કેતનભાઈ બોરીસાગર, ડો. સમીરભાઈ ગઢવી, કુંદનબેન, કેળવણી નિરીક્ષકશ્રી પુર્વીબેન ઉચાટ, દાતાઓ, વાલીઓ, શિક્ષકો, અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.