1 થી 10 જાન્યુઆરી દરમિયાન તાલુકા કક્ષાએ કારોબારી બેઠક યોજાશે: વિધાનસભા વાઇઝ હારની સમિક્ષા કરાશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને મળેલી કારમી હાર બાદ હવે કોંગ્રેસ દ્વારા પરાજયનું પોસ્ટમોર્ટમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરમિયાન આવતીકાલથી 30મી ડિસેમ્બર સુધી સતત એક સપ્તાહ રાજ્યના તમામ 133 જિલ્લાઓ અને આઠ મહાપાલિકામાં કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાશે. ત્યારબાદ 1 થી 10 જાન્યુઆરી દરમિયાન તાલુકા કક્ષાએ કારોબારી બેઠક મળશે. જેમાં વિધાનસભા વાઇઝ હારની સમિક્ષા કરવામાં આવશે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોંગ્રેસ દ્વારા હવે પરાજયનું પોસ્ટમોર્ટમ કરવા માટે સમિક્ષા બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. ફેબ્રુઆરી માસથી ગુજરાતમાં કોંગ્રેસનું ‘હાથ સે હાથ મિલાઓ’ અભિયાન શરૂ થઇ રહ્યું છે તે પૂર્વે પક્ષને ફરી બેઠો કરવા માટે મહેનત શરૂ કરી દેવામાં આવશે. આવતીકાલથી સતત આઠ દિવસ સુધી જિલ્લા કક્ષાએ કોંગ્રેસની કારોબારી બેઠક મળશે. ત્યારબાદ 1 થી 10 જાન્યુઆરી દરમિયાન તાલુકા કક્ષાએ કારોબારી બેઠક બોલાવવામાં આવશે. જેમાં વિધાનસભાની ચૂંટણી લડેલા ઉમેદવારો, ઇન્ચાર્જ જે-તે શહેર, મહાનગર કે તાલુકાના પ્રમુખો પાસેથી હારના કારણો પૂછવામાં આવશે. ભવિષ્યમાં આવો કારમો પરાજય ન થાય તેના માટેનો રોડમેપ તૈયાર કરવામાં આવશે.