જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં રૂ.૯.૭૮ કરોડના વિકાસ કામોને લીલીઝંડી : બેઠકમાં જામકંડોરણા તાલુકાની
આંગણવાડીઓમાં ચાલતી લીલીયાવાડી, તલાટીની બદલીમાં ગેરરીતિ અને ત્રંબા પીએચસી સેન્ટર સહિતના પ્રશ્નો ગુંજયા
જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં આજે રૂ. ૯.૭૮ કરોડના કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે બેઠકમાં આંગણવાડીમાં ચાલતી લીલીયાવાડી, તલાટીની બદલીમાં ગેરરીતિ અને ત્રંબા પીએચસી સેન્ટર સહિતના પ્રશ્નો ગુંજયા હતા. જેને લઈને કારોબારી ચેરમેન કે.પી.પાદરિયાએ શાખા અધિકારીઓને રીતસર તતડાવી નાખ્યા હતા.
રાજકોટ જિલ્લા પંચાયતની આજે કારોબારી સમિતિની બેઠક મળી હતી. કારોબારી સમિતિના ચેરમેન કે.પી.પાદરિયાના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં ડીડીઓ અનિલ રાણાવસિયા, ડે.ડીડીઓ ગોહિલ, કારોબારી સભ્યો તેમજ શાખા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક શરૂ થતા વેંત જ ચેરમેન કિશોરભાઈ પાદરિયાએ ત્રંબામાં પીએચસી સેન્ટરની જગ્યા ઉપર દબાણ થયા મુદ્દે આરોગ્ય અધિકારી ભંડેરીને તતડાવ્યા હતા. સામે ભંડેરીએ પોતાના બચાવમાં કહ્યું હતું કે મામલતદારને પક્ષકાર બનાવીને કોર્ટ કાર્યવાહી ચાલુ છે. દબાણકર્તાને નોટિસ પણ અપાઈ છે. આ ઉપરાંત જામકંડોરણા તાલુકામાં આંગણવાડીમાં ચાલતી લીલીયાવાડી અંગે પણ આઇસીડીએસના મહિલા અધિકારીને તપાસ કરવા જણાવ્યું હતું. આ વેળાએ આંગણવાડીઓમાંથી ૨૫ ટકા માલ બારોબાર વેચાઈ જતો હોવાના આક્ષેપ પણ થયા હતા. આ ઉપરાંત ચેરમેને તલાટીની બદલીમાં થયેલી ગેરરીતિનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
આ બેઠકમાં રૂ. ૨૦૬ લાખના ખર્ચે વીંછીયા તાલૂકા પંચાયત બિલ્ડીંગ, રૂ.૨૧ લાખના ખર્ચે વીંછીયા અને જસદણ તાલુકાના ૩૮ રોડનું પેચ વર્ક, રૂ.૧૫ લાખના ખર્ચે નવી મેંગણી- પાટીયાળી રોડ તેમજ જુના પીપળીયા- નવા રાજપીપળીયા-વાદીપરા રોડનું કામ, રૂ. ૫૨ લાખના ખર્ચે હરિપરથી જુના રાજપીપળા રોડનું કામ, રૂ. ૬૪ લાખના ખર્ચે જસદણ અને વીંછીયા તાલુકાના રોડના કામ મળી કુલ રૂ. ૯.૭૮ કરોડના વિકાસકામોને મંજૂરી આપવામાં આવી હતી.
અવેરનેશ : બેઠકમાં પ્રવેશતા તમામને સેનેટાઇઝેશરથી હેન્ડવોશ કરાવાયું
હાલ કોરોનાનું જોખમ જણાઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારે તમામ આગમચેતીના પગલાં લીધા છે. ખાસ કરીને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. ત્યારે જાગૃતિ કેળવવા જિલ્લા પંચાયતની કારોબારી બેઠક શરૂ થાય તે પૂર્વે જ આરોગ્ય વિભાગના સ્ટાફે તમામને સેનેટાઇઝેશનથી હેન્ડવોશ કરાવ્યું હતું. આ વેળાએ હેન્ડવોશ કરી રહેલા જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા પણ સેનેટાઇઝેશનથી હેન્ડવોશ કરી રહ્યા હોવાનું તસ્વીરમાં નજરે પડી રહ્યું છે.