ખૂન, અગ્નિ સંસ્કાર, દામોદર કુંડે તર્પણ કર્યુ પછી તે જ વ્યક્તિ જીવતી ઘેર પાછી આવી!
ફોજદાર જયદેવને એકસીડેન્ટની સારવાર બાદ એક મહિનો આરામ કરવાનો હતો તે પૂરો થતા રાજકોટ જીલ્લા પોલીસ વડા સમક્ષ હાજર થયો. કરેલ અને થયેલ વિનંતી ભલામણ મુજબ જયદેવની લોધીકા પોલીસ સ્ટેશનથી ઉપલેટા એડીશ્નલ ફોજદાર તરીકે નિમણુંક થઈ ઉપલેટામાં એક ફોજદાર આર.જી વાઘેલા હતા જ.
ઉપલેટા પણ ભાદર નદીનાં કાંઠે આવેલું સુંદર શહેર છે. જુના ગોંડલ સ્ટેટનું નગર હોય તમામ ક્ષેત્રે પ્રગતિશીલ છે. વાઘેલાને જયદેવની કાર્યશૈલી અને પધ્ધતિનો તે જયારે ધોરાજી અને વાંકાનેરમાં હતો તે સમયની ત્યાંની કામગીરીને કારણે પરિચય હતો. એ ગમે તે હોય પરંતુ વાઘેલા જયદેવના ઉપલેટા આવવાથી અત્યંત ખુશ થયા હતા વાઘેલા ચુસ્ત સ્વામીનારાયણ વ્યકિત અને મીઠાઈ ખાવાના શોખીન તો જયદેવ પણ મીઠાઈનો શોખીન બન્નેને જામી ગયું બંને જણા લગભગ સાથે જ હોય.
એકાદ અઠવાડીયું વિશ્રામ ગૃહમાં રહેવા દરમ્યાન ઉપલેટા પોલીસ સ્ટાફનો પરિચય થયો સ્ટાફ બહુ સારો હતો સ્ટાફ પણ જયદેવના આવવાથી ખૂબ ખૂશ થયો હતો સ્ટાફમાં એક જમાદાર ચંપકસિંહ હતો તેમણે જયદેવને ઓળખ આપી કે ધોરાજીમાં જે કોન્સ્ટેબલ ચંદ્રભાણ હતો તેના તેઓ પિતા છે. ચંપકસિંહ જમાદાર જમાનાના ખાધેલા અનુભવી નીખાલસ અને સજજન વ્યકિત હતા. જયદેવે ચંપકસિંહની નિખાલસતાનો ઉપયોગ કરી પૂછી લીધું કે ફોજદાર વાઘેલા પોતાના આવવાથી આટલા ખુશ કેમ છે? ચંપકસિંહે કહ્યું વાઘેલા સાહેબ પાકકા સ્વામિનારાયણ છે. અને તમે પણ ખાતા-પીતા નથી તે મોટી વાત છે. બીજુ તમે બીજી ભાંગફોડમાં પડતા નથી એટલે બીન જોખમી છો અને સૌથી વધારે ખુશ એટલે છે કે અહિંના ધારાસભ્ય કમ મંત્રી શ્રી આ વાઘેલાથી રાજી નથી જેથી રાજકીય રીતે તેમની બદલી કરી તેમની જગ્યાએ આ મીનીસ્ટરે બીજા એક ઓલરાઉન્ડર વાઘેલા કે જે તેમના ખાસ અંગત છે તેનો હુકમકરાવેલો પરંતુ તે બદલી હુકમ સામે આર.જી. વાઘેલાએ કોર્ટમાંથી સ્ટે હુકમ મેળવ્યો છે. હવે રાજકીય તૃષ્ટીકરણ માટે દબાણ એવું ચાલે છે કે ઉપલેટા એડીશ્નલ ફોજદાર તરીકે પેલા સીનીયર અને ઓલરાઉન્ડર વાઘેલાને મૂકવા અને તેના બદલે ઉપલેટા તમે આવી ગયા આથી તમારા આવવાથી આ આર.જી. વાઘેલા, પોલીસ અને પબ્લીક બધા ખૂશ છે. પરંતુ રાજકીય રીતે હજુ તમારી બદલીની વાતો ચાલે છે. પરંતુ જીલ્લા પોલીસ વડા કોઈ રાજકારણી લક્ષ ધ્યાન આપતા નથીઆથી જયદેવ સમજી ગયો કે પોતાને અહિં વધારે સમય રહેવાનું નથી. એટલે તેણે વાંકાનેર માફક ખંભે બેટ રાખી ને ક્રિકેટ રમવાનું હતુ.
એક દિવસ વાઘેલા અને જયદેવ બંને પોલીસ સ્ટેશનમાં બેઠા હતા અને જમાદારનો ફોન આવ્યો કે લાશનું માથુ છૂંદાયેલું છે. ચહેરો પણ છૂંદાયલો છે. લાશ ઓળખી શકાય તેમ નથી વળી ખૂન થયું લાગે છે. એટલે વાઘેલા અને જયદેવ બંને જણા જીપમાં બનાવવાળી જગ્યાએ જીપમાં રવાના થયા રસ્તામાં વાઘેલાએ કહ્યું કે વહેલી સવારે હાઈવેની બાજુમાં લાશ પડેલી તેવી વર્ધી આપેલ તેથી અકસ્માત મોત એડી. એકસિડેન્ટલ ડેથ દાખલ કરી જમાદારને તપાસમાં મોકલેલ હતા.
બનાવનું સ્થળ ઉપલેટાથી ૨ કી.મી. દૂર પોરબંદર હાઈવે ઉપર રોડની બાજુમાં ખેતરમાં હતુ લાશ એક ૨૦ વર્ષની ઉંમરના યુવકની હતી જેનું માથુ તથા ચહેરો છૂંદાયેલા હતા ઓળખ થઈ શકે તેવી કોઈ સ્થિતિ ન હતી. લાશની બાજુમાં એક જોડી કપડા સાથેની થેલી હતી તથા પહેરેલ શર્ટના ખીસ્સામાં એક ચિઠ્ઠી મળી જેમાં ફકત નામ લખેલ હતુ ‘દુદા હરભમ રહે વાલાસણ તા. ઉપલેટા’ જેથી લાશનું ઈન્કવેસ્ટ પંચનામું કરી લાશને પોસ્ટ મોર્ટમ માટે સરકારી દવાખાને મોકલી આપી. આ પી.એમ. નોટમાં ડોકટરે લાશનું મૃત્યુનું કારણ માથામાં થયેલ ઈજાને કારણે દર્શાવેલ હોયવાઘેલાએ શ્રી સરકાર તરફે ખૂન એટલે કે ભારતીય ફોજદારી ધારાની કલમ ૩૦૨, ૨૦૨ વિગેરે મુજબ ફરીયાદ આપી એફ.આઈ.આર. દાખલ કરાવી તપાસમાં સીપીઆઈ ચૌહાણ ડીવાયએસપી નાયક પણ આવી ગયા તપાસ માટે ડોગ સ્કોડ અને ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના અધિકારીને પણ બોલાવ્યા, સંબંધીત તમામ પોલીસ સ્ટેશનનો ને બનાવની વાયરલેસથી જાણ કરી તથા એક જમાદારને ચીઠ્ઠીમાં જણાવેલ વાલાસણ ગામે મરનારના સંબંધીઓને જાણ કરવા તથા તેડવા મોક્લ્યા.
બે કલાકમાં વાલાસણ ગામેથી મરનારના સંબંધીઓ ભાઈ પિતા પણ આવી ગયા અને મોઢુ તો છુંદાયેલુ હતુ પરંતુ પેહેરેલ કપડા, થેલી થેલીમાના કપડા તથા ચિઠ્ઠીના અક્ષર જોઈ આ લાશ દુદાની હોવાનું તેમના સંબંધીઓએ જણાવ્યું તેમજ નિવેદન આપ્યુ કે દુદો ત્રણેક દિવસ પહેલા માધવપૂરના મેળામાં ગયો હતો. આજ દિવસ સુધી આવેલ નથી અને અમો આજથી જ શોધખોળ શ‚ કરવાના હતા ત્યાં આ સમાચાર આવ્યા તેમજ નિવેદનમાં દુદાના ખૂન માટે શીલ પોલીસ સ્ટેશન વિસ્તારનાં પાંચ રહીશોના શકદાર તરીકે નામ આપ્યા કે જે પણ તેમની કોમના જ હતા. પરંતુ તે શક અને વહેમ જ હતો કોઈ સ્પષ્ટ પૂરાવો દુદાને આ શકદારો એજ મારી નાખ્યાનો હતો નહિ. વળી માધવપુર મેળામાં દુદો એકલોજ ગયો હતો તેથી બીજુ કોઈ સાક્ષી પણ હતુ નહિ.
બે ત્રણ દિવસ પોલીસે માધવપુર-શીલ વિગેરે સ્થળોએ તપાસ કરી પરંતુ ખાસ કોઈ પૂરાવો મળ્યો નહિ. દરમ્યાન રાજકારણ સક્રિય થયું અને તપાસ કરનાર અધિકારીઓને વાયા મીડીયા દબાણ કરી પાંચ શકદારો ને જ પકડી લેવા અને પૂરી દેવાની ગતિવિધિ શ‚ થઈ પરંતુ એફ.આઈ.આર. વાઘેલાએ આપી દીધેલ તેમાં કોઈ શકદારના નામ હતા નહિ. જેથી પોલીસને કોઈને ખોટા પકડવાની ઉતાવળ હતી નહિ.
દરમ્યાન ધારાસભ્ય કમ મંત્રીના ઉપલેટાના વહીવટદાર અને પીએ કે જેઓ જયદેવના ગામના સંબંધી હતા તે જયદેવને મળ્યા અને દૂતની ભૂમિકામાં કહ્યું કે જુઓ મંત્રીશ્રીને તમારી સાથે કાંઈ વાંધો નથી આતો આર.જી. વાઘેલાની સત્તા ઉપર કાપ મૂકવા સિનિયર વાઘેલાને મૂકવાના છે. તેથી જયદેવે કહ્યું પણ તેતો મારા જ ભોગે આવશેને? તેથી પી.એ.એ કહ્યું કે હા બીજું શું થાય પણ તમા‚ પણ કાંઈક ગોઠવી દઈશુ. જયદેવ ખૂબ નવાઈ પામ્યો કે ખરેખર લોકશાહીમાં રાજકારણની કેવી બોલબાલા છે કે લાયકાત વગરનો ચોકીદાર એક ફોજદાર ને ગોઠવવાની વાત કરે છે! જયદેવે કહ્યું ભલે ભલે પણ ખાસ શા માટે આવવું થયું? તો આ પી.એ.કમ ચોકીદારે કહ્યું કે આ વાલાસણ વાળાની ફરિયાદ મુજબ પાંચેય આરોપીને પકડી લેવાના છે. જયદેવે કહ્યું જોઈશું અને રવાના કર્યા પરંતુ જયદેવે મનોમન નકકી કર્યું કે આમતો વાઘેલા જ આરોપીઓને પકડવા માગતા નથી પરંતુ પોતે પણ તેમાં સામેલ થઈને ધરપકડ ન થાય તે માટે પ્રયત્ન કરશે અને પૂરાવા વગર કે ખોટા પૂરાવા ઉપર આરોપી પકડાવા જોઈએ નહિ.
ડીવાયએસપી નાયકનું આ ગુન્હામાં વિજીટેશન હતુ તેઓ સીપીઆઈ ચૌહાણ તથા વાઘેલાને ‘દુદા’ના ખૂન કેસમાં પાંચેક શકદાર આરોપીઓને પકડી લેવા દબાણ કરતા હતા અને તે પણ જલ્દી પકડવા માટે. સાચો દાશર્નિક પૂરાવો અને નહિં તો સાંયોગીક પૂરાવો તો જોઈએ ને? ફકત શકના આધારે અરોપી પકડાય નહિ. આ વિવાદ જીલ્લા પોલીસ અધિક્ષક સુધી ગયો અને તેમણે જણાવ્યું કે પૂરાવો અને તે પણ ચકાસી ખાત્રી કરી સાચો હોય તો જ આરોપી પકડવા. અને આ હુકમ થતા રાજકારણીઓ બેસી ગયા. પરંતુ રાજકારણીઓ ચર્ચા કરતા હતા કે જયદેવની જગ્યાએ સિનિયર ઓલરાઉન્ડર ફોજદાર વાઘેલા હોત તો અત્યારે કામ થઈ ગયું હોત અને હવે જયદેવને બદલાવી ઓલરાઉન્ડર વાઘેલાને લાવવાનું પણ પાકુ થઈ ગયું.
આ બાજુ વાલાસણ ગામે દુદાની લાશને વિધિ પૂર્વક અગ્ની સંસ્કાર કરી દેવામાં આવ્યો દુદાના ઘેર બાર દિવસ કાણ મોકાણ ચાલી દુદાના સંબંધીઓ જૂનાગઢ જીલ્લા, પોરબંદર જીલ્લાના બરડા તથા ઘેડ વિસ્તારમાંથી નાનુ મરણ હોય ફાળીયા ઢાંકીને મોટા અવાજે રડીને ખરખરો કર્યો. બૈરાઓ એ ત્રણ ત્રણ પેઢી સુધીના મૃત સંબંધીઓના નામના મરશીયા ગાઈ ગાઈને છાતીઓ કુટી. બારમે દિવસે સેજ પથરાણી અને દાડો કીરજ પણ થયો. ભાદરવી અમાસે જૂનાગઢના દામોદર કુંડે ફૂલ (અસ્થિ) પણ પધરાવી દીધા. તમામ ધાર્મિક વિધિ પૂરી થઈ ગઈ ‘દુ:ખનું ઓસડ (ઔષધ) દાડા’ એ રીતે ઘરનાં સભ્યો પણ દુદાને ભૂલવા માંડી પોત પોતાના કામ ધંધે લાગી ગયા હતા.
ત્રણેક મહિના બાદ મરનાર દુદાના સંબંધીઓ ટોળે વળીને પોલીસ સ્ટેશને આવ્યા સાથે એક વ્યકિત જેણે લધર વઘર કપડા પહેરેલ, દાઢીના તથા માથાના વાળ વધી ગયેલા અને અસ્ત વ્યસ્ત હતો તેને લઈને આવ્યા. પ્રથમ એમ લાગ્યું કે ખૂન કેસમાં કોઈક સાક્ષી પૂરાવો લાવ્યા લાગે છે. પરંતુ ચમત્કાર! આવેલ માણસો એ કહ્યું સાહેબ ‘આ દુદો તો જીવતો આવ્યો’ બધા બોલી ઉઠ્યા હે?’ તો પેલી લાશ કોની? પોલીસતો ઠીક પણ દુદાના ઘરના સભ્યો પણ વિમાસણમાં હતા કે આ ખરેખર દુદો જ છે કે બીજું કાંઈ? પોલીસ કાયદેસર ખાત્રી કરી લે તો સા‚ કેમકે દુદાની તમામ સામાજીક અંતિમ ધાર્મિક ક્રિયાઓ કરી નાખેલ હતી.
વાઘેલા બહુ હોંશિયાર હતા તેણે જયદેવને કહ્યું બીજુ બધુ તો ઠીક પરંતુ પેલા પાંચ ખોટા આરોપીઓ ન પકડયા તે સા‚ કર્યું ને? નહિ તો હવે પોલીસને ફસાવાનું હતુ. આ લાશ તો જીવતી થઈ દુદો જીવતો છે તો લાશ કોની? પોલીસ અધિકારીઓ ની દોડધામ પાછી વધી ગઈ પબ્લીક પત્રકારો ટોળે વળ્યા.
દુદાની વિગત પોલીસે જાણીતોઆ વાત હિન્દી ફિલ્મની ‘કાલ્પનીક વાતો’ને પણ ટકકર મારે તેવી હતી.
દુદો તેના ગામેથી એક જોડી કપડા થેલીમાં નાખી માધવપૂર મેળામાં ગયો હતો. મેળાનાં બીજા દિવસે તે ઉપલેટા આવવા રોડ ઉપર ઉભો હતો. ત્યાં એક બંધ મોટરકાર પડી હતી. અને ચારેક માણસો ઉભા હતા આ માણસો એ દુદાને કારને ધકકો મરાવવાનું કહેતા દુદાએ કારને ધકકો મરાવેલ અને કાર ચાલુ થતા માણસોએ દુદાને પણ ધકકો મારી કારમાં બેસાડી દીધેલ અને છરી બતાવી ચુપ રહેવા કહેલ અને આંખે પાટા બાંધી દીધેલ ચાર પાંચ કલાકની મુસાફરી બાદ એક શહેરના કોઈક ગોડાઉનમાં લઈ આવેલ અને દુદાને નામઠામ વિગેરે પુછપરછ કરી દુદાનો અભ્યાસ સાવ ઓછો હતો અને યાદ શકિત પણ ખાસ કાંઈ હતી નહિ. તેથીઆ લોકોએ ‘દુદા’ સાવ નકામો માણસ ગણી મજૂરી કામમાં લગાડયો જેમાં તેણે ગોડાઉનના કાર્ટુન ખોખાની હેરાફેરી કરવાની રહેતી દુદાને કાગળમાં ચીઠ્ઠી લખવા કહ્યું પરંતુ લખતા નહિ આવડતુ હોવાનું અને ફકત નામ લખી શકતો હોવાનું જણાવતા એક કોરા કાગળની ચીઠ્ઠીમાં દુદા પાસે તેનું નામ અને ગામનું નામ લખાવેલ અને દુદાના પહેરેલ કપડા ઉતરાવી ને બીજા કોઈના કપડા જે તેને મોટા થતા હતા તે પહેરાવેલ અને લખાવેલ ચીઠ્ઠી અને કપડા વાળી થેલી પણ લઈ લીધેલ.
દુદાને ગોડાઉનમાં કાર્ટુનની હેરાફેરીનું જ કામ કરવાનું હતુ અને જમવામાં પરોઠા અને શાક મળતુ હતુ એક ગોડાઉનમાં કામ પૂ‚ થાય એટલે દુદાને બીજા ગોડાઉનમાં લઈ જવા તેની આંખે પાટા બાંધી દેતા અને બીજા ગોડાઉનમાં કાર્ટુન ઉપાડવાનું કામ ચાલુ થતું.
છેલ્લે દુદો જે ગોડાઉનમાં હતો તે ગોડાઉનમાં તે ચોથા માળે હતો ત્યાંજ ખાવા પીવા વિગેરેનું. આ જગ્યાએ દુદા સાથે મજુરી કામ કરતા લોકોને દુદાની દુર્દશા તથા ભોળપણની દયા આવી અને દુદાને મૂકત કરવા યોજના કરી. ગોડાઉનમાં દોરડા તો હતાજ. દુદાને પુછયુ ચોથા માળેથી દોરડાથી ઉતરી જઈશ? દુદાને કુવામાં દોરડાથી ઉતરવા ચડવાની આદત હતી અને એક અંધારી રાત્રે બધા ચોકીદારો નીચે ચાલ્યા ગયા. મજૂરો જતા રહ્યા બાદ મજૂરોએ જે દોરડું બાંધી આપેલ તે દુદાએ નીચે નાખ્યું. અને પોતે અંધારાનો લાભ લઈ દોરડાથી ઉતરીને ભાગી નીકળ્યો આખી રાત શહેરમાં ફર્યો અને દુકાનના પાટીયા વાંચવાથી ખબર પડી કે આ તો અમદાવાદ છે. રખડતો રખડતો જતો હતો ત્યાં એક જગ્યાએ ગીતા મંદિર એસ.ટી. બસ સ્ટેન્ડ લખેલું જોયું અને તેના જીવમાં જીવ આવ્યો કે હાશ હું આ નર્કમાંથી હવે છૂટીશ. પરંતુ દુદાના ખીસ્સામાં એક પૈસો પણ નહતો પરંતુ જયારે દુદાના કપડા ઉતરાવ્યા ત્યારે દુદાની કાંડે બાંધેલ ઘડીયાળ કઢાવવાનું આ લોકો ભૂલી ગયેલા તે હજુ બાંધેલી જ હતી. પ્રથમ બેચાર જણા પાસે બસ ભાડાના પૈસા માંગ્યા પણકોઈએ મદદ નહિ કરતા પોતે કાંડા ઘડીયાળ કાઢી એક લારી વાળાને આપી અને લારી વાળાએ જૂનાગઢની ટીકીટનાં ‚પીયા ૩૦ આપ્યા દુદો જૂનાગઢ આવ્યો.
પણ જૂનાગઢ આવી દુદાને તો પૈસાની રામાયણ હતી જ ‘મોઢાનો મોળો’ દુદો કોઈને કાંઈ કહી શકે નહિ અને માગી પણ શકે નહિ. તેને યાદ આવ્યુંકે જૂનાગઢની બાજુમાં ત્રણ ચાર કિલોમીટર દૂર શાહપૂર ગામ છે. અને તેના ગામની દીકરી મંજૂલાને શાહપૂર પરણાવેલ છે તેથી દુદો ચાલતો શાહપૂર ગામે આવ્યો. ગામ લોકો આ લઘર વઘર કપડા પહેરેલ અને દાઢી વાળ વધી ગયેલ ગાંડા જેવા માણસને ધારી ધારીને જોતા હતા. દુદો પુછતો પુછતો મંજુલાના ઘેર પહોચ્યો મંજુલાને તો દુદો તુરત ઓળખી ગયો પણ મંજુલા દુદાને આવી હાલતમાં ઓળખી શકી નહિ. એટલે દુદાએ પોતાનું પૂ‚ નામ કહ્યું તેથી મંજુલાએ ચમકીને નીરખી ને જોયું આથી એકદમ ગભરાઈ ગઈ અને રડતી રડતી ઓરડા તરફ ભાગી અને બોલી ભુત છે. ભુત છે. હાજર લોકો નવાઈ પામ્યા ભૂત? મંજુલાને ખબર હતી કે દુદાનું માધવપૂરના મેળામાં ગયો પછી ખૂન થઈ ગયેલ અને દુદાની લાશના અંતિમ સંસ્કાર પણ થઈ ગયેલ છે. પોતે વાલાસણ ગયેલી ત્યારે તેના ઘેર ખરખરો પણ કરી આવેલી ત્યારે બારમું અને કારજ પણ થઈ ગયેલ અને ફુલ પણ દામાકુંડમાં પધરાવી દીધેલ હતા તો આ જીવતો કેવી રીતે હોય?
મંજુલાએ હાજર માણસોને બધી વિગતે વાત કરી, ઘરના ને પણ યાદ આવ્યું કે દુદાનું ખૂન થયેલ ગામના લોકો ભેગા થયા દુદાને જુદા જુદા પ્રકારે પુછપરછ કરી ખાત્રી કરી કે ભૂતતો નથીને? અને શાહપૂરથી લોકો દુદાને વાલાસણ લઈ આવ્યા.
વાલાસણ ગામે પણ દુદાને તેના ઘરનાં જોઈ પ્રથમ ખુશ થઈ ગયા પછી ગભરાણા કે કયાંક ભુત બૂત તો નથીને? કેમકે દુદાની લાશતો સળગાવી દીધી હતી. આથી વાલાસણથી આ લોકો દુદાને લઈ ઉપલેટા પોલીસ સ્ટેશને આવ્યા.
ફોજદાર વાઘેલાએ દુદાની ડોકટરી સારવાર કરાવી બાદ રડીમેઈડ નવા કપડા લઈ વાણંદ પાસે દાઢી વાળ કપારાવ્યા ત્યાં તો ઉપલેટા પોલીસ સ્ટેશન બહાર માણસો એટલા ભેગા થયેલાકે જાણે મેળો ભરાયો હોય !
ઉચ્ચ પોલીસ ઓફીસરો ઉપલેટા આવી ગયા. હવે ખૂન કેસનું શું કરવું? જેનું ખૂન થયું હતુ તે તો જીવતો છે! ફોજદાર વાઘેલાએ દુદાની અપહરણની ફરિયાદ નોંધી માધવપુર પોલીસ સ્ટેશને મોકલી આપી. હવે પોલીસે જે લાશનું પોસ્ટ મોર્ટમ થયુંં તે કોની લાશ તેની તપાસ શ‚ થઈ. દુદા ને લઈ પોલીસ અમદાવાદમાં દિવસ-રાત રખડી પરંતુ દુદો કોઈ જગ્યા ઓળખી શકયો નહિ.
પરંતુ એવું જાણવા મળેલ કે તે વખતે સોના-ચાંદીની દાણચોરી ચાલુ હતી. તેમાં ચાંદીની અમુક પાટો ગુમ થયેલી તેથી દાણચોરીએ જે શકદાર હતો તેને મારી નાખી તેના કપડા દુદાને પહેરાવ્યા. અને દુદાના કપડા તે લાશને પહેવરાવેલ એ લાશને ઉપલેટા નજીક આવી ને ફેંકી ગયેલા.
આ બાજુ ઉપલેટાના રાજકારણમાં ગરમાવો આવી ગયો કે જો દુદા વાળા ગુન્હામાં પાંચ આરોપીને પકડયા હોત અને આ દુદો જીવતો આવ્યો તેમાં આ ફોજદાર આરજી વાઘેલા સસ્પેન્ડ થાત. પણ પોલીસની તટસ્ત તપાસને કારણે બચી ગયેલ.
આ બાદ તુરત મંત્રી શ્રીએ સરકારશ્રીનાં ગૃહવિભાગમાં ખાસ હુકમ કરાવી ‘સીનીયર પો.સબ. ઈન્સ.કટરની જગ્યા ઉપલેટા ખાતે ઉભી કરવામાં આવે તથા ઉપલેટા પોલીસ સબ ઈન્સ્પેકટર તરીકે આર.જી. વાઘેલાને ચાલુ રાખવા’નો હુકમ થયો. આમ કોટર્નો સ્ટે હોવાથી આર.જી. વાઘેલાને ઉપલેટામાં ચાલુ રાખ્યા અને જયદેવને બદલે સિનિયર ઓલરાઉન્ડર વાઘેલાની નિમણુંક થઈ. અને જયદેવ બેગ લઈને એમ માનીને પાછો સીટી ગેસ્ટ હાઉસ રાજકોટ આવી ગયો કે સાધુ ચાલતા ભલા!’