EXCLUSIVE :
સોશિયલ મીડીયામાં પોસ્ટ મૂકી કોઈ પણ જાતની ટેસ્ટ આપ્યા વિના રૂ. 8 હજારમાં લાયસન્સ કાઢી આપવાનો દાવો
આરટીઓ તંત્રે રાજદીપસિંહ ડાભી નામના શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા બી ડિવિઝન પોલીસને આપી લેખિત અરજી
અબતક, રાજકોટ
રાજકોટમાં લાયસન્સ કૌભાંડનું ભૂત ધુણ્યું છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને એક શખ્સે કોઈ પણ ટેસ્ટ આપ્યા વિના લાયસન્સ કાઢી આપીશું તેવો દાવો કરતા આરટીઓ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. સમગ્ર મામલામાં આરટીઓ તંત્રએ બિ ડિવિઝન પોલીસમાં લેખિત અરજી કરીને સોશિયલ મીડિયામાં દાવો કરનાર શખ્સ વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવા સૂચન કર્યું છે.
સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર રાજદીપસિંહ ડાભી નામનો શખ્સ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રૂ. 8000 માં કોઈ પણ જાતની ડ્રાયવિંગ ટેસ્ટ કે પછી કોમ્પ્યુટર ટેસ્ટ આપ્યા વિના જ લાયસન્સ કાઢી આપવામાં આવશે તેવો દાવો અવાર નવાર કરી રહ્યો હતો. જે અંગેની માહિતી આરટીઓ તંત્રને મળતા કચેરી ખાતે પણ દોડધામ મચી જવા પામી હતી. સમગ્ર મામલે આરટીઓ તંત્રે પ્રાદેશિક વાહન વ્યવહાર કમિશ્નરની સૂચના અનુસાર બી ડિવિઝન પોલીસ મથકમાં અરજી કરી છે.
સૂત્રોએ આપેલી માહિતી મુજબ બી ડિવિઝન પોલીસ મથકમાં કરાયેલી લેખિત અરજીમાં આરટીઓ તંત્રે ટાંક્યુ છે કે, રાજદીપસિંહ ડાભી નામનો વ્યક્તિ ઇન્સ્ટાગ્રામમાં ‘રાજદીપસિંહ રાજપૂત ઓફિશિયલ’ નામનું એકાઉન્ટ ધરાવે છે અને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં દરરોજ પોસ્ટ મૂકે છે કે, ‘ટુ વ્હીલર અને ફોર વ્હીલરનું લાયસન્સ કઢાવો એ પણ વગર ટ્રાયલે’. આ પોસ્ટમાં આ શખ્સ પોતાનો મોબાઈલ નંબર આપીને કોન્ટેક્ટ કરવા પણ જણાવે છે .
આ પોસ્ટ જોયા બાદ આરટીઓ તંત્રના પગ તળેથી પણ જમીન ખસી ગઈ હોય તેમ તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા તેવું પણ સૂત્રો જણાવી રહ્યા છે. જે બાદ સમગ્ર કૌભાંડ અંગેની વિગતો મેળવીને આરટીઓ ઓફિસર કે એમ ખપેડ દ્વારા બી ડિવિઝન પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે.
ફકત પ્રજાને છેતરવાનું કારસ્તાન કે પછી ‘લાંચિયા બાબુ’ સાથેની મીલીભગતનું આખેઆખુ કૌભાંડ?
રાજદીપસિંહ ડાભી નામનો શખ્સ સોશિયલ મીડિયામાં જયારે દાવો કરી રહ્યો છે કે, રૂ. 8 હજારમાં કોઈ પણ ડ્રાયવિંગ ટેસ્ટ વિના ટુ વ્હીલ અને ફોર વ્હીલનું લાયસન્સ કાઢી આપવામાં આવશે ત્યારે સવાલ એવો ઉભો થયો છે કે, શું ભોળા લોકોને લોભ આપીને આ પૈસા પડાવી છેતરપિંડી આચરવાનું કારસ્તાન છે કે પછી લાંચિયા બાબુ (ભ્રષ્ટ સરકારી કર્મચારીઓ) સાથે મળીને રચવામાં આવેલું કૌભાંડ છે? જો કે, હવે આ મામલે સાચી વિગતો તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે.
રાજકોટ અને જામનગર બંને જિલ્લામાં વગર ટ્રાયલે લાયસન્સ કાઢી આપવાનો દાવો
રાજદીપસિંહ ડાભી નામના શખ્સના આ કારનામા વિશે ‘અબતક’ મીડિયાએ તપાસ કરતા આ શખ્સ ફકત રાજકોટમાં જ નહિ પરંતુ જામનગરમાં પણ વગર ટ્રાયલે લાયસન્સ કાઢી આપવાનો દાવો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કરી રહ્યો છે તેવું સામે આવ્યું છે. ત્યારે શું બરોબરનું આ સુવ્યવસ્થિત કૌભાંડ આચરવામાં આવ્યું છે તેવો સવાલ ઉદભવ્યો છે.
ન હોય… શકમંદ રાજદીપસિંહ ડાભીનું ગાયેલું સપાખરું સોશિયલ મીડિયામાં એકસમયે ભારે વાયરલ થયું’તું
રાજદીપસિંહ ડાભી જે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોઈ પણ ટ્રાયલ વિના લાયસન્સ કઢાવી આપવાનો દાવો કરવામાં આવે છે તે વ્યક્તિ પોતે ગાયક કલાકાર છે અને તેનું મહારાણા પ્રતાપ વિશે ગાયેલું સપાખરું એકસમયે ખુબ જ વાયરલ થયું હતું.