રેમડેસીવીરની કાળા બજારી કરતા હોસ્પિટલ સ્ટાફ જ ઝડપાયો
રેમડેસિવિરના કાળાબજારીઓ પર ’અબતક’ ત્રાટક્યું!!
ભારે અછત વચ્ચે બેફામ બની કાળાબજારી કરતા રાક્ષસોને પોલીસ અને તંત્રનો સહેજ પણ ડર નહીં?!!
અબતક, રાજકોટ
કોરોનાના કપરા કાળમાં ’ગીધડાઓ’ ’મડદા’ ઉપર ત્રાટકી રહ્યા છે. એક બાજુ કોરોના કટોકટીમાં લોકો ખૂબ ઝડપથી સંક્રમિત થઈ રહ્યા છે. સંક્રમણની ઝડપ વધતા દવાઓ અને ઈન્જેકશનની અછત વર્તાઈ રહી છે ત્યારે બીજી બાજુ અમુક ’ગીધડાઓ’ મડદાઓ પર નાચ કરી રહ્યા છે. ગીધડાઓ આફતને અવસર સમજી રૂપિયા રળવા મેદાને આવ્યા છે. રેમડેસીવીર ઇન્જેક્શનની હાલ ખૂબ જ અછત વર્તાઈ રહી છે. એક બાજુ દર્દીઓના પરિજનો રેમડેસીવીર માટે કલાકો સુધી કતારમાં ઉભા રહે છે ત્યારે માંડ માંડ તેમને રેમડેસીવીર ઈન્જેક્શન મળે છે. જ્યાં દર્દીને ’સરોવર’ની જરૂર ત્યાં ’ટીપા’થી કામ ચલાવવું પડે તેવી પરિસ્થિતિ પરિણમી છે. સરકાર કોઈ પણ દર્દીને રેમડેસીવીર ઇન્જેક્શન માટે રઝળવું ન પડે તેના માટે અનેક આયોજનો કરી રહી છે સાથોસાથ કાળા બજારીઓને નાથવા પણ પ્રયત્નો કરી રહી છે પરંતુ કાળા બજારીઓ છટકબારીઓ ગોતીને રૂપિયા રળવાનું કૌભાંડ આચરી રહ્યા છે. ત્યારે હવે મીડિયા ’ગીધડાઓ’ પર ત્રાટક્યું છે.
’અબતક’ દ્વારા રાજકોટ શહેર ખાતે એક સ્ટિંગ ઓપરેશન કરી કાળા બજારી સમાન ગીધડાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર ખાતે રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજારી કરતાં દેવાંગ મેર નામના શખ્સને ’અબતક’ની ટીમ દ્વારા ખુલ્લો પાડવામાં આવ્યો છે. સમગ્ર મામલાની જો વાત કરવામા આવે તો ’અબતક’ની ટીમને ખાનગી રાહે માહિતી મળી હતી કે, એક તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલો દેવાંગ મેર નામનો વ્યક્તિ રેમડેસીવીર ઈન્જેકશનની કાળા બજારી કરી રહ્યો છે. આ શખ્સ રૂ. 10 હજાર પ્રતિ ઈન્જેકશન બજારમાં વેંચી રહ્યો છે. માહિત મળતાની સાથે ’અબતક’ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. કાળા બજારી દેવાંગ મેરનો મોબાઈલ નંબર મેળવી ફોન કરવામાં આવતા તેની પાસે 3 રેમડેસીવીરની માંગણી કરી હતી. ત્યારે દેવાંગે રાત્રીના સમયે મેળ પડશે તેવું કહ્યું હતું. તેણે વધુમાં કહ્યું હતું કે, હું રાત્રીના 8:30 વાગ્યે તમને ફોન કરીશ, તમારો મેળ પડી જશે. જે બાદ દેવાંગે એસએમએસ કરી ફરીવાર પૂછ્યું હતું કે, કેટલા ઈન્જેકશન જોઈએ છે? ત્રણ જોઈએ છે ને ? જવાબમાં હા પાડતાની સાથે જ તેણે પ્રતિ ઇન્જેક્શન 10 હજાર રૂપિયા આપવા પડશે તેવું જણાવ્યું હતું અને આ રકમ તે કહે તે સમય-સ્થળે લઈને આવવા કહ્યું હતું.
ફરીવાર રાત્રીના આશરે 9:00 વાગ્યાની આસપાસ દેવાંગે ફોન કરી બસ સ્ટેન્ડ પાસે આવવા કહ્યું હતું. ’અબતક’ની ટીમ ડમી ગ્રાહક બની બસ સ્ટેન્ડ પાસે પહોંચી હતી. જ્યાં દેવાંગ કળા કરવા માટે અગાઉથી હાજર હતો. બસ સ્ટેન્ડ પાસે સ્પ્લેન્ડર વાહનમાં દેવાંગ અને તેની પાછળ એક યુવતી બેસેલી હતી. તેમને મળતાની સાથે જ દેવાંગે રૂ. 30 હજારની માંગણી કરી હતી. ’અબતક’ની ટીમે એટલા પૈસા નહીં હોવાનું કહેતા પ્રથમ તેણે ઇન્જેક્શન આપવા નનૈયો ભણ્યો બાદમાં હાલ તમારી પાસે કેટલા રૂપિયા છે ?તેવો સવાલ કર્યો હતો. જવાબમાં ’અબતક’ના પત્રકારે 15 હજાર રૂપિયા હોવાનું કહેતા તેણે રૂપિયા માંગ્યા હતા. પૈસા લઈને તેણે હવે આરએમસી ચોક ખાતે રાહ જોવાનું કહ્યું હતું.
આશરે 3-4 મિનિટ બાદ ફરીવાર દેવાંગ આવે છે અને પાછળ બેસેલી યુવતીના હાથમાં રહેલા બોક્સમાંથી 3 ઈન્જેકશન કાઢીને આપ્યા હતા. ’ આ ઇન્જેક્શન ઓરીજીનલ તો છે ને?’ ’ચિંતા ન કરો, બિલકુલ ઓરીજીનલ છે, કોઈ વાંધો નહીં આવે, તમે હવે અહીં ઉભા ન રહો નહીં તો પોલીસ પકડશે’ તેવું કહી દેવાંગ પલાયન કરી ગયો હતો. થોડીવાર બાદ દેવાંગે ફરી ફોન કરીને પૂછ્યુ હતું કે, નીકળ્યાં જે નહીં ત્યાંથી? જવાબમાં હા પાડીને પત્રકારે પૂછ્યું હતું કે, આ ઈન્જેકશન વિશે ડોકટર પૂછે કે ક્યાંથી લાવ્યા તો શું જવાબ આપવો? જવાબમાં દેવાંગે કહ્યું હતું કે, ’એ તમે જાણો, મારુ નામ નહીં આપતા’. તેણે વધુમાં કહ્યું કે, સિવિલમાંથી લઈ આવ્યા છો તેવું કહી દેજો. પોલીસ તો નહીં પકડે ને ? પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું હતું કે, કંઈ થશે નહીં, બસ તમે કંઈ બાફી ન મારતા અને જો તમે પકડાઈ જાવ તો મારું નામ નહીં દેતાં. ખાલી ડબ્બી તમને સ્ટોક મેળ માટે આપવાની છે કે નહીં?ના જવાબમાં દેવાંગે કહ્યું હતું કે, હવે આ તમારી મિલકત છે, કોઈને કંઈ આપવાનું નથી. તો તમને સ્ટોક મેળમાં કંઈ તકલીફ નહીં પડે? ડોકટર સાહેબ તમને નહીં પૂછે ?ના જવાબમાં દેવાંગે બીફિકરીથી કહ્યું કે, હું બધું લીગલી જ કરું છું, ડોકટરને બધી ખબર જ છે. તમે હવે બહુ સવાલ ન કરો અને ફોન મૂકી દો, કહી ફોન મૂકી દીધો હતો. થોડીવાર પછી તેણે ફરીવાર ફોન કરીને બાકીના 15 હજાર રૂપિયા ક્યારે આપશો તેવો સવાલ કર્યો હતો.
જેના જવાબમાં ’અબતક’ની ટીમે આજીજીના સ્વરમાં બાકીના પૈસા માફ કરી દેવા વિનંતી કરતા કહ્યું હતું કે, જે 15 હજાર રૂપિયા આપ્યા તે તમારો ચોખ્ખો નફો જ છે ને તો હવે બાકીના રૂપિયા માફ કરી દો ને ભાઈ. ત્યારે તેણે વધુ ખોલ આપતા કહ્યું હતું કે, ના ના ભાઈ હું પણ વેંચાતા લઈને આવ્યો છું, એક નંગના મેં પણ 5 હજાર રૂપિયા ચૂકવ્યા છે, બાકીના રૂપિયા હું તમને એકાઉન્ટ નંબર આપું છું તેમાં કાલ સુધીમાં ટ્રાન્સફર કરી દેજો.
કાળા બજારી બેફામ: બેંક એકાઉન્ટમાં પૈસા નાખી દેવા કહ્યું!!
’અબતક’ની ટીમ દ્વારા કુલ 3 રેમડેસીવીર ઇન્જેક્શન લેવામાં આવ્યા હતા. ત્યારે વધારાના પૈસાની માંગણી કરવા દેવાંગે ફોન કરીને કહ્યું હતું કે, તમને મારા બેંક એકાઉન્ટ નંબર મોકલું છું તેમાં બાકીના પૈસાની ચુકવણી કરી દેજો. થોડી જ વારમાં એસએમએસ મારફત તેણે ઇન્ડિયન ઓવરસિઝ બેંકના એકાઉન્ટ નંબર મોકલ્યા હતા. ત્યારબાદ આઈએફએસસી કોડ માંગીને તમામ વિગતો ચકાસી હતી. જેમાં પી.ડી. માલવીયા કોલેજ ચોક ખાતેની ઓવરસિઝ બેંકનું એકાઉન્ટ હોવાનું ખુલ્યું હતું. આ શખ્સને તંત્ર કે પોલીસની જાણે સહેજ પણ બીક ના હોય તેવી રીતે તેણે બેંક એકાઉન્ટ નંબર મોકલી પૈસા ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું.
લાચારો પાસે પ્રતિ ઇન્જેક્શન રૂ. 10 હજારની કરાતી ઉઘરાણી
‘અબતક’ની ટીમ દ્વારા જ્યારે ઇન્જેક્શન ની માંગણી કરાઈ તો દેવાંગે એસએમએસ મોકલી પ્રતિ ઇન્જેક્શન રૂ. 10 હજાર આપવા પડશે તેવું કહ્યું હતું. જ્યારે દેવાંગ ઇન્જેક્શન આપવા આવ્યો ત્યારે તેની પાછળ બેસેલી યુવતીના હાથમાં રેમડેસીવીર ઇન્જેક્શનનું આખું બોક્સ હતું ત્યારે સવાલ ઉદ્ભવી રહ્યો છે કે, આ કાળા બજારીઓ જાણે કેટલાંય લાચારો પાસે આ પ્રકારે તેમની મજબૂરીનો ફાયદો ઉઠાવી દસ ગણી ઉઘરાણી કરી હશે?
પડદા પાછળના ખેલાડી પર પ્રકાશ પાડવા માટે યોગ્ય પોલીસ તપાસ થવી જરૂરી
જે રીતે બેફામ બનેલા કાળા બજારીઓ પર ’અબતક’ ત્રાટક્યું છે. દેવાંગ મેઘજી મેર નામનો શખ્સ જે રીતે કાળા બજારી કરી રહ્યો છે તેની પાછળ કોનું પીઠબળ છે? દેવાંગ તો પાયદુ છે તો સાચો ખેલાડી કોણ ? આ બાબત ત્યારે જ સામે આવશે જ્યારે આ મામલે યોગ્ય પોલીસ તપાસ થાય. પોલીસ તપાસમાં કોઈ મોટા માથાનું નામ પ્રકાશમાં આવે તો પણ નવાઈ નહીં. જો આ રીતે મોટાપાયે કાળા બજારી થતી હોય તો સો ટકા કોઈ મોટો ખેલાડી પડદા પાછળ જવાબદાર હશે.