મેરેથોન ઉપરાંત સાઈકલોફનને પણ મળી રહેલો બહોળો પ્રતિસાદ: ૧૫ ડિસેમ્બરે સાઈકલોફન અને ૨૯ ડિસેમ્બરે મેરેથોનનું ભવ્ય આયોજન: ઉમદા આયોજનમાં જોડાવવા સામાજિક સંસ્થાઓને અપીલ
રાજકોટને ફિટ એન્ડ ફાઈન રાખવા તથા શહેરને એક તાંતણે બાંધવાની ઉમદા ભાવના સાથે રોટરી ક્લબ મીડટાઉન દ્વારા આગામી તા.૧૫ ડિસેમ્બરે સવન સાઈકલોફન અને ૨૯ ડિસેમ્બરે સવન મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે જેને શહેરીજનોનો બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આ બન્ને ઈવેન્ટમાં ભાગ લેવા માટે લોકોનો રજિસ્ટ્રેશન કરાવવા માટે ધસારો થઈ રહ્યો છે. આ ઈવેન્ટને યાદગાર બનાવી શહેરને તંદુરસ્ત અને ચોખ્ખું ચણાંક રાખવા માટે મોટેરાઓ સાથે વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ પણ અદ્ભુત પ્રતિસાદ આપી રહ્યા છે.
રોટરી ક્લબ મીડટાઉન દ્વારા આગામી ૨૯ ડિસેમ્બરે સવન રાજકોટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે જેને અત્યારથી જ બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. મેરેથોનમાં ભાગ લેવા માટે ૨૦ નવેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવનાર દરેક સ્પર્ધક માટે ૫ કિલોમીટરની દોડના રૂા.૨૦૦, જ્યારે સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવે તેના માટે આ દોડના રૂા.૧૦૦ ૧૦ કિ.મી.ના રૂા.૪૯૦ અને હાફ મેરેથોનની રૂા.૮૦૦ ફી રાખવામાં આવી છે. આ પછી ૨૧ નવેમ્બર પછી રજિસ્ટ્રેશન કરાવનાર સ્પર્ધક માટે ૫ કિ.મી.ના રૂા. ૨૫૦, ૧૦ કિ.મી.ના રૂા.૬૦૦ અને હાફ મેરેથોનની રૂા.૯૦૦ ફી લેવામાં આવશે. મેરેથોનમાં રજિસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ ૭ ડિસેમ્બર રાખવામાં આવી છે. સ્પર્ધાનું રજિસ્ટ્રેશન ૭ ડિસેમ્બર સુધી WWW.rajkotmarathon.in ઉપર કરી શકાશે. મેરેથોનમાં રેસ ડાયરેક્ટર તરીકે અમદાવાદના રાહુલ શર્મા જહેમત ઉઠાવશે.
૧૫ ડિસેમ્બરે યોજાનારી સવન સાઈકલોફન ઈવેન્ટની વાત કરવામાં આવે તો આ સાઈકલ રેલી ૨૫ અને ૫૦ કિલોમીટરની હશે. ૨૫ કિ.મી.ની રેલી પૂર્ણ કરવા માટે ૧.૫ કલાકનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે અને તેમાં ભાગ લેવા માટેની ફી રૂા.૨૫૦ રાખવામાં આવી છે. આ ઉપરાંત ૫૦ કિ.મી.ની રેલી માટે ત્રણ કલાકની સમયમર્યાદા નક્કી કરાઈ છે અને તેમાં ભાગ લેવા માટે રૂા.૪૦૦ની ફી રાખવામાં આવી છે. આ માટે અમુક નિયમો પણ નક્કી કરવામાં આવ્યા છે જે અનુસાર ૧૬થી ૧૮ વર્ષના સાઈકલપ્રેમી સાથે તેના વાલી હોવા ફરજિયાત છે. આ ઉપરાંત આ કોઈ રેસ નહી બલ્કે ફન ઈન રાઈડ જ છે છતાં સમયમર્યાદામાં તેને પૂર્ણ કરનારને મેડલ અને લક્કી ડ્રો તથા ગીફટ આપવામાં આવશે. રેલીનું રજિસ્ટ્રેશન ૩૦ નવેમ્બર સુધી WWW.rajkotmarathon.in ઉપર કરાવી શકાશે. આયોજનના ટાઇટલ સ્પોન્સર તરીકે સવન બિલ્ડર્સ સહયોગ આપી રહ્યા છે તો કો-સ્પોન્સર તરીકે રોલેક્સ બેરિંગનો સિંહફાળો સાંપડી રહ્યો છે.
બન્ને આયોજન પાછળ રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા કલેક્ટર, શહેર પોલીસ, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન, સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી સહિતના સહયોગ આપી રહ્યા છે. જ્યારે આયોજનને સફળ બનાવવા માટે રોટરી ક્લબ મીડટાઉન પ્રેસિડેન્ટ જીજ્ઞેશ અમૃતિયા, પ્રોજેક્ટ ચેરમેન દિવ્યેશ અઘેરા, કો-ચેરમેન દિપક મહેતા, સેક્રેટરી વિશાલ અંબાસણા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.
મેરેથોન માટે વિનામૂલ્યે બૂટકેમ્પનું આયોજન
રોટરી ક્લબ મીડટાઉન દ્વારા મેરેથોનમાં ભાગ લેનારા સ્પર્ધકો માટે વિનામૂલ્યે બૂટકેમ્પનું આયોજન પણ કરવામાં આવશે. આ કેમ્પમાં ગત વર્ષે યોજાયેલી મેરેથોનમાં ભાગ લેનારા સ્પર્ધકો ઉપરાંત આ વર્ષે ભાગ લેનારા લોકો પણ જોડાઈ શકશે. બૂટ કેમ્પમાં મેરેથોન દરમિયાન કેવી રીતે દોડવું, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, કઈ તકલીફ થાય તો શું કરવું તે સહિતની વિગતો અને માર્ગદર્શન આપવામાં આવશે.