નાણાં મંત્રાલયની મહત્વપૂર્ણ જાહેરાત : પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણનું પ્રમાણ 2025-26 સુધીમાં 20% સુધી કરવાનું લક્ષ્ય
હવે 12થી 15% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી ચૂકવવી પડશે નહીં. નાણા મંત્રાલયે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીને આ જાહેરાત કરી છે. માત્ર આ જ નહીં. આ નિર્ણય પર તત્પરતા દર્શાવતા, નાણા મંત્રાલયે આ અંગે એક સૂચના પણ બહાર પાડી છે.
સરકાર ઇંધણમાં ઇથેનોલ મિશ્રણની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે તૈયાર છે. આ અંતર્ગત સરકારે 12% અને 15% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટીમાં છૂટ આપી છે. ભારતે તાજેતરમાં નિર્ધારિત લક્ષ્યાંકના પાંચ મહિના પહેલા 10 ટકા ઇથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. હવે આગળનું લક્ષ્ય 2025-26 સુધીમાં 20% સંમિશ્રણ છે.
મહિનામાં સરકારે ઈંધણની છૂટક કિંમત ઘટાડવા માટે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. આ દરમિયાન સરકારના પ્રયાસોને કારણે પેટ્રોલના ભાવમાં 9 રૂપિયા સુધીની રાહત મળી છે. આ પહેલા નવેમ્બરમાં પણ સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝમાં ઘટાડો કર્યો હતો. ગ્રાહકોને વધુ રાહત આપવા માટે સ્થાનિક ટેક્સમાં ઘણા રાજ્યોમાં સમાન કાપ મૂકવામાં આવ્યો હતો.
આ ઉપરાંત કાચા તેલના સ્થાનિક ઉત્પાદન પર 23,250 રૂપિયા પ્રતિ ટનનો વધારાનો ટેક્સ લાદવામાં આવ્યો છે. સરકારી માલિકીની ઓએનજીસી અને ઓઈલ ઈન્ડિયા લિમિટેડના ક્રૂડ ઓઈલના ઉત્પાદન અને ખાનગી ક્ષેત્રની વેદાંતા લિમિટેડની કેર્ન ઓઈલ એન્ડ ગેસ અને 29 મિલિયન ટનના સ્થાનિક ઉત્પાદન પર ટેક્સ લગાવીને સરકારને વાર્ષિક રૂ. 67,425 કરોડ મળશે.
મોટી કંપનીઓ દ્વારા થતી પેટ્રોલ, ડીઝલની નિકાસ પર ટેક્સ લાદવામાં આવ્યો છે
સરકારે શુક્રવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જેવી કંપનીઓ દ્વારા અન્ય દેશોમાં પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ફ્યુઅલની નિકાસ પર ટેક્સ લાદ્યો છે. ઓએનજીસી અને વેદાંતા લિમિટેડ જેવી કંપનીઓ દ્વારા સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ ઓઈલના વિન્ડફોલ ગેઈન્સ પર પણ ટેક્સ લાદવામાં આવ્યો છે. નાણા મંત્રાલયના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે સરકારે પેટ્રોલ અને એટીએફની નિકાસ પર પ્રતિ લીટર 6 રૂપિયા અને ડીઝલની નિકાસ પર 13 રૂપિયા પ્રતિ લીટર ટેક્સ લગાવ્યો છે, સરકારને વાર્ષિક 67,425 કરોડ મળશે.
10% મિશ્રણને કારણે 41 હજાર કરોડ રૂપિયા બચ્યા
પેટ્રોલમાં 10% ઇથેનોલ ભેળવવાથી ભારતને લગભગ 41,000 કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ બચાવવામાં મદદ મળી છે. આ પગલું એવા સમયે મહત્ત્વપૂર્ણ છે જ્યારે ક્રૂડ ઓઈલના ભાવ આસમાને છે અને ભારત રૂપિયાના અવમૂલ્યનનો સામનો કરી રહ્યું છે. આ મુશ્કેલ સમયમાં સરકાર માટે તિજોરીમાંથી વિદેશી હૂંડિયામણને બહાર આવતું અટકાવવું પણ એક મોટો પડકાર છે.