રાજ્યના 60 જેટલા આઈએએસ અધિકારીઓની બદલીનો તખ્તો તૈયાર, 15 દિવસમાં સત્તાવાર જાહેરાતની શક્યતા
રાજ્યના દોઢેક ડઝન કલેક્ટરો સહિત રાજ્યના 60 જેટલા આઈએએસ અધિકારીઓની બદલીનો તખ્તો સરકાર દ્વારા તૈયાર કરી દેવામાં આવ્યો છે.હવે અંદાજે 15 દિવસમાં બદલીની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા સેવાઇ રહી છે.
રાજ્યના આઈએએસ અધિકારીઓની મોટા પાયે બદલીઓની યાદી તૈયાર થઇ ગઇ છે. વિધાનસભા સત્ર પૂર્ણ થતાં જ ગમે તે સમયે બદલીઓના આદેશ આવી શકે છે. સચિવ કક્ષાથી લઇને કલેક્ટર તથા અન્ય અધિકારીઓને ગણીએ તો, અંદાજે 60 જેટલા અધિકારીઓની બદલી થશે. જેમાં 15 સચિવ કક્ષાના, 20 જેટલા એમડી, મ્યુનિસિપલ કમિશનર, ડાયરેક્ટર, કમિશનર અને 18 જેટલા કલેક્ટર હશે. આ યાદીમાં કેટલાક નામ એવા છે.
ઉલ્લેખનીય છે કે હવે સરકાર લોકસભાની તડામાર તૈયારીઓ શરૂ કરી રહી છે. બીજી તરફ તંત્ર પણ લોકસભાની તૈયારી માટે સજ્જ થવાનું છે.તેવામાં વહેલી બદલી કરી અધિકારીઓને ચૂંટણી માટે વધુ સમય મળે તે પ્રકારે આયોજન હાથ ધરાઈ રહ્યું છે.
બીજી બાજુ અગાઉ ઘણા સમય પૂર્વે એક સાથે વધુ આઈએએસ અધિકારીઓની બદલી થઈ હતી. અનેકવિધ આઈએએસ અધિકારીઓને 3 વર્ષથી વધુ સમય પૂર્ણ થઈ ગયો છે. તેવામાં હવે વિધાનસભા સત્ર પૂર્ણ થયા બાદ ગમે ત્યારે બદલીની જાહેરાત થઈ શકે છે.
આ વર્ષે 9 આઈએએસ અધિકારી થશે નિવૃત્ત
આ વર્ષે રાજ્યના 9 આઈએએસ અધિકારી નિવૃત થશે. વિપુલ મિત્રાજી – એનએફસી ચેરમેન 31 જુલાઇએ, સંજય ભાવસાર- ઓઓસડી, પીએમઓ, દિલ્હી 31 જુલાઇએ, બી.બી. સ્વૈન સચિવ- એમએસએમઇ મંત્રાલયની 30 સપ્ટેમ્બરએ, એસ. અપર્ણાસચિવ- ફાર્મા સ્યુટીકલ મંત્રાલયની 31 ઓક્ટોબરે, સંજય નંદન- એમ.ડી. વેર હાઉસિંગ કોર્પોની .30 નવેમ્બરે, મનોજ અગ્રવાલ- અધિક મુખ્ય સચિવ, આરોગ્યની 31 ઓક્ટોબરે, રમેશ મેરજા-ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર,અમદાવાદની 30 જૂને, બી.જી. પ્રજાપતિ-સંયુક્ત એમ.ડી, જીઆઇડીસીની 30 જૂને, ડી.બી. વ્યાસરી-જનરલ કમિશનર, મ્યુનિસિપાલિટીની 30 નવેમ્બરે નિવૃત્તિ થશે.
58 જેટલા આઈએએસની ઘટથી અધિકારીઓ ઉપર કામનું ભારણ!
રાજ્યના તમામ સરકારી વિભાગોમાં સ્ટાફની ઘટ સેવાઇ રહી છે. જો કે સનદી અધિકારીઓ પણ તેમાંથી બાકાત નથી. રાજ્યમાં અંદાજે 58 જેટલા આઈએએસ અધિકારીઓની ઘટ સેવાઇ રહી છે.રાજ્યમાં કુલ 313 આઈએએસની મંજૂરી છે.પણ હાલ 255 અધિકારીઓ છે. જેમાં 9 તાલીમ હેઠળ છે. કુલ મળીને 58 અધિકારીઓની ઘટ છે.