ટેકનોલોજીના યુગમાં સોશિયલ મીડિયાએ માત્ર મનોરંજન જ નહીં પણ કમાણી કરવાનું માધ્યમ પણ બની ગયુ છે. સોશિયલ મીડિયા પર ઘણા એવા એપ અને વેબસાઈટ છે જેની મદદથી લોકો કમાણી કરતા હોય છે. આજે દુનિયામાં અનેક એવા લોકો છે જે સોશિયલ મીડિયાની મદદથી પૈસા કમાતા હોય છે, તમને જાણીને નવાઈ લાગશે કે આતંકીઓ પણ આતંક ફેલાવા માટે સોશિયલ મીડિયા પરથી કમાણી કરી રહ્યા છે. હૈફા યુનિવર્સિટીએ સોશિયલ મીડિયા પર ચાલતી આતંકવાદી ગતિવિધિઓ પર અભ્યાસ કર્યો છે. આ અભ્યાસ અનુસાર, ઈન્ટરનેટ પર 90 ટકા આતંકવાદી ગતિવિધિઓ સોશિયલ મીડિયા દ્વારા થાય છે.

હૈફા યુનિવર્સિટીએ આતંકવાદ અને સોશિયલ મીડિયાના જોડાણ પર આ અભ્યાસ તૈયાર કર્યો છે. બ્રુકિંગ સેન્ટર ફોર મિડલ ઈસ્ટ પોલિસી અનુસાર, આઇએસઆઈએસ સાથે જોડાયેલા 70,000 એકાઉન્ટ માત્ર ટ્વિટર પર જ એક્ટિવ છે. આ એકાઉન્ટના લગભગ એક હજાર ફોલોઅર્સ છે. તે મુજબ 7 કરોડ લોકો આવા એકાઉન્ટ સાથે જોડાયેલા છે.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2022 અનુસાર,  40 ટકા વિદેશી આતંકવાદીઓની ભરતી માત્ર સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવે છે. કાશ્મીરમાં આતંકી ઘટનાઓને અંજામ આપનાર હિઝબુલ મુજાહિદ્દીને થોડા વર્ષો પહેલા સોશિયલ મીડિયાથી 50 યુવાનોની ભરતી કરી હતી.આખા વિશ્વમાં આ રીતે આતંકીઓ ભરતી કરી રહ્યા છે.

આતંકવાદી સંગઠનો સોશિયલ મીડિયાનો ઉપયોગ માત્ર ભરતી માટે નથી કરતા. તેઓ યુટ્યુબ, ફેસબુક, ટેલિગ્રામ વગેરે સોશિયલ સાઈટ પર પોતાના વીડિયો અપલોડ કરીને પણ કમાણી કરી રહ્યા છે. એક અહેવાલ મુજબ આતંકવાદી સંગઠનો દર મહિને પોતાના વીડિયો અપલોડ કરીને કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. તેમના આ વીડિયો પર મોટી કંપનીઓની જાહેરાતો આવી રહી છે.

ફેબ્રુઆરી 2020 માં અમેરિકન કંપની બ્લેકબર્ડના સંશોધનમાં સામે આવ્યું છે કે સોશિયલ મીડિયા પર આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતી 9 લાખથી વધુ ટ્વીટ્સ 47 વિવિધ ભાષાઓમાં ફેલાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયાના કુલ 4 બિલિયન યુઝર્સમાંથી 30 ટકા માત્ર યુવાનો જ છે, જેના કારણે આતંકવાદી સંગઠનો તેમને નિશાન બનાવે છે. આ રીતે તેઓ પોતાની આતંકવાદી સંગઠનનો વિસ્તાર કરી રહ્યા છે. સોશિયલ મીડિયાની મદદથી તેઓ યુવાનોનું ભવિષ્ય બગાડવાનું કામ કરી રહ્યા છે. તેને કારણે આવા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કાર્યવાહી કરવી જરુરી છે. નહીં તો ટેકનોલોજીની મદદથી દુનિયામાં આતંક ફેલાતુ રહશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.