13 ડેમના દરવાજા ખોલી રૂલ લેવલની જાળવણી: 10 ડેમ સતત ઓવરફ્લો
ગુજરાતીમાં એક કહેવત છે કે દુષ્કાળમાં અધિક માસ, આ કહેવતને મેઘરાજાએ આ વર્ષે ખોટી પાડી દીધી છે. સામાન્ય રીતે શ્રાવણ કે ભાદરવા માસમાં જળાશયો ઓવરફ્લો થતા હોય છે પણ અધિક માસે અધિક આનંદ આપ્યો હોય તેમ અધિક શ્રાવણના પ્રથમ પખવાડિયામાં જ મોટાભાગના જળાશયો ઓવરફ્લો કરી દીધા છે. અધિકમાં સૌરાષ્ટ્રનો દરિયો ગણાતો ભાદર ડેમ ઓવરફ્લો થઇ ગયો છે. મોટાભાગના જળાશયોનો વૈભવ વધી ગયો છે.
મેઘરાજાએ અનરાધાર હેત વરસાવતા સૌરાષ્ટ્રના મોટાભાગના જળાશયોનો જળ વૈભવ સતત વધી રહ્યો છે. રાજકોટ જિલ્લાના 27 જળાશયો પૈકી 23 ડેમ છલોછલ ભરાય ગયા છે. રૂલ લેવલ જાળવવા માટે 13 ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે 10 ડેમ સતત ઓવરફ્લો થઇ રહ્યા છે. રાજકોટ જિલ્લાના ફોફળ, આજી-1, સોડવદર, ગોંડલી, વાછપરી, વેરી, મોતિસર, લાલપરી, ફાડદંગ બેદી અને ઇશ્ર્વરિયા ડેમ ઓવરફ્લો થઇ રહ્યા છે. જ્યારે ભાદર, મોજ, વેણુ-2, આજી-2, આજી-3, સુરવો, ડોંડી, ન્યારી-1, ન્યારી-2, છાપરવાડી-2, કરમાળ, ભાદર-2 અને કર્ણુકી ડેમના દરવાજા ખોલી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
મોરબી જિલ્લાના મચ્છુ-1 ડેમમાં 1.28 ફૂટ, મચ્છુ-2 ડેમમાં 1.05 ફૂટ, ડેમી-2માં 0.33 ફૂટ, ઘોડાધ્રોઇ 0.33 ફૂટ, બ્રાહ્મણીમાં 0.89 ફૂટ, બ્રાહ્મણી-2માં 0.66 ફૂટ પાણીની આવક છેલ્લા 24 કલાકમાં થવા પામી છે. આ ઉપરાંત જામનગર જિલ્લાના ફોફળ-2માં 1.80 ફૂટ, આજી-4માં 1.28 ફૂટ, કંકાવટીમાં 0.16 ફૂટ પાણીની આવક થવા પામી છે.
દેવભૂમી દ્વારકા જિલ્લાના ઘી ડેમમાં 0.52 ફૂટ, ગઢકામાં 1.64 ફૂટ, શેઢા ભાડથરી 0.66 ફૂટ અને સિંઘણીમાં 4.10 ફૂટ પાણીની આવક થવા પામી છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ભોગાવો-1માં 1.51 ફૂટ, લીંબડી ભોગાવો-1માં 0.10 ફૂટ, ફલકુમાં 0.66 ફૂટ અને ધારી ડેમમાં 6.40 ફૂટ પાણીની આવક થવા પામી છે. સૌરાષ્ટ્રનું જળ સંકટ મેઘરાજાએ એક મહિનામાં હલ કરી દીધું છે. ભાદર ડેમના રૂલર લેવલ મુજબ આ મહિનામાં 32 ફૂટ ડેમ ભરી શકાય છે. હાલ હજુ ચોમાસુ બાકી છે. જુલાઈ મહિના સુધી ભાદર ડેમની પાણીની સપાટી 32 ફૂટની રાખી શકાય. 32 ફૂટની ઉપરની સપાટીમાં પાણીની જે આવક થાય, તે પાણી છોડવાનું રહેશે. તેવું ફ્લડ કંટ્રોલ દ્વારા જણાવવામાં આવ્યું છે.ફ્લડ કંટ્રોલમાંથી 22 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.જેમા
ગોંડલ તાલુકાના લીલાખા, મસીતાળા, ભંડારીયા, ખંભાલીડા, નવાગામ, જેતપુર તાલુકાના મોણપર, ખીરસરા, દેરડી, જેતપુર, નવાગઢ, રબારીકા, સરધારપુર, પાંચપીપળા, કેરાડી, લુણાગારા, લુણાગરી, વાડસડા ગામ, જામકંડોરણા તાલુકાના તરવડા અને ઈશ્વરીયા ગામ, ધોરાજી તાલુકાના વેગડી, ભૂખી અને ઉમરકોટ સહિતના ગામોના ગ્રામજનોને નદીના પટમાં અવર-જવર નહિ કરવી અને નીચાણવાળા વિસ્તારોને સલામત સ્થળે સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ દ્વારા સૂચના આપવામાં આવી.