સૌરાષ્ટ્રભરમાં પાન- ફરસાણની દુકાનોમાં સતત બીજે દિવસે ધસારો જોવા મળી રહ્યો છે. દુકાનો બહાર લોકોની ભારે ભીડ સર્જાય હતી. લોકો છેલ્લા ૨ દિવસથી પોતાની સવાર ગાંઠિયાથી શરૂ કરતા થયા છે.
અને સાથોસાથ વ્યસનીઓ પાન-માવા- બીડી-સિગરેટ-તમાકુ માટે એજન્સીઓમાં પડાપડી કરી રહ્યા છે. ઉપરાંત રાજકોટમાં મહાપાલિકાએ લોકોની ભીડ ઘટાડવા દુકાન ઉપર એકી બેકીના સ્ટિકર લગાવવાનું શરૂ કરી દીધું છે. આ સ્ટીકર પ્રમાણે જ દુકાન ખોલવાનો આદેશ કરવામાં આવ્યો છે.
હાલ તો રોડ- રસ્તા અને બજારોનો માહોલ જોઈને લાગી રહ્યું છે કે આઝાદીનો અતિરેક થઈ રહ્યો છે. જો આવી જ સ્થિતિ રહી તો આ આઝાદી છીનવાઈ જશે તે નક્કી છે. માટે લોકોએ પૂરતી તકેદારી રાખી ભીડ ન થવા દેવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે ૫૫ દિવસ બાદ સૌરાષ્ટ્રમાં જન જીવન પુન:ધબકતું થયું છે. જેથી લોકોમાં આનંદની લાગણી વ્યાપી ઉઠી છે.