ઘાટકોપરમાં જંગી જાહેરસભા સંબોધી: કાલે મુખ્યમંત્રી મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર અભિયાન ઉપરાંત પ્રબુધ્ધ વર્ગ સંમેલનમાં જોડાશે
ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકો માટે ગત ૨૩મી એપ્રીલના રોજ મતદાન પૂર્ણ થયા બાદ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હવે અન્ય રાજયોની ચૂંટણી પ્રચારની જવાબદારી પોતાના શિરે લીધી છે. આજે સવારે મુંબઈમાં ઘાટકોપર, ઈસ્ટ વિધાનસભા વિસ્તારમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો વિશાલ રોડ-શો યોજાયો હતો. ત્યારબાદ તેઓએ જંગી ચૂંટણીસભા સંબોધી હતી. આવતીકાલે મુખ્યમંત્રી મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર ઉપરાંત પ્રબુધ્ધ વર્ગ સંમેલનમાં હાજરી આપશે.
આજે સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ સુધી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મુંબઈમાં ઘાટકોપર ઈસ્ટ વિસ્તારમાં ભવ્ય રોડ-શો યોજશે. મુંબઈ ઉત્તર-પૂર્વ બેઠક પર ભાજપે મનોજભાઈ કોટકને ટિકિટ આપી છે. આ વિસ્તારમાં ગુજરાતીઓની વસ્તી વધુ હોય તેઓને ભાજપ તરફ આકર્ષિત કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રીનો રોડ-શો તથા જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે મુંબઈ એરપોર્ટ ખાતે ભાજપના કાર્યકરો દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રોડ-શો બાદ મુખ્યમંત્રીએ ઘાટકોપરમાં તિલક રોડ પર આવેલ ભાનુશાળી વાડી ખાતે જંગી ચૂંટણીસભાને સંબોધી હતી. રાત્રે મુખ્યમંત્રી ફરી ગુજરાત ફરશે.
દરમિયાન આવતીકાલે તેઓ મધ્યપ્રદેશ જશે જયાં સાગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજબહાદુરસિંહના સમર્થનામાં ચૂંટણી પ્રચાર કરશે અને સવારે ૧૦ કલાકે સાગરમાં રવિન્દ્ર ભવન ખાતે યોજાનારા પ્રબુધ્ધ વર્ગ સંમેલનમાં સંબોધન કરશે.