- વર્ષ 2022ની સાપેક્ષે વર્ષ 2024માં સરકારી ઇજનેરી કોલેજ પ્રવેશમાં 57 ટકા; ઈમર્જીંગ ઇજનેરીમાં 64 ટકાનો વધારો
- સરકારી ઇજનેરી કૉલેજોની સિવિલ, ઈલેકટ્રીકલ, મિકેનિકલમાં 80 ટકા; ઈમર્જીંગ ઇજનેરીની વિદ્યાશાખામાં 100 ટકા બેઠકો ભરાયેલી
- વર્ષ 2022ની સાપેક્ષે વર્ષ 2024માં સરકારી પોલીટેકનીક કોલેજ પ્રવેશમાં 22 ટકા જેટલો વધારો
કોઈપણ રાષ્ટ્રના, દેશના કે પછી રાજ્યના વિકાસમાં, શિક્ષણની અહમ ભૂમિકા હોય છે. શિક્ષણ દેશના વિકાસની કરોડરજ્જુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં અને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના સમર્થ નેતૃત્વમાં રાજ્યના તમામ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો રાજ્ય સરકારનો ધ્યેય છે. જે અંતર્ગત ગુજરાતે સમયસર ઇજનેરી ક્ષેત્રે વિદ્યાશાખાઓનો રી-સ્ટ્રકચરીંગ કરી પરિણામલક્ષી કામગીરી કરી છે. જેના પરિણામે વર્ષ 2022ની સાપેક્ષે સરકારી ઇજનેરી કોલેજ પ્રવેશમાં 57% જેટલો વધારો નોંધાયો છે.
રાજ્યમાં સરકારી ઇજનેરી કોલેજોમાં કોર બ્રાંચ જેવી કે સિવિલ, ઈલેકટ્રીકલ, મિકેનિકલમાં 80 ટકા બેઠકો ભરાયેલી છે. જ્યારે ઈમર્જીંગ ઇજનેરીની વિદ્યાશાખામાં 100 ટકા બેઠકો ભરાયેલ છે.
વર્ષ 2024માં સરકારી અને અનુદાનિત ઇજનેરી સંસ્થાઓની 84.3 ટકા તેમજ સ્વનિર્ભર સંસ્થાઓની 48 ટકા એમ કુલ મળી ઇજનેરીની 54 ટકા બેઠકો પર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
ડિપ્લોમાં ઈજનેરી
પ્રવર્તમાન સમયમાં ઘણા વિદ્યાર્થીઓ ડિપ્લોમાં ડિગ્રી પણ કરતા હોય છે. જેમાં પ્રવેશ વર્ષ 2022ની સાપેક્ષે સરકારી પોલીટેકનીક કોલેજના પ્રવેશમાં 22 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. જે અંતર્ગત સરકારી પોલીટેકનીક કોલેજોમાં IT, સિવિલ, ઈલેકટ્રીકલ, મિકેનિકલ વગેરે વિદ્યાશાખામાં 80 ટકા અને ઈમર્જીંગ ઈજનેરીની વિદ્યાશાખામાં વર્ષ 2022ની સાપેક્ષે પ્રવેશમાં 64 ટકાનો વધારો થયો છે, જે રાજ્ય માટે યશકલગી સમાન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષોની જરૂરીયાત ધ્યાને લઈ સરકારી ઇજનેરી કોલેજો અને ડિપ્લોમાં ડિગ્રીમાં વર્ષ 2022થી વિવિધ નવા ઇમર્જીંગ ટેકનોલોજીનાં અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યા છે. આ સાથોસાથ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે જરૂરીયાત મુજ્બ રી-સ્ટ્રકચરીંગ કરી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવામાં આવે છે.