ટ્રમ્પે ઝીંકેલા ટેરીફના કારણે અમેરિકન બજારમાં ચીનનો સામાન મોંઘો બનતા ભારતીય નિકાસકારોને પગદંડો જમાવવા ઉજળા સંકેતો
એન્જિનિયરીંગ ગુડ્સ, ઓટો પાર્ટસ અને કેમીકલ્સની ૧૮૦ આઈટમોની માંગ વધશે તેવી અપેક્ષા
અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડ વોર આંતરરાષ્ટ્રીય સ્તરે અર્થતંત્રને ભિંસમાં લઈ રહી છે. ત્યારે આ ટ્રેડ વોરના કેટલાક ઉજળા પાસા પણ ભારતીય નિકાસકારોને દેખાઈ રહ્યાં છે. ટ્રેડ વોર ચાલુ છે ત્યાં સુધીમાં અમેરિકન બજારમાં પગદંડો જમાવવાની તક સાંપડી છે. અમેરિકાએ ચીનની અનેક પ્રોડકટ ઉપર ટેરીફમાં વધારો કર્યો છે. જેમાંથી ૧૪૦ પ્રોડકટ એવી છે જેના માધ્યમથી ભારત અમેરિકાના બજારમાં પગદંડો જમાવી શકે છે.
એન્જીનીયરીંગના સંશાધનો, ઓટો મોબાઈલનો સામાન તેમજ કેમીકલને લગતી ૧૪૦ પ્રોડકટ છે જેનાથી ભારતીય નિકાસકારો અમેરિકન બજારમાં પ્રવેશી શકે છે. એપ્રીલથી ઓગષ્ટ દરમિયાન અમેરિકા સાથે એકસ્પોર્ટમાં ૨૧.૮ બીલીયન ડોલર (૧૪.૬ ટકા)નો ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં ઓટો પાર્ટસ, એન્જીનીરીંગ ગુડસ, ઈલેકટ્રીકસ ગુડસ અને કેમીકલનું પ્રમાણ વધુ હતું. ઈમ્પોર્ટમાં પણ ૫૦ ટકાના દરે એટલે કે ૧૫.૪ બીલીયન ડોલરનો ઉછાળો થયો હતો.
બીજી તરફ ચીન સાથેના ટ્રેડમાં એકસ્પોર્ટ ૫૦ ટકા એટલે કે ૬.૪ બીલીયન ડોલર વધી હતી. પરંતુ ઈમ્પોર્ટમાં ૩૦ બીલીયન ડોલર સાથે ૨.૦૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો. વર્તમાન સમયમાં અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડ વોરમાં ભારતીય નિકાસકારોને ટૂંકાગાળામાં ૨ થી ૩ બીલીયન ડોલર જેટલો માલ ઘુસાડવાની તક છે. ભારતીય કંપનીઓ કઈ રીતે પગલા લે છે તે ઉપર બધુ નિર્ધારીત છે.
ભારતીય કંપનીઓ હાલ અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોરનો કઈ રીતે ફાયદો ઉપાડશે તે આર્થિક સમજૂતી ઉપર આધારિત છે. ભારતીય નિકાસકારો ઓટો પાર્ટસ, એન્જીનીયરીંગ ગુડસ અને કેમીકલ ક્ષેત્રે વૈશ્ર્વિક કક્ષાએ નામના ધરાવે છે. આ તમામ ક્ષેત્રમાં ચીન કરતા ભારતીય ઉદ્યોગકારોની છાપ ખૂબજ સારી છે. જો કે, ચીન સામે ભાવની દ્રષ્ટીએ ભારતીય નિકાસકારોની પીછેહટ થતી હોય છે. હાલ અમેરિકાએ ચીનના ૨૫૦ બીલીયન ડોલરના સામાન પર ટેરીફ ઝીંકી દેતા ચીનનો સામાન મોંઘો બન્યો છે.
હવે ભારત અને ચીનના નિકાસકારો વચ્ચે સરખી હરીફાઈ ગણી શકાય માટે વર્તમાન ટ્રેડવોરનો સમય ભારતીય કંપનીઓને ફાયદો કરાવશે તેવું માનવામાં આવી રહ્યું છે.