એકસ્પોના માધ્યમથી એન્જિનિયરીંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા મેન્યુફેકચર્સ આંતરરાષ્ટ્રીય બજારમાં સરળતાથી પ્રવેશી શકશે
જર્મનીમાં ઈમો હેનઓવર એકઝીબીશનનું આગામી સપ્ટેમ્બર માસમાં આયોજન કરવામાં આવ્યું છે. આ એકઝીબીશનમાં એન્જીનીયરીંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા મેન્યુફેકચર્સને સરળતાથી આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશ મળી શકશે.
વધુમાં રાજકોટના મશીન ટુલ્સ મેન્યુફેકચર્સ માટે પણ આ એકસ્પોમાં ઉત્તમ તક હોવાનું આયોજકોએ જણાવ્યું હતું. જર્મનીના હેનઓવર શહેરમાં છેલ્લા પાંચ દાયકાથી ઈમો હેનઓવર એકઝીબીશનનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આગામી સપ્ટેમ્બર માસમાં તા.૧૬ થી ૨૧ દરમિયાન એકઝીબીશન યોજાનાર છે.
આ એકઝીબીશનમાં ૪૧ દેશના ૧૭૮૦ એકઝીબીટર્સ ભાગ લેવાના છે. જેમાં ભારતની અંદાજે ૨૧ જેટલી કંપનીઓ પણ ભાગ લેવાની છે. આ એકઝીબીશન અંગે આયોજક ડો.વીલફ્રીડ સ્કેફર, માઈકલ રોઝ, ગીતા બીસત તેમજ રાજકોટના મેન્યુફેકચર સંજય સોનીએ જણાવ્યુ હતું કે, ઈમો હેનઓવર એકઝીબીશનમાં રાજકોટનાં મશીન ટુલ્સ પ્રોડકટ બનાવતા મેન્યુફેકચર્સ માટે ઉત્તમ તક રહેલી છે. રાજકોટ મશીન ટુલ્સ ક્ષેત્રે જર્મનીથી પાછળ છે તે વાત ખોટી છે. રાજકોટ મશીન ટુલ્સ ક્ષેત્રે વિશ્ર્વની સાથે ઉભુ છે. પરંતુ રાજકોટના મેન્યુફેકચર્સે સાહસ અને સહકારથી આંતરરાષ્ટ્રીય બજારમાં ઝંપલાવવાની જરૂર છે.
તાઈવાન જેવા દેશમાંથી આ એકઝીબીશનમાં ૨૦૦ કંપનીઓ ભાગ લે છે. જયારે ભારતમાંથી માત્ર ૨૧ કંપનીઓ ભાગ લે છે. આંતરરાષ્ટ્રીય માર્કેટ મેળવવા માટે આ એકઝીબીશન મેન્યુફેકચર્સને ખુબ ઉપયોગી નીવડશે. એકસ્પો વિશેની માહિતી www.emo-hannover.deઉપરથી મળી શકશે.