વિશ્ર્વની બીજા નંબરની સૌથી વધુ વસ્તી ધરાવતા ભારતની 80 ટકાથી વધુ વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે અને મોટાભાગના લોકો ખેતી સાથે પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છે. ભારતને કૃષિ પ્રધાન રાષ્ટ્ર ગણવામાં આવે છે પરંતુ દેશમાં ખેતી સંપૂર્ણપણે વરસાદ આધારિત કુદરત પર નિર્ભર હોવાથી દાયકામાં 2 થી 3 વાર અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિ અને વાવાઝોડા જેવી કુદરતી આફતોને લઈને ખેડૂતોને ઉપજ આવતી નથી. આવકની અનિશ્ર્ચિતતાના કારણે જ ખેતીને ઉદ્યોગનો દરજ્જો આપવામાં આવતો નથી. ભારતના કૃષિકારો અનુભવમાં કૃષિ ઋષિઓથી જરા પણ કમ નથી પરંતુ કેટલીક વિસંગત પરિસ્થિતિઓના કારણે ફળદ્રુપ જમીન, માનવબળ અને અનુભવ હોવા છતાં ભારતની ખેતી ઈઝરાયલ જેવા વિકસીત દેશથી જોજનો પાછળ છે.
ભારતમાં ટેકનોલોજીનો ઉપયોગ જોઈએ તેવો થતો નથી. વિશ્ર્વમાં અત્યારે સમૂહ ખેતી અને ટેકનોલોજીના ઉપયોગ થકી ઈઝરાયલ, અમેરિકા, ડેનમાર્ક જેવા દેશમાં ખેતી-પશુપાલનની સમૃદ્ધિ આસમાને પહોંચે છે. કૃષિ અને પશુપાલનના સમન્વયની મુળ ભારતની સંસ્કૃતિ અત્યારે વિસરાઈ ગઈ છે.
એક જમાનામાં કૃષિ આધારિત અર્થતંત્રમાં પશુ ધનને સમૃદ્ધિનું માધ્યમ ગણવામાં આવતું હતું. જેની પાસે વધુ ગૌધન, પ્રાણીધન હોય તેને આર્થિક સમૃધ્ધ કરવામાં આવતા હતા. આજે ઉત્તમ ખેતી અને પશુપાલન અનેક વિટંબણાઓ છતાં દેશની અનાજની જરૂરીયાતો પૂરી પાડે છે. ઉદ્યોગકારો, વેપારીઓના ધંધામાં ખોટ અને દેવાળાના સમાચાર સંભળાય છે પણ ક્યારેય ખેડૂતે દેવાળુ કાઢ્યું હોય તેવું સંભળાયું નથી. કુદરતી, વીમા સહાય જેવી સહાયમાં પણ પ્રિમીયમ ભરવા છતાં પાક ફેઈલ જાય તો અનાવારીના નામે કંપનીઓ પૂરું પ્રિમીયમ ન ચૂકવે, માલ તૈયાર થાય તો ભાવ હેઠા બેસી જાય. ખેડૂતોના ખોટના ખાડા ખૂટે જ નહીં તેમ છતાં ખેતી અને ખેડૂત આજે રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન આપે છે.
હવે આધુનિક ટેકનોલોજી અને ટાઈમીંગના સમન્વયથી ખેતીને વધુ વિકસાવવાનો યુગ ચાલી રહ્યો છે. ઈઝરાયલની વાત કરીએ તો ભારત સામે લોટમાં મીઠા જેટલી જમીન અને નપાણીયો વિસ્તાર અત્યારે ટેકનોલોજીના સમન્વયથી ભારત કરતા વધુ અનાજ, શાકભાજી, ફળફળાદી ઉગાડે છે, તેનો નિકાસ કરે છે. ભારતમાં હવે આધુનિક ટેકનોલોજીના સમન્વયથી ખેતીને સર્વશ્રેષ્ઠ બનાવવાનો સમય આવી ગયો છે. ખેડૂતોને હવામાન અને ક્યાં કેટલો તેમજ ક્યારે વરસાદ થશે તેની આગાહીથી લઈ જમીનની ચકાસણી, કંઈ જમીનમાં કઈ પેદાશ લઈ શકાય તેની પ્રિ-હાર્વેસ્ટીંગ માહિતી અને પાક તૈયાર થઈ જાય બાદ તેની જાળવણી અને મુલ્યવર્ધક ફૂડ પ્રોસેસીંગથી સારો ભાવ મળી શકે છે. ભારતમાં કાયદા પણ કેટલાંક અવરોધ ઉભા કરી રહ્યાં છે. ખાસ કરીને 1960ના સીલીંગ એક્ટમાં ટોચ મર્યાદા અને ત્યારબાદ પરિવારની જમીનોમાં ભાગ બટાઈના કારણે ટુકડા થવાથી મોટી જમીનો ઘટી ગઈ છે. નાની-નાની જમીનો પર મોટો ખર્ચ કરવો પરવડે તેમ નથી. વિદેશમાં પ્લેનથી દવા છાંટવી પોસાય, અહીં એ શક્ય નથી. આધુનિક ખેતીના વિકાસ માટે આધુનિક ટેકનોલોજીના સમન્વયની જરૂર છે.